Abtak Media Google News

કટોકટી દરમિયાન મિસાના કાળા કાયદા હેઠળ અટકાયતની એક રસપ્રદ રોમાંચકતા

તા.રપ જુન ૧૯૭૫ના રોજ દેશમાં કટોકટીની જાહેરાત ઇંદીરાજીની સરકાર દ્વારા કરવામાં આવી અને સાથો સાથ મીસા મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરર્નલ સીકયુરીટી એકટ એટલે કે આંતરિક સુરક્ષા જાળવણી માટેનો કાયદો અમલમાં લાવવામાં આવેલો. જે કાયદા હેઠળ સરકારને કોઇપણ વ્યકિતને કોઇપણ કારણ જણાવ્યા સિવાય તે વ્યકિત દેશની આંતરીક સુરક્ષા માટે બાધા‚પ છે તે જણાવી તેની અટકાયત કરવાની સત્તા આપવામાં આવેલી હતી. આ કાયદા હેઠળ દેશમાં હજારોની સંખ્યામાં રાજકીય આગેવાનોને અને કાળા બજારીયા, અસામાજીક તત્વો તથા ઘણા વેપારીઓને પણ અટક કરવામાં આવેલા હતા.

આજની ભારતીય જનતા પાર્ટીનો ત્યારે જન્મ થયેલ ન હતો. પરંતુ તે સમયે ભારતીય જનસંઘ પક્ષ સબળ વિરોધ પક્ષ તરીકે દેશમાં છવાયેલા હતો અને કટોકટી દરમિયાન જનસંઘના તે સમયના રાષ્ટ્રીય નેતાઓ અટલજી, અડવાણીજીથી લઇ શ્રી મોરારજી દેસાઇ, મુરલીમનોહર જોશી જેવા તમામ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓની મીસા હેઠળ અટકાયત થયેલી હતી.

ગુજરાતમાં જનસંઘના સ્થાપક લીડરો પૈકી શ્રી કેશુભાઇ પટેલ, ચીમનકાકા, વજુભાઇ વાળા, નાથાલાલ ઝઘડા હાલના મુખ્યમંત્રી અને તે સમયના યુવા જનસંઘ નેતા શ્રી વિજયભાઇ ‚પાણી વગેરે પણ મીસા હેઠળ અટકાયતમાં હતા . તે સમયે જનસંઘના પ્રખર નેતા અને સંગઠનના મહારથી શ્રી શંકરસિંહ વાઘેલા (બાપુ) ઘણો સમય અન્ડર ગ્રાઉન્ડ રહેલા અને પક્ષની કામગીરી કરતાં રહેલા. શ્રી શંકરસિંજી વાઘેલાને મીસા હેઠળ પકડવા ત્યારની ગુજરાત સરકાર ખુબ પ્રયત્નશીલ હતી અને કેન્દ્રમાંથી પણ દબાણ હતું કે શંકરસિંહ વાઘેલાને તાત્કલીક પકડવા, પોલીસ તંત્રમાં અમદાવાદ  શહેર પોલીસ, અમદાવાદ ગ્રામ્ય, જિલ્લા પોલીસ તથા શંકરસિંહના વતન વાસણ (વાણસીયા મહાદેવ)નું ગામ તે સમયે જૂના મહેસાણા જિલ્લામાં હતું. તેથી મહેસાણા પોલીસ પણ તેમને શોધી રહેલી હતી.

આ સમયગાળા દરમિયાન હું મહેસાણા જિલ્લાના ટાસ્કર્ફોર્સ પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતો હતો અને તે સમયે જુની સંસ્થા કોંગ્રેસના અગ્રણી  અને મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રિખવચંદ શાહ તથા અન્ય ઘણા આગેવાનોને મીસા હેઠળ પકડવાની ફરજ મેં બજાવેલી, શંકરસિંહ બાપુને કોઇપણ રીતે પકડવા માટેનું ખૂબ દબાણ ઉચ્ચ કક્ષાએ જિલ્લા પોલીસ વડા ઉપર આવતું હતું. તેથી બાપુની શોધખોળની ખાસ કામગીરી મને ડી.એસ.પી. એ સોંપેલી, દરમિયાન માહીતી મળેલી કે શંકરસિંહ બાપુ મહેસાણામાં તેમના કુટુંબના સભ્યોને મળવા આવેલા છે અને તેમના એક સંબંધી બહેનના ઘેર છે. જેથી ડી.એસ.પી શ્રીએ તાત્કાલીક આ અંગે કાર્યવાહી કરવા અને બાપુને પકડવા તજવીજ કરવા સુચના આપતા હું તથા તે વખતના હોમ પોલીસ ઇન્સ્પેકટર કાકુસિંહ રાઠોડ અને જ‚રી પોલીસ ફોર્સ સાથે શંકરસિંહ બાપુ જેમના ઘેર હોવાની માહીતી મળેલી હતી ત્યાં પહોચ્યા, અને તે મકાનમાં જતાં ઘરમાં કોઇ માણસોની હાજરી જણાવેલ નહી પણ એક બહેન હાજર હતા તેમને શંકરસિંહ બાપુ કે તેમના કોઇ કુટુંબીજનો આવેલા હતા કે કેમ? તે બાબતે પુછપરછ કરતાં તેઓએ કંઇ જાણતા ન હોવાનું જણાવ્યું તે સમયે મને ઘરમાં એક ખાટલામાં માથા સુધી ઓઢીને કોઇ સુતેલ હોવાનું લગતા આ બાબતે તે બહેનને પૃચ્છા કરતાં તેમણે પૂછયું કે તેમના આ ભાણેજ જમાઇ રાજકોટમાં શું કરે છે? બહેને જવાબ આપેલો કે તેમને લોધાવાડ ચોકમાં હેર કટીંગ સલુન છે. યોગાનુયોગ હું પોતે પણ રાજકોટની વતની હોવાથી અને લોધાવાડ ચોકમાં મારા પિતાશ્રીનું ઘર હોવાથી મને આ અંગે આતુરતા થઇ કે મારા વતનના રહેણાંક વિસ્તાર કે જેની ગલી ગલીથી હું બાળપણથી પરિચિત છું ત્યાં હેરકટીંગ સલુન ધરવાતી આ વ્યકિત કોણ છે?

