ચૂંટણી તંત્રની MCMC શાખાની ધૂરા સંભાળતા દિવ્યાંગ કર્મચારીઓ

પ્રથમ વખત દિવ્યાંગ કર્મચારીઓને પણ સક્ષમતા મુજબ જવાબદારી મળતા તેઓને પણ ચૂંટણી ફરજનો લ્હાવો મળ્યો

ચૂંટણી તંત્રની એમસીએમસી શાખાની દિવ્યાંગ કર્મચારીઓ ધૂરા સંભાળી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પ્રથમ વખત દિવ્યાંગ કર્મચારીઓને પણ સક્ષમતા મુજબ જવાબદારી આપી તેઓને પણ ચૂંટણી ફરજમાં જોડવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા ટીવી ચેનલોમાં પ્રચારને લગતું જે કોઈ પ્રસારણ કરાવવામાં આવે છે તેના ઉપર જિલ્લા ચૂંટણી તંત્રના ખર્ચ વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે આ દેખરેખની મુખ્ય જવાબદારી એમસીએમસી શાખા બજવે છે. આ એમસીએમસી શાખામાં આ વખતે પ્રથમ વખત દિવ્યાંગોને ફરજ સોંપવામાં આવી છે.

રાજકોટ કલેકટર કચેરી ખાતે એમ.સી.એમ.સી ક્ધટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં ખાસ તમામ દિવ્યાંગ કર્મચારીઓને ડ્યુટી સોંપવામાં આવી છે.રાજકોટ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા 65 દિવ્યાંગ કર્મચારીઓને તેઓને તેમની ક્ષમતા પ્રમાણે ચૂંટણી ફરજ આપવામાં આવી છે.વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને જુદી જુદી 3 શિફ્ટ માં 65 કર્મીઓ 24 કલાક તમામ ન્યુઝ ચેનલો પર પેઈડ ન્યુઝ બાબતે બાઝ નજર રાખી રહ્યા છે.

જો કોઈ પણ ચેનલમાં તેઓને પેઈડ ન્યુઝ જણાઈ તો તેઓ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુનું ધ્યાન દોરી રહ્યા છે તેમજ દરરોજ રિપોર્ટ કરી રહ્યા છે.રાજકોટ શહેર તેમજ રાજ્યની તમામ ચેનલો પર રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર ના દિવ્યાંગ કર્મીઓ નજર રાખી રહ્યા છે ત્યારે કલેકટર દ્વારા સોંપાયેલ ચૂંટણી લક્ષી કામગીરીથી તેઓ ખુશ છે.