Abtak Media Google News

તંત્ર તાકીદે વ્યવસ્થા કરે નહીંતર પગપાળા વતનની વાટ પકડશુ: ચીમકી સાથે આવેદન

ઉત્તર પ્રદેશના શ્રમિકો અને નાના લારી ધારક વેપારીઓ ગઈકાલે મોટી સંખ્યામાં તેમના વતન પરત જવા માટે તંત્ર દ્વારા કોઈ સગવડ કે સુવિધા ઊભી ન કરાતા લગભગ સો થી વધુ શ્રમિકો અને છૂટક ધંધા કરતા લોકો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જુનાગઢના જીઆઇડીસી વિસ્તારમાં પરપ્રાંતિય મજૂરો મોટી સંખ્યામાં મજૂરી કામ કરીને પેટીયું રળી રહ્યા છે ત્યારે જૂનાગઢના જીઆઇડીસી મૃતપાય થયેલા ઉદ્યોગોમાં લોક ડાઉનના કારણે ઉદ્યોગો શરૂઆતમાં બંધ થયા બાદ માંડ ધીમી ગતિએ ચાલુ થયા છે, પરંતુ નાની મોટી સમસ્યાઓ ઊભી થતા ઉત્તર પ્રદેશના મજૂરો માટે રોજીરોટી મેળવવી હવે કપરી બની ગઈ છે.        તો બીજી બાજુ આવા મજૂરોને રોજી ન મળતાં રોટલાના સાસા ઉભા થવા પામ્યા છે, તો અમુક લોકોમાં કોરોનાનાની મહામારીમાં ડર ઉતપન્ન થવા પામ્યો છે, ત્યારે યુપીના આ લોકોને ઘર અને પરિવાર યાદ આવ્યો હોય, ત્યારે સરકાર દ્વારા શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે જે યોજના કરવામાં આવી છે તેની માંગ સાથે ગઈકાલે જૂનાગઢ જીઆઇડીસીના શ્રમિકો અને છૂટક વેપાર કરતા નાના લારીવાળા લોકો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યુ હતું.       શ્રમિકોના જણાવ્યા અનુસાર મોટાભાગના શ્રમિકોએ અગાઉ વહીવટી તંત્રમાં અરજી પણ કરી હતી અને અમુક લોકોએ જે તે વખતે રૂપિયા પણ ભર્યા હતા. જોકે, તે રૂપિયા તંત્ર દ્વારા પરત આપી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ એક હજારથી વધુ શ્રમિકો અને છૂટક વેપાર કરતા ઉત્તર પ્રદેશના લોકોને હવે માદરે વતન જવું છે ત્યારે તંત્ર દ્વારા તાકિદે વ્યવસ્થા કરવામાં આવે અને મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આ સાથે શ્રમિકોએ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં નહીં આવે તો પગપાળા પણ ઉત્તર પ્રદેશ જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.