Abtak Media Google News
  • તમામ સીટોમાં લીડ મોટી હોવાથી હરીફ ઉમેદવારોની કારમી હાર
  • પશ્ચિમ અને દક્ષિણ બેઠકમાં તો વિજેતા સિવાય કોઈ ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી ન શક્યા

રાજકોટ શહેરની 4 બેઠકો ઉપર વિજેતા ઉમેદવારોની લીડ મોટી હોવાથી હરીફ ઉમેદવારોની કારમી હાર થઈ છે. જેને કારણે 40 પૈકી 32 ઉમેદવારોની તો ડિપોઝીટ ગુલ થઈ ગઈ છે. ઉપરાંત પશ્ચિમ અને દક્ષિણ બેઠકમાં તો વિજેતા સિવાય કોઈ ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી  શક્યા નથી.

રાજકોટ શહેરની 4 બેઠકોની કાલે મતગણતરી પૂર્ણ થતાં પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની જંગી જીત થઈ છે. જો કે આ વખતે પ્રથમ વખત મોટી સંખ્યામાં હરીફ ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થઈ છે.

ચૂંટણી પંચના નિયમ મુજબ જે તે વિધાનસભા બેઠકના કુલ મતમાંથી છઠ્ઠા ભાગના મત જે ઉમેદવારને ન મળ્યા હોય તેની ડિપોઝીટ ગુલ થાય છે. કોઈ પણ ઉમેદવારે ઉમેદવારી પત્ર ભરતી વખતે રૂ. 10 હજારની ડિપોઝીટ જમા કરાવવાની રહે છે. જ્યારે અનુ.જાતિ કે અનુ. જન જાતિના ઉમેદવારોને રૂ. 5 હજારની ડિપોઝીટ જમા કરાવવાની હોય છે.

બેઠક વાઇઝ જોઈએ તો રાજકોટ પૂર્વમાં 8 ઉમેદવારો હતા. જેમાંથી કોંગ્રેસ અને આપ સિવાયના 5 ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થઈ ગઈ છે. જ્યારે પશ્ચિમ રાજકોટ બેઠક ઉપર 13 ઉમેદવારો ચૂંટણી જંગ લડ્યા હતા. જેમાંથી વિજેતા થયેલા ભાજપના ઉમેદવાર સિવાયના તમામ હરીફ ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થઈ ગઈ છે જેમાં કોંગ્રેસ અને આપ સહિતના 12 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ દક્ષિણ બેઠક ઉપર 8 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થઈ ગઈ છે. જેમાં આપ અને કોંગ્રેસના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. રાજકોટ ગ્રામ્ય બેઠકમાં 11 ઉમેદવારોએ ચૂંટણી જંગ ખેલ્યો હતો. જેમા માત્ર એક આપના ઉમેદવારની ડિપોઝીટ બચી છે. જયારે કોંગ્રેસ સહિતના 8 ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થઈ ગઈ છે.

  • ચારેય બેઠકમાં કોંગ્રેસ કરતા આપને કુલ મત વધુ મળ્યા

રાજકોટ શહેરની ચારેય બેઠકમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીને કુલ મત વધુ મળ્યા છે. ચારેય બેઠકો ઉપર કોંગ્રેસને 1,41,953 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીને કુલ 1,55,836 મત મળ્યા છે. જ્યારે દક્ષિણ અને ગ્રામ્ય આ બે બેઠક એવી રહી છે કે જ્યાં આપ કોંગ્રેસથી આગળ રહ્યું છે.આમ આવનારા દિવસોમાં કોંગ્રેસનું સ્થાન આપ લ્યે તેવા સંજોગો ઉભા થયા છે.

  • 28 ઉમેદવારોને તો નોટાથી પણ ઓછા મત મળ્યા

શહેરની ચારેય બેઠકમાં વન વે માહોલ જ જોવા મળ્યો હતો. 40માંથી 28 ઉમેદવાર એવા હતા કે તેઓને નોટાથી પણ ઓછા મત મળ્યા છે. બેઠક વાઇઝ જોઈએ તો રાજકોટ પૂર્વમાં 5, રાજકોટ પશ્ચિમમાં 11, રાજકોટ દક્ષિણમાં 4 અને રાજકોટ ગ્રામ્યમાં 8 ઉમેદવારોને નોટાથી ઓછા મત મળ્યા છે.

  • ચારેય બેઠકમાં 11604 મત નોટામાં પડ્યા

રાજકોટ શહેરની ચારેય બેઠકમાં 11604 મતદારો એવા હતા જેમને એકેય ઉમેદવારો લાયક લાગ્યા ન હતા. એટલે કે આ મત નોટામાં પડ્યા હતા. જેમાં બેઠક વાઇઝ જોઈએ તો રાજકોટ પૂર્વમાં 2794, રાજકોટ પશ્ચિમમાં 3419, રાજકોટ દક્ષિણમાં 2353 અને રાજકોટ ગ્રામ્યમાં 3038 મત નોટામાં પડ્યા છે.

વિજેતા ઉદય કાનગડ લીડ 28635

1 11

વિજેતા ડો. દર્શિતા શાહ લીડ 1,05,975

2 9

વિજેતા રમેશ ટીલાળા લીડ 78,864

3 8

વિજેતા ભાનુબેન બાબરીયા લીડ: 48,494

4 7

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.