Abtak Media Google News

પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવાર ચયનના નવા નિયમોને ભાજપના સૌ સંનિષ્ઠ કાર્યકર્તાઓએ સહજતાપૂર્વક અને ઉમંગભેર આવકારીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ તેમજ પ્રદેશ સંગઠનનો આભાર માન્યો

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ કે, ૬ મહાનગરપાલિકા માટેની ૫૭૬ બેઠકો માટે લોકશાહી પધ્ધતિ, પારદર્શકતા અને શિસ્તબદ્ધ રીતે ઉમેદવારોની ચયન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ સંગઠન દ્વારા નિમાયેલ નિરીક્ષકશ્રીઓએ દરેક મહાનગરપાલિકામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને સંગઠનનો સેન્સ લઈ ત્રણ-ત્રણ ઉમેદવારોની પેનલો બનાવી હતી. દરેક વોર્ડમાં આવેલ ઉમેદવારી માટેના સરેરાશ ૫૦ થી ૬૦ ફોર્મની વિષદ છણાવટ કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને જરૂર જણાતાં ઉમેદવારની વધુ માહિતી પણ મંગાવવામાં આવી હતી અને ફાઇનલ યાદી તૈયાર કરવામાં આવી છે. ભાજપા જેવી ઉમેદવારોની લોકશાહી પદ્ધતિ દ્વારા ચયન પ્રક્રિયા અન્ય કોઈ રાજકીય પાર્ટીમાં નથી.

પાટીલે જણાવ્યું કે, આજે સાંજ સુધી તબક્કાવાર મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે અને આવતીકાલે તા. ૫ મી ફેબ્રુઆરીએ “વિજય મુર્હુત ૧૨:૩૯ કલાકે જે તે મહાનગરના શહેર કાર્યાલયથી પસંદગી પામેલા ઉમેદવારઓ ઉમેદવારી પત્રક નોંધાવવા જશે.

પાટીલે પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાયેલ નિર્ણયો પર પ્રકાશ પાડતા જણાવ્યુ કે, નિર્ણયો જેવા કે ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય તેવા કાર્યકર્તાઓ ઉમેદવારી કરી શકે નહીં, જેમની આ વખતે કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ૩ ટર્મ પૂર્ણ થઈ હશે તથા પૂર્વ મેયર દાવેદારી કરી શકશે નહીં. પરિવારવાદને ખાળવા માટે પક્ષના પદાધિકારી, આગેવાન કે પ્રતિનિધિના સગાને ટિકિટ આપવામાં આવશે નહીં તેવા નિર્ણયોનો ભાજપાના સૌ સંનિષ્ઠ કાર્યકર્તાઓએ સહજતાપૂર્વક અને ઉમંગભેર આવકારીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ તેમજ પ્રદેશ સંગઠનનો આભાર માન્યો હતો.

પાટીલે વધુમાં જણાવ્યુ હતું કે, બધી જ મહાનગરપાલિકામાં ભાજપાના કાર્યકર્તા, આગેવાનો, પદાધિકારીઓએ વિકાસના અનેકાનેક કાર્યો કર્યા છે જેની દેશના અન્ય રાજ્યોને પણ ઈર્ષ્યા આવી રહી છે. વિકાસ એ ગુજરાતનો સ્વભાવ છે, ગુજરાતની પ્રજાના આશીર્વાદ હરહમેંશ મળતા રહ્યા છે અને તમામ જાહેર થનાર ઉમેદવારોને પ્રેમ અને આશીર્વાદ સતત મળતા રહેશે તેવો વિશ્વાસ પ્રગટ કરીને ગુજરાતની પ્રજાને વંદન-નમન કર્યા હતા.

એક પ્રશ્ર્નના જવાબમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, ભાજપાના સિનિયર કાર્યકર્તાઓએ હસતાં-હસતાં નવા કાર્યકર્તાઓને તક આપવા માટે જગ્યા કરી આપી છે તે જ પાર્ટીની મોટામાં મોટી મૂડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.