બેટ દ્વારકામાં ફરીથી ચુસ્ત બંદોબસ્ત હેઠળ ડિમોલિશન શરૂ

બે દિવસમાં વધુ 22 સ્થળે ડિમોલિશન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં સતત સાત દિવસ ડિમોલેશન ઓપરેશન કરીને સાત કરોડ રૂપિયા ઉપરાંતની જમીન ખૂલ્લી કરવામાં આવી હતી તથા પોણા બે લાખ ફૂટથી પણ વધુ જમીન ખૂલ્લી કરાઇ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા નીતેશ કુમાર પાંડે, પ્રાંત અધિકારીઓ પાર્થ કોટડીયા, પાર્થ તલસાણીયા, ડી.વાય.એસ.પી., સમીર સાટડા તથા પોલીસ અને એસ.આર.પી.ની ટીમો પણ જોડાઇ હતી.

ચાર-પાંચ દિવસના વિરામ પછી ફરી એક વખત બેટ દ્વારકામાં ડિમોલેશનનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, જિ.પો.વડા નીતેશ કુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તથા તેમની ટીમ દ્વારા દ્વારકા-ઓખાના પોલીસ અધિકારીઓને સાથે રાખીને ડિમોલેશન રાઉન્ડ-2 શરૂ કરાયો છે. જેમાં અત્યાર સુધીમાં વધુ 22 દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

જેમાં કોમર્શીયલ જગ્યા દુકાનો વધુ પ્રમાણમાં હતી. બેટ દ્વારકાનું ઓપરેશન જ્યાંથી શરૂ થયું તે બાલાપટ વિસ્તારમાં ફરીથી કાર્યવાહી શરૂ થઇ છે તથા બે દિવસમાં કુલ 22 બાંધકામોને ઉઠાડીને વધુ 24 લાખની કિંમતની જગ્યા અંદાજીત 10 હજાર ફૂટ ઉપરાંતની ખુલ્લી કરવામાં આવી છે તથા આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી શરૂ રહેવાની છે. અગાઉ સર્વે થયેલો તેના લીસ્ટમાં બાકી રહેલ તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવા કાર્યવાહી કરવામાં જ આવનાર છે.