મારી છઠ્ઠી ઇન્દ્રીયની પ્રેરણાથી જ મને કંઇક અજુગતું હોવાની શંકા ગઇ, જેથી મે ખાટલામાં સૂતેલી વ્યકિતના પરથી સપાટાથી ચાદર હટાવી તો તેણે ભર ઉંઘમાંથી જગેલા હોવાનો દેખાવ કરી ઊઠવાનો પ્રયત્ન કર્યો. લાંબા વાળ, જીન્સ પેન્ટ અને કલર ફુલ ટી શર્ટ પહેરેલી તે વ્યકિતને તેમનું નામ પૂછતા તેમણે પોતાનું નામ મગનભાઇ વાણંદ, રાજકોટ વાળા હોવાનું અને લોધાવાડ ચોકમાં પોતાનું હેર કટીંગ સલુન હોવાનું જણાવ્યું.આ સાંભળી મને ખૂબ નવાઇ  લાગી. મગનભાઇ વાણંદને તો હું બચપણથી ઓળખતો હતો કારણ કે મેં નાનપણથી તેમને પાસે જ મારા વાળ કપાવ્યા હતા. દાળમાં કંઇક કાળુ હોવાની શંકા તીવ્ર બનતા મેં કડક અને ઉંચા અવાજે તેમને કહ્યું કે, ખોટું શા માટે બોલો છો? ચાલો પોલીસ સ્ટેશન મારી સાથે આવેલી હોમ ઇન્સ્પેકટરશ્રી કાકુસિંહ રાઠોડે મને કહ્યું કે આપણે શંકરસિંહની તપાસ માટે કરીએ ત્યારે મે: કહ્યું કે, સાહેબ, આ વ્યકિત શંકરસિંહ વાઘેલા ભલે ન હોય પણ તે પોતાને રાજકોટના મગનલાલ વાણંદ જણાવે છે તે પણ ખોટું છે અને એટલા માટે આ વ્યકિતની તપાસ માટે તેમને પોલીસ સ્ટેશન તો લઇ જ જવા પડે, આમ કહી મેં તે વ્યકિતનો હાથ પકડી અમારી સાથે લીધા અને ઘરનો દાદર ઉતરવા લાગ્યા. આ સમયે તે વ્યકિતએ સહેજ અટકી મને કહ્યું, દલાલ સાહેબ, હું મગન વાણંદ નથી. શંકરસિંહ જ છું !!

આટલું કહી પોતે પહેરેલી વીગ ઉતારી, આ જોઇ અમે સૌ આશ્ર્ચર્યચકિત થઇ ગયા અને શંકરસિંહ પણ હસવા લાગેલા કહ્યું કે હવે મારા પક્ષનું કામ પુ‚ થવામાં છે. તમે મારા વિ‚ઘ્ધ કાયદેસર કાર્યવાહી કરો. આ રીતે તે સમયે શંકરસિંહ વાઘેલા અંડર ગ્રાઉન્ડ રહેવામાં વેશપલ્ટોદ કરી કોલેજીયન જેવો દેખાવ કરી ફરતા રહેલા જેથી તેમને કોઇ ઓળખી શકયું ન હતું. પરંતુ યોગાનુયોગ તેમણે જેમનું નામ વાપરેલું તે વ્યકિત મારી પરિચિત હોવાથી મને એ સમયે જ શંકા જતા શંકરસિંહને તેમના અસલી ‚પમાં સામે આવવું પડેલું.

ત્યારબાદ વેશપલટામાં જ અમે તેમને ડી.એસ.પી. સમક્ષ રજુ કરવા માટે લઇ ગયા, મેં જેઠવાને જણાવ્યું કે અમે શંકરસિંહની ધરપકડ કરી છે. તેમણે પોતાની ચેમ્બરમાં તેમને લઇ આવવા જણાવ્યું વેશપલટા સાથેના બાપુ સામે હાથ કરી મેં જેઠવા જણાવ્યું કે, આ રહ્યા શંકરસિંહ તેઓ મારા ઉપર ગુસ્સે ગયા કે. આ કોને પકડી લાવ્યા? હું શંકરસિંહને બરાબર ઓળખું છું આ એ નથી. તે સમયે શંકરસિંહ હસતાં હસતાં પોતાની વીગ ઉતારતા તેમનો ચહેરો જોઇ જેઠવા પણ આશ્ર્ચર્ય પામી ગયા અને હસી પડયા. ત્યારે શંકરસિંહે કહ્યું કે, સાહેબ, આપ અને દલાલ સાહેબ પણ મને ન ઓળખી શકયા…. તેથી જ હું લાંબો સમય બહાર રહી શકયો. હવે જે કંઇ કાયદેસરની કાર્યવાહી થતી હોય તો કરો… ત્યારબાદ મેં મીસાના વોરંટનો અમલ કરી બાપુને વોરંટની જોગવાઇ મુજબ અમદાવાદ સાબતમતી જેલમાં સોંપેલા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.