Abtak Media Google News

મોટી સંખ્યામાં ભાવિકોએ શિષ ઝુકાવ્યા જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતના 202 વર્ષ પૂર્ણ દાન અને રકમ સ્વીકાર્યા વગર આજ સુધી અન્નકૂટ ખૂટયું નથી

અબતક-રાજકોટ

જલારામ બાપાના 141માં નિર્માણદિનની ભાવભેર ઉજવણી થઈ રહી છે. જલારામ બાપાના નિર્માણદિન પર આજે વીરપુર જય જલીયાણના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજથી 202 વર્ષ પહેલાં જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતમાં કોઈ પણ પ્રકારનું દાન અને રકમ સ્વીકાર્યા વગર આજ સુધી અન્નકૂટ ચાલી રહ્યું છે અને લાખો ભાવિકો પ્રસાદ માણી રહ્યા છે.

આજે મહા વદ દશમીને 26મી ફેબ્રુઆરીએ શનિવાર હોવાથી પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સમગ્ર વીરપુર ગામના નાના મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણ પણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે વીરપુર આવતા ભાવિકો,યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ખુલ્લા રહેશે,પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા પૂજ્ય જલાબાપાની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવશે તેમજ વીરપુર આવતા ભાવિક ભક્તજનોને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવશે.

Untitled 1 56

પૂજ્ય સંતશ્રી જલારામ બાપાએ 20 વર્ષની ઉંમરે 18મી નવેમ્બર 1820ના રોજ વીરપુરમાં હરિહરની શરૂઆત કરી હતી. જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત 1937 મહા વદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા. ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય બાપાની પુણ્યતિથિ તરીકે મનાવાય છે. બાપાને સંતાનમાં એકમાત્ર દિકરી જમનાબહેન, એમના પુત્ર કાળાભાઈ, એમના વારસ એટલે હરિરામબાપા, દોહિત્ર હરિરામમાં ચમકારો જોયો અને પોતાની હયાતીમાં જ એમને વિરપુર ગાદીના રખેવાળ તરીકે પસંદ કર્યા હતા.

છપ્પનીયા દુષ્કાળ સમયે વિરપુરના અન્નક્ષેત્રની નામના ટોચ ઉપર પહોંચી હતી.. એ હરિરામ બાપાના પુત્ર ગિરધરરામ બાપાની કમાલ હતી.એ પછી વિરપુરના ગાદીપતિ તરીકે એમના પુત્ર જયસુખરામ બાપા બિરાજમાન થયા હતા. જલારામબાપાના પ્રપૌત્ર જયસુખરામબાપાએ 22 વર્ષ પહેલાં મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કર્યું હતું. મંદિરમાં કોઈપણ પ્રકારનું રોકડ દાન કે ભેટ સોગાદ સ્વીકાર્યાં વગર પણ 22 વર્ષથી સદાવ્રત ચાલે છે.

હર વર્ષે જલારામબાપાના સદાવ્રતમાં લાખો લોકો પ્રસાદ ગ્રહણ કરે છે, પણ હજી સુધી સદાવ્રતના અન્નના ભંડારમાં ક્યારેય ઊણપ આવી નથી. દાન વગર સદાવ્રત ચાલી રહ્યું છે ત્યારે ભોજન સામગ્રી ક્યાંથી આવી રહી છે એ આજે પણ એક રહસ્ય છે.  બે વર્ષ પૂર્વે સદાવ્રતની બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ મંદિર આશ્રિત ભિક્ષુકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય મજૂરો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું, એ સમયે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં, પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામાં આવ્યું હતું, એટલે અન્નક્ષેત્ર એક દિવસ પણ બંધ રહ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.