Abtak Media Google News

બે વર્ષ બાદ મેળો યોજાતા ભાવિકો ઉમટયા: સાડાત્રણ લાખ કિલો પ્રસાદના 42 લાખ પેકેટનું વિતરણ

અંબાજીમાં ભાદરવી પૂનમના  મેળામાં ભાવિકોનો જમાવડો જામ્યો છે.તમામ રસ્તાઓ જાણે અંબાજી તરફ ફંટાયા હોય તેવો અલૌકીક માહોલ જોવા મળી રહ્યો છે.કોરોના કાળના બે વર્ષ બાદ  મેળો યોજાતા ભાવિકોનો  ઉત્સાહ  સાતમા આસમાને આબ્યો છે.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર માઇભક્તો ગરબાની રમઝટ સાથે આગળ વધી રહ્યાં છે. આ વર્ષે થયેલા સાર્વત્રિક સારા વરસાદને લીધે ગરમીથી લોકોને રાહત મળતાં માઇભક્તો અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલી રહ્યા છે. અંબાજી વિસ્તારના ડુંગરાઓ સોળે કળાએ ખીલ્યા હોવાથી પ્રકૃતિના સાંનિધ્યમાં હવે અંબાજી મુકામે મિનીકુંભનો માહોલ સર્જાશે.

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઠેર ઠેર વિશાળ પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.

મેળાની વ્યવસ્થા માટે જુદી જુદી 28 સમિતિઓ સહિત આ વર્ષે પ્રથમ વખત બેઝ સમિતિ બનાવી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલ મેળાની સમગ્ર પરિસ્થિતી પર સીધી નજર રાખી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી રહ્યા છે. કલેકટરશ્રીએ મેળાના પ્રારંભ પહેલાં અંબાજીને સંપૂર્ણ સ્વચ્છ બનાવવા અધિકારીઓને તાકીદ કરતાં સ્વચ્છતા માટે સ્પેશ્યલ ટીમો મુકીને 700 જેટલાં સફાઇ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સફાઇની કામગીરી કરવામાં આવે છે. પરિણામે અંબાજીના તમામ વિસ્તારો સાફ- સુથરા અને સ્વચ્છ બનતાં ઘણા યાત્રિકોએ અંબાજીની સ્વચ્છતાની સરાહના કરી છે.

દાંતા-અંબાજી વિસ્તારના ડુંગરાઓ જાણે જીવંત બન્યા છે અને ચારેબાજુ બસ ભક્તિરસની જ રમઝટ જોવા મળે છે. દૂર દૂરથી યાત્રિકો બોલ મારી અંબે………. જય જય અંબે…………. ના પ્રચંડ જયઘોષ સાથે અંબાજીના ડુંગરાઓ ચઢી રહ્યા છે. સંઘમાં આવતા માઇભક્તો માતાજીના  રથને ભક્તિભાવપૂર્વક ખેંચીને તેમજ ગરબાના તાલે રમતા-ઝુમતા અંબાજી તરફ આનંદથી આગળ વધી રહ્યા છે.

રસ્તાઓ ઉપર ઘણા સ્થળોએ વિવિધ સેવાકેન્દ્રો કાર્યરત બન્યાં છે. જેમાં યાત્રિકોને ચા-પાણી, નાસ્તો, જમવાનું તથા વિસામાની સગવડ મળે છે. મેળા પ્રસંગે માઇભક્તો ભક્તિમાં જાણે તરબોળ બન્યાં છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોના સંચાલકો અને સ્વયંસેવકો પદયાત્રિકોને આદરપૂર્વક વિનવણી કરીને ચા- નાસ્તો, જમવાની સેવાનો લાભ લેવા આગ્રહ કરતા જોવા મળે છે. સેવાકેન્દ્રો ઉપર પણ ભક્તિ સંગીત, ગરબાના તાલે માઇભક્તો ઝુમી રહ્યા છે.

ભાદરવી મહામેળા પ્રસંગે લાખોની સંખ્યામાં યાત્રિકો અંબાજી ઉમટી રહ્યા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન થાય તે માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે. સંઘમાં આવતા લોકો માટે અલાયદી રેલીંગ વ્યવસ્થા કરવામાં આવી છે. દંડવત પ્રમાણ, દિવ્યાંગો, વ્હીલચેરવાળા, સિનિયર સીટીઝન્સ તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઇનમાંથી સીધા લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓની લાઇનમાં પીવાના પાણીની તથા લીંબુ શરબતની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

અંબાજી આવતા તમામ યાત્રિકો દર્શનાર્થીઓ સરળતાથી મા અંબાનો પ્રસાદ મેળવી શકે એ માટે સાડા ત્રણ લાખ કિ.ગ્રા. પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા છે.

અંબાજી મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

આદ્યશક્તિ મા અંબાનું તીર્થસ્થાન અંબાજી બહુ પ્રાચીન સમયથી હોવાનું મનાય છે.  51 શક્તિપીઠોમાં સમાવિષ્ટ અંબાજી શક્તિપીઠનો મહિમા અજોડ અને ભવ્ય છે. માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ઉપરનું સ્થાનક મનાય છે. અંબાજી મુકામે યાત્રિકોની સુવિધા માટે નોંધપાત્ર વિકાસકામો કરવામાં આવતાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર  વધારો થયો છે. વરસે 1.25 કરોડથી વધુ દર્શનાર્થીઓ અંબાજી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.