Abtak Media Google News

બે લાખ જેટલી રોગપ્રતિકારકની ટેબલેટ, માસ્ક અને સેનેટાઈઝર કિટનું વિતરણ: સ્ટાફનું મેડિકલ ચેકઅપ કરાયું

જાહેરનામા ભંગનાં ૪ હજાર કેસ કરી લોકો  સામે કરી કાર્યવાહી: ૪૬૦૦ વાહનો ડિટેઈન

ઔધોગિક વિસ્તારોનાં શ્રમિકોને  ભોજન અને રાશનકિટનું વિતરણ કર્યું

કોરોના મહામારીને ડામવા સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતા જેનો કડક અમલ કરાવવા રાજકોટ ગ્રામ્ય પોલીસે નિયમોની કડક અમલવારી સાથે માનવતાપૂર્ણ ઋજુ વ્યવહારનો આગવો અનુભવ નાગરિકોને મળ્યો છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ, ભોજન દવાઓ સહિતની વસ્તુઓ સ્વખર્ચે નાગરીકોને ઉપલબ્ધ કરાવવા સાથે પોતાના આપ્તજન, પરીવાર કે બાળકોના સ્થાને દેશ સેવાને પ્રાથમિકતા આપનારી પોલીસની પોલાઇટનેસ ગુલની સુવાસ આજે ચારે તરફ મહેંકી રહી છે.

Advertisement

Dsp Shree Balram Mina

રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, પોલીસે અગાઉના પહેલા તબકકાનાં ૨૧ દિવસના અને ત્યારબાદ બીજા તબકકાનાં ૧૯ દિવસ દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસે લોકાડાઉનની સઘન અમલવારી કરવા જિલ્લા પ્રશાસન અને સ્થાનીક અગ્રણીઓ સાથે સંકલન કરી તમામ ગ્રામ્ય લોકોને ઘરમાં રહેવા સમજાવી સક્રિય કામગીરી કરી હતી. આ માટે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયા મારફત સતત જનજાગૃતિ અને લોકોના સહયોગ માટે અપીલો કરવામાં આવી હતી. આમ છતાં લોકાડાઉનના સમયે બીનજરૂરી બહાર ફરવા અને જાહેરનામાનો ભંગ કર્યો હોય તેવા લોકો સામે ૪૦૦૦ જેટલા ગુન્હાઓ નોંધી ૪૯૦૦ લોકોની ઘરપકડ કરી છે. ગ્રામ્ય કક્ષાએ આધુનિક ટેકનોલોજીના સફળ વિનિયોગ માટે ડ્રોન તથા સરકારના નેત્રમ પ્રોજેકટ અન્વયે લગાવાયેલા સી.સી.કેમેરા વડે બિનજરૂરી આંટા મારતા અને લોકાડાઉનનો ભંગ કરતા લોકો પર ૩૦૦થી વધુ કેસો કરાયેલા છે. આ ઉપરાંત બિનજરૂરી વાહનો સાથે બહાર નિકળેલા લોકોના ૪૬૦૦ જેટલા વાહનોને ડીટેઇન કરેલા છે. જેને તબ્ક્કાવાર મુકત કરાઇ રહ્યા છે. આમ ગ્રામ્ય કક્ષાએ લોકડાઉનની સફળ અમલવારી અને સક્રિય લોકસહયોગના પરીણામે જ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણની અસરોને અટકાવવી શકય બની છે. મીણાએ કહ્યું કે, સરળ અને સુચારૂ કાર્યવાહિ માટે બે શિફટમાં ફરજ નિભાવતા જવાનો માટે બે લાખથી વધુ ઇમ્યુનિટી પાવર વધારવાની દવાઓ અપાઇ છે. સંક્રમણથી સુરક્ષા પ્રદાન કરવા માસ્ક, સેનેટાઇઝર તથા ફેસ પ્રોટેકશન કીટ સહિતના સાધનોનું વિતરણ કરાયું છે. તેઓનું સમયાંતરે મેડીકલ ચેકઅપ પણ કરાવાયું છે.મહિલા કર્મચારીઓને શિફટમાં ડયુટી ફાળવણી અને તેઓની સુવિધાઓ સચવાય તથા સામાજીક જવાબદારી નિભાવી શકે તે બાબતની ખાસ તકેદારી રખાઇ છે. જયારે મોટી ઉંમરના કર્મચારીઓ ખાસ કરીને હાઇપર ટેંન્શન, ડાયાબીટિઝ, હદયરોગ, લોહિનું ઉંચું દબાણ ધરાવતા હોય તેવા કર્મચારીઓનું અલગ લિસ્ટીંગ કરી ફરજ સોંપણી બાબતે વિશેષ તકેદારી રખાઇ છે.  પોલીસ જવાનોને  ફરજના સ્થળ પર જ ભોજન અને પાણી સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ બને તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરાઇ છે. આ બાબતે સ્થાનિક લોકો અને સ્વયંસેવી સંસ્થાઓનો પણ સહયોગ સાંપડયો છે. પોલીસતંત્રના સિનિયર ઓફીસરો દ્વારા દરેક પોંઇન્ટ પર સતત મોનીટરીંગ કરાઇ રહયું છે.

