Abtak Media Google News

જાહેરનામા ભંગ અંગેના ૨૨,૪૬૧ સામે કેસ કર્યા: ૩ હજાર વાહન ડીટેઇન કરાયા: અનલોક-૨ માટે રાતે ૧૦ થી સવારે ૫ દરમિયાન કફર્યુ

કોરોના વાયરસના કારણે લોક ડાઉન બાદ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા અનલોક-૨ માટે અપાયેલી છુટછાટ બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અનલોક-૨માં રાતે ૧૦ થી સવારના ૫ વાગ્યા સુધી કફર્યુ જાહેર કર્યો છે. અનલોક-૧ દરમિયાન પોલીસે માસ્ક નહી પહેરનાર, રાત્રે કફર્યુનો ભંગ કરનાર અને જાહેરનામાનો ભંગ કરી મોડીરાત સુધી દુકાન ખુલી રાખનાર ૨૨,૪૬૧ સામે કેસ કર્યા છે અને ૩૦૦૦ જેટલા વાહન ડીટેઇન કર્યા છે. પોલીસે તમામ કેસમા રૂા.૫૧ લાખ દંડ વસુલ કર્યો છે.અનલોક-૨ તા.૧ જુલાઇથી અમલમાં આવશે એટલે કે આજથી અમલ કરાવવામાં આવશે, જાહેર સ્થળોએ અને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવામાં નહી આવે તો રૂા.૨૦૦ દંડ ફટકારવામાં આવશે, તેમજ કંટેઇન્મેન્ટ અને માઇક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક ચિજ વસ્તુની દિવસ દરમિયાન દુકાનો ખુલ્લી રાખી શકાશે જ્યારે અન્ય વિસ્તારમાં રાતે ૧૦ થી સવારે ૫ વાગ્યા સુધી કફર્યુ જાહેર કરવામાં આવ્યો છે. તે દરમિયાન કારણ વિના બહાર નીકળનાર વ્યક્તિ સામે જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે. વેપારીઓ પોતાની દુકાનો સાંજના સાતના બદલે રાતના આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે અને રેસ્ટોરન્ટ રાતના નવ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે તેમ જણાવ્યું છે.

આ ઉપરાંત સભા-સરઘસ, લોક મેળા, સહિતના જાહેર સ્થળે વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. અંતિમ સંસ્કારમાં ૨૦થી વ્યક્તિઓને હાજરી આપવા અને લગ્ન પ્રસંગમાં ૫૦ વ્યક્તિઓ જ હાજરી આપી શકશે તેમ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.