Abtak Media Google News

ગીર ગૌ જતન સંસ્થાન સહિત સહયોગી સંસ્થાઓનાં ઉપક્રમે ૧૧ કુંડી મહાયાગ યોજાયો યજ્ઞ સાથે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પનો પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો

ગૌભુમી ગોંડલનાં આંગણે ગૌમાતાની સનમુખ ૧૧ કુંડી ધન્વતરી મહાયાગ યજ્ઞનો આજે વહેલી સવારે શુભારંભ થયો છે. સમગ્ર જીવસૃષ્ટિનાં કલ્યાણ અને આરોગ્યનાં લાભાર્થે ભગવાન ધન્વતરી દિને આજે ધનતેરસે આ મહાયજ્ઞનું આયોજન કરાયું છે. ગોંડલ ધન્વતરી સમિતિ દ્વારા ગીર ગૌજતન સંસ્થાન વોરાકોટડા રોડ ખાતે આ મહાયજ્ઞ વહેલી સવારથી ચાલી રહ્યો છે. આ યજ્ઞ દરમિયાન દેવતાઓ અને મહર્ષિઓની શાશ્ર્વત ઉર્જાનાં તરંગો ગ્રહણ થઈ સર્વધિત થતા રહે તે હેતુથી આ યજ્ઞનું આયોજન કરાયું છે. આયુષ્ય અને આરોગ્યની અભિવૃદ્ધિ કરાવતો આયુર્વેદનાં પ્રતિષ્ઠાતા દેવતાઓની યજ્ઞાહુતીઓ દ્વારા સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના થઈ રહી છે. ધન્વતરી યજ્ઞની સાથે-સાથે નિ:શુલ્ક નિદાન કેમ્પનો પણ બહોળી સંખ્યામાં લોકો લાભ ઉઠાવી રહ્યા છે.

Img 20191025 Wa0018

આયુર્વેદનો સમસ્ત વિશ્ર્વમાં પુન: પ્રચાર પ્રસાર થાય તેવી અભ્યર્થના રહેલી છે. આહુતી દ્રવ્યોમાં પ્રત્યેક નક્ષત્રની ઔષધિ, સુગંધી પુષ્ટિવર્ધક તથા સર્વરોગ નિવારણ ભેસજ ગણોની પ્રવિચારણા થઈ છે જેથી યજ્ઞમાંથી ઉત્પન્ન થતા સુક્ષ્મ તરંગો ત્યાં ઉપસ્થિત સૌના નક્ષત્રોની આડ અસર દુર થઈ તથા તે મનુષ્યનો અભ્યુદય કરે, પુષ્ટિકારક દ્રવ્યો સૌની શારીરિક તથા માનસિક પુષ્ટિનાં હેતુ બને છે.આ યજ્ઞનો લાભ ખાસ દિવ્યાંગ લોકો તેમજ ખાસ કરીને બાળકો, નિ:સંતાન દંપતિઓ તેમજ અસાઘ્ય રોગોનાં તમામ દર્દીઓએ યજ્ઞ નજીક બેસવા માત્રથી તેમના દર્દ દુર થાય છે. પંડિત યજ્ઞાચાર્ય આચાર્ય શાસ્ત્રી પૂજય ભાવેશભાઈ રાવલનાં વ્યાસાસને સંપૂર્ણપણે વૈદપુરાણ અને ઋષિ મહર્ષિનાં વિધિવિધાન મુજબ ધન્વન્તરી યજ્ઞ ચાલી રહ્યો છે. ધન્વતરી યજ્ઞનાં આ આયોજનમાં ગોંડલની વિવિધ સેવાભાવી સંસ્થાઓએ પોતાનો સહયોગ આપ્યો છે જેમાં ગીર ગૌજતન સંસ્થાન, એશિયાટીક એન્જીનીયરીંગ કોલેજ, આરોગ્ય ભારતી, ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઓનો સહયોગ સાંપડયો છે.

ગત બે વર્ષ દરમિયાન આયોજીત ધન્વતરી મહાયાગ યજ્ઞમાં ભાગ લેનાર આઠ નિ:સંતાન દંપતિને સંતાન પ્રાપ્તિ થયેલ છે. જીવ માત્ર અને આરોગ્યનાં કલ્યાણ માટેનાં આ તૃતિય મહાયાગ યજ્ઞનાં આયોજનને સફળ બનાવવા રમેશભાઈ રૂપારેલીયા, ગોપાલભાઈ ભુવા, નિર્મળસિંહ ઝાલા, વિનયભાઈ રાખલીયા, અશ્ર્વિનભાઈ સોરઠીયા, ગીરીશભાઈ યાદવ, હર્ષદભાઈ રામોલીયા, રોહિતસિંહ ચુડાસમા, પિન્ટુભાઈ ભોજાણી, અશોકભાઈ જાની, હિતેશભાઈ દવે સહિતની ટીમે જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.