ગુજરાતના વિકાસમાં અન્ય પ્રાંતના આવેલા કુશળ કારીગરો અને મજુરોનો ફાળો નોંધપાત્ર છે. તેઓને વતનથી દુર હોવાનો અહેસાસ પણ ન  થાય  તે માટે રાજય સરકાર દ્વારા આ શ્રમિકોને સહાયભુત થવા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગ્રામ્યકક્ષાએ પોલીસતંત્ર દ્વારા આ બાબતને ધ્યાને લઇને જિલ્લાના તમામ ગ્રામ્ય અને ખાસ કરીને શાપર, વેરાવળ, લોધિકા અને ગોંડલ ખાતે આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય અને અન્ય રાજયોના કામ કરતા મજુર અને શ્રમિકોને ભોજન, કરીયાણાની કીટો તથા આશ્રય સહિતની સહાયક સવલતો ઉપલબ્ધ કરાવાઇ છે. જેમાં અનેક સ્વયંસેવી સંસ્થાઓનો સક્રિય સહયોગ પણ મેળવ્યો છે. હાલ પણ આ કામગીરી ચાલુ જ છે. જે મજુરોને પોતાના વતનમાં જવું હોય તો રાજયસરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇન મુજબ અરજી કરવી અનિવાર્ય છે. જે અંગે પરપ્રાંતિય શ્રમિકોને જરૂરી માર્ગદર્શન અને વતન જવા માટેની પ્રકિયામાં પોલીસ તંત્રના જવાનો સહાયક બની રહયાં છે. હાલ મુસ્લિમ બીરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહયો છે. લોકડાઉન સમયમાં જુદાજુદા ધાર્મિક અને સામાજિક પ્રસંગો તથા તહેવારો અન્વયે સોશિયલ ડિસ્ટીન્સીંગની ખાસ તકેદારી રાખવાની સુચના છે. ત્યારે ત્રીજા તબક્કા દરમિયાન પણ કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા રાખવાના થતાં તકેદારીના પગલાંઓનો અમલ જરૂરી છે. આ માટે પોલીસતંત્ર દ્વારા નગરપાલીકા,તાલુકા પંચાયત, ગ્રામપંચાયતના સદસ્યો અને સમાજીક તથા ધાર્મિક સંગઠનના વડાઓ, જ્ઞાતીના આગેવાનો સાથે સંકલન કરી સોશીયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે મ્હોં પર માસ્ક વગર બહાર ન નીકળવા, વારંવાર હાથ ધોવા તથા શાકમાર્કેટ, બજાર જેવા સ્થળોએ સલામત અંતર જાળવવા જાગૃત કરાઇ રહ્યા છે. જેથી ગ્રામ્ય કક્ષાએ રહેતા લોકો અને પરિવારોજનોને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.