Abtak Media Google News

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્ર અને કોંગી અગ્રણી ધર્મેશ લાખાભાઈ પરમારની બુધવારે સરાજાહેર કરવામાં આવેલ કરપીણ હત્યા બાદ 36 કલાકે જૂનાગઢ પોલીસમાં જૂનાગઢ ભાજપના ઉપપ્રમુખ, નગર સેવિકા સહિતના કુલ 19 શખ્સો સામે ગુન્હો નોંધાયા બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સંભાળ્યો હતો.

Advertisement

જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના 50 વર્ષીય પુત્ર ધર્મેશ લાખાભાઈ પરમારની બુધવારે બપોરના 11 વાગ્યાના અરસામાં શહેરના  બિલખા રોડ ઉપર આવેલા રામ નિવાસ નજીક હત્યા થવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસામ શેટ્ટી, જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ-ડિવીઝન પી.આઇ તથા એલસીબી અને એસઓજીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી, હત્યારાઓને પકડી પાડવા તજવીજ હાથ ધરાઇ હતી.

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જૂનાગઢ ખાતે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને સાથે રાખી જિલ્લા પોલીસ વડાને મળી આ હત્યા સંદર્ભે વિગતવાર ચર્ચા કરી હતી. જો કે ત્યારબાદ પણ પરિવારજનો દ્વારા જે નામ સુચવાય તે નામો વાળી ફરિયાદ લેવામાં આવે તેવું જણાવાયું હતું અને અંતે મોડી સાંજે મૃતકના ભાઈ રાવણ લાખાભાઈ પરમારની જુનાગઢ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં આરોપી તરીકે અશોક કાનજીભાઈ પરમાર, ગીતાબેન કાળુભાઈ, વિકી ઉર્ફે સાગર સુરેશભાઈ સોલંકી, કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ સોલંકી તથા ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જાનને છેલ્લા બે વર્ષથી ખતરો હતો અને જૂનાગઢ શહેરમાં આવેલા તક્ષશિલા સ્કૂલની બાજુમાં રહેતા અશોકભાઇ ભટ્ટ, ખાડિયામાં રહેતા સંજય ઉર્ફે બાડિયો, તેની પત્ની બ્રિજેશબેન, સંજયભાઈના પિતા સુરેશ ઉર્ફે દુલો સોમાભાઈ સોલંકી, સાહિલ મોહન સોલંકી, અશોક કાળુ તથા જીવા રાજસિંભાઈ સોલંકી, હરેશ જીવાભાઇ સોલંકી, કાળુ સાજણ રાણવા, વજુ મેવાડા, શૈલેષ ઉર્ફે મુસો વિરુદ્ધ અવારનવાર અરજીઓ કરેલ હતી, જેનું મનદુખ રાખી ફરિયાદમાં જણાવેલ આ શખ્સો દ્વારા નજરે જોનાર શખ્સોને ઉશ્કેરણી કરી, હથિયારો પુરા પાડેલ હોવાનું તેમનું માનવું છે.

પોલીસે 19 શખ્સો વિરુદ્ધ ફરિયાદ લેવાતા 36 કલાક બાદ મૃતક ધર્મેશભાઈ પરમારના મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો છે.  રાજકોટ તાલુકા પોલીસે આ હત્યાના ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે અન્ય બે આરોપી મળી આ હત્યાના કુલ પાંચ આરોપીઓને જૂનાગઢ પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ રાજસ્થાન ખાતે ફૂલ પધારવવા ગયેલા નગરસેવિકા બ્રિજેશબેન અને તેના પતિ સંજયની અટકાયત કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.