Abtak Media Google News

‘દેને કો ટુકડા ભલા લેનેકો હરીનામ’ના સુત્રને સાર્થક કરતા સૌરાષ્ટ્રના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ વિરપૂરના જલારામ મંદિર ખાતે આજથી ફરી અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવતા ભાવિકોમાં હરખની હેલી વ્યાપીજવા પામી છે. 200 વર્ષથી ધમધમતું આ સદાવ્રત કયારેય બંધ થયું નથી પરંતુ કોરોનાના કારણે જલારામ બાપાનું મંદિર અને અન્ન ક્ષેત્ર બંધ કરવાથી ફરજ પડી હતી હવે કોરોનાનું સંક્રમણ સંપૂર્ણ પણે ઘટી ગયું છે. ત્યારે આજથી ફરી ભાવિકોને જલાબાપાનો પ્રસાદ પિરસવાનું શરૂ કરવામાં આવ્યું છે.

રાજયમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવતા રાજય સરકારની ગાઈડલાઈન મુજબ અન્ય મંદિરોની માફક વિરપૂરમાં આવેલુ જલારામ મંદિર પણ ભાવિકો માટે બંધ કરીદેવામા આવ્યું હતુ અહી 200 વર્ષથી ચાલતું સદાવ્રત અર્થાત અન્નક્ષેત્ર પણ કોરોનાના કારણે બંધ કરી દેવામાં આવ્યું હતુ સરકારે છૂટછાટ આપતા જલારામ મંદિર ગત 14મી જૂનથી શરૂ કરી દેવામાં આવ્યુંહતુ. જેમાં દરેક દર્શનાર્થીઓને વિરપૂર ખાતે આવેલા માનકેશ્વર મંદિરની બાજૂમાં રજીસ્ટ્રેશન કાર્યાલય ખાતે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ટોકન આપવામાં આવે છે.

ટોકનધારક દર્શનાર્થીઓ સેનીટાઈઝ ચેમ્બરમાં સેનેટાઈઝ થયા બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે અને મોઢા પર માસ્ક બાંધવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિતની કોરોનાની તમામ ગાઈડલાઈનનું સંપૂર્ણ પણે પાલન કરવામાં આવશે. દર્શનનો સમય સવાર 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ત્યારબાદ બે કલાકનો વિરામ અને બપોરે 3 કલાકથી સાંજના 7 વાગ્યા સુધી દર્શનાર્થીઓને મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 7 થી 7.30 કલાક દરમિયાન જલારામ બાપાની આરતી કરવામાં આવે છે. જેમા ભાવિકોને પ્રવેશ આપવામા આવતો નથી.

પૂ. જલારામ બાપાએ 200 વર્ષ પહેલા વિરપૂર ખાતે શરૂ કરેલી સદાવ્રતની સેવા આજે પણ તેમના વારસ રઘુરામ બાપા ચલાવી રહ્યા છે. અહી આવતા ભાવિકોને એકપણ રૂપીયાનો ચાર્જ લીધાવિના બંને સમય પ્રસાદ રૂપી ભોજન પિરસવામાં આવે છે. 200 વર્ષમાં કદી પણ બંધ ન રહેતું અન્ન ક્ષેત્ર કોરોનામાં બંધ રહ્યું હતુ. આજથી ફરી જલાબાપાની પ્રસાદી ભાવીકોને પિરસવાનું શરૂ કરવામાં આવી છે. વિરપૂર રેલવે સ્ટેશનની બાજુમાં જલારામ બાપા ધર્મશાળાની જગ્યામાં આજથી અન્નક્ષેત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે. અન્નક્ષેત્રનો સમય સવારે 10 થી 1 વાગ્યા સુધીક અને સાંજના 6.30 થી 8.30 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. જેમા સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં એકમાત્ર વિરપૂર જલારામ મંદિરમાં છેલ્લા બે દાયકાથી એકપણ રૂપીયો ધરવાની મનાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.