Abtak Media Google News

અદાણી ગ્રૂપ હેઠળની બે સિમેન્ટ કંપનીનું સુકાન પુત્ર કરણ અદાણીને સોંપાશે

ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી શુક્રવારે વિશ્વના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. હવે તેમનો મોટો પુત્ર કરન અદાણી પણ પોતાના પિતાના બિઝનેસમાં જોડાવા માટે તૈયાર છે. પરિવાર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું છે કે કરન હવે અદાણી ગ્રુપના સીમેન્ટના બિઝનેસને સંભાળશે. ગૌતમ અદાણી પોતાના બિઝનેસનો વ્યાપ વિવિધ ક્ષેત્રોમાં વધારતા જઈ રહ્યા છે. તેમણે મે મહિનામાં 10.5 મિલિયન ડોલરના ખર્ચે બે સીમેન્ટ કંપનીઓ હસ્તગત કરી હતી. આ વિગતો ઘણી ખાનગી હોવાના કારણે નામ ન અપાવની શરતે અદાણી પરિવારનની નજીકના લોકોએ જણાવ્યું હતું કે, અદાણી પોતાના પુત્રને બિઝનેસમાં લાવી રહ્યા છે અને આ ઉપરાંત તેઓ સીમેન્ટ બિઝનેસના ગ્રોથ માટે મહત્વના સિનિયર એક્ઝિક્યુટીવ્સને પણ લાવી રહ્યા છે જેઓ કરનના મેન્ટર તરીકે પણ કામ કરશે. 35 વર્ષીય કરન હાલમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેની જવાબદારી સંભાળે છે.

જોકે, અદાણી ગ્રુપે આની સત્તાવાર જાહેરાત કરી નથી. આ અંગે અદાણી ગ્રુપના પ્રતિનિધિએ કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે. તેઓ રિલાયન્સના મુકેશ અંબાણીને પાછળ રાખીને ભારતના ધનાઢ્ય વ્યક્તિ તો બની જ ગયા છે પરંતુ બિલ ગેટ્સ અને વોરન બફેટ જેવા ધનાઢ્ય લોકોને પણ તેમણે પાછળ રાખી દીધા છે. શુક્રવારે તેઓ એમેઝોનના જેફ બેઝોસને પાછળ રાખીને વિશ્વના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે.

કોલસાની કિંમતોમાં આવેલો વધારો અને ઈક્વિટીમાં રોકેટગતિએ થયેલા વધારાના કારણે તેમની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે. અદાણી ગ્રુપ હવે અલગ-અલગ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. અદાણી હવે કોમોડિટી અને ફોસિલ-ફ્યુઅલ ઉપરાંત એરપોર્ટ્સ, મીડિયા, ડિજિટલ સર્વિસિસ અને ટેલીકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યું છે. આ ઉપરાંત અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર 70 બિલિયન ડોલરનો દાવ લગાવ્યો છે.

આ વર્ષે અદાણીએ સૌથી વધુ ખર્ચ સીમેન્ટ સેક્ટરમાં કર્યો છે. ભારતીય ઉદ્યોગપતિએ મે મહિનામાં સ્વિટઝર્લેન્ડની હોલકિમ લિમિટેડ પાસેથી અંબુજા સીમેન્ટ્સ લિમિટેડ અને એસીસી લિમેટેડ ખરીદી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.