Abtak Media Google News

બંને ટ્રેનોના સમયમાં ખાસ ફર્ક નહીં હોવાથી મુસાફર નહીં મળવા બાબતે ચિંતા વ્યક્ત કરતો પત્ર આઈઆરસીટીસીએ રેલવે બોર્ડને લખ્યો

વંદે ભારત ટ્રેન શરૂ થાય તે પહેલાં જ તેના સમયને લઈને આઈઆરસીટીસીએ રેલવે બોર્ડને રજૂઆત કરી છે. સમયમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી છે. બંનેના સમયમાં ખાસ ફરક ન હોવાથી બંનેને મુસાફરો મળવા બાબતે ચિંતા વ્યક્ત થઈ છે.

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ના અધિકારીઓએ રેલવે બોર્ડને પત્ર લખીને વંદે ભારત ટ્રેન અને તેજસ એક્સપ્રેસના ટાઈમિંગ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. બંને ટ્રેનના ટાઈમિંગમાં ઝાઝો ફરક ન હોવાથી મુસાફરો બાબતે મુશ્કેલી નડી શકે છે. આઈઆરસીટીસીના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલો પ્રમાણે આઈઆરસીટીસીના અધિકારીઓએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ બે વખત પત્ર લખીને વંદે ભારતના સમય બાબતે વિચારણા કરવાનું કહ્યું છે.

તેજસ એક્સપ્રેસ અને વંદે ભારત ટ્રેન વચ્ચે ઉપડવા અને પહોંચવાના સમયમાં 45થી 75 મિનિટનો ફરક છે અને તેના કારણે બંને ટ્રેનને પૂરતા મુસાફરો મળશે કે નહીં તે બાબતે ચિંતા થઈ રહી છે. તેજસ એક્સપ્રેસ અત્યારે અમદાવાદથી સવારે 6.40 કલાકે ઉપડે છે ને 1.05 કલાકે મુંબઈ પહોંચે છે. મુંબઈથી તેજસ એક્સપ્રેસ 3.45 કલાકે ઉપડે છે અને રાતે 10.10 કલાકે અમદાવાદ પહોંચે છે.

બીજી તરફ વંદે ભારત ટ્રેનનો અમદાવાદથી ઉપડવાનો સમય સવારે 7.25નો રહેશે અને મુંબઈ બપોરે દોઢ વાગ્યે પહોંચશે. વંદે ભારતનો મુંબઈનો ઉપડવાનો સમય 2.40 હશે, જે રાતે 9.05 કલાકે અમદાવાદ પહોંચશે. આઈઆરસીટીસીએ પત્રમાં રેલવે બોર્ડને રજૂઆત કરી છે કે બંને ટ્રેનનો સમય લગભગ સરખો હોવાથી પ્રિમિયમ કોર્પોરેટ ટ્રેન તેજસનો શરૃ કરવાનો હેતુ પૂરો થશે નહીં. કોઈ એક ટ્રેનને અને સંભવત: તેજસને મુસાફરો મળવામાં મુશ્કેલી નડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.