Abtak Media Google News

રાષ્ટ્રપતિ ભવનમાં રામનાથ કોવિંદ અને અહિંસા વિશ્ર્વ ભારતીના સંસ્થાપક આચાર્ય લોકેશનાં સાનિધ્યમાં વિશ્ર્વ મૈત્રી દિવસ સંગોષ્ઠી યોજાઈ

જૈન ધર્મના પર્યુષણ અને દશલક્ષણ મહાપર્વના સંપન્ન પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અહિંસા વિશ્ર્વ ભારતીના સંસ્થાપક આચાર્ય ડો.લોકેશમુનિનાં સાંનિધ્યમાં વિશ્ર્વ મૈત્રી દિવસ સંગોષ્ઠી યોજાઈ હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ કોવિંદજીએ જૈન સમાજને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે વિશ્ર્વ શાંતિ માટે ભગવાન મહાવિરના દર્શન અનિવાર્ય છે. તેમણે સુચવેલા અહિંસાના માર્ગ પર ચાલવાથી વિશ્ર્વમાં શાંતિ અને સદભાવનાની વૃદ્ધિ થઈ શકે છે.આચાર્ય લોકેશ લંડન પાર્લામેન્ટમાં સૌપ્રથમવાર આયોજીત વસુદ્યૈવ કુટુંમ્બકમ સમારોહમાં સંબોધન આપવાના છે. તેમજ આચાર્યજીને એમ્બેસેડર ઓફ પીસ થી સન્માનિત કરવામાં આવશે. જે બદલ રાષ્ટ્રપતિએ આચાર્યજીને અભિનંદન પાઠવ્યા હતા. કોવિંદજીએ જણાવ્યું કે આચાર્ય લોકેશને ભારત અને વિશ્ર્વના અનેક પ્રતિષ્ઠીત મંચ પરથી વિશ્ર્વ શાંતિના સંદેશાઓ દઈને વિશ્ર્વ બંધુત્વનાં ક્ષેત્રમાં અમુલ્ય યોગદાન આપ્યું છે.જૈનાચાર્ય ડો.લોકેશમુનિએ જણાવ્યું કે ક્ષમા અને મૈત્રીથી પારિવારીક તેમજ સામાજિક માહોલ રચાય છે. વિભિન્ન રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો માટે ભગવાન મહાવીરનાં ક્ષમાના વ્યવહારીક પ્રયોગો ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેઓએ ઉતર કોરીયા અને અમેરીકા વચ્ચે વધતા તણાવનો ઉલ્લેખ કરતા ભારતનાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને શાંતિપૂર્ણ મધ્યસ્થતા માટે અપીલ કરી હતી. આચાર્ય લોકેશે વધુમાં કહ્યું કે, આપણે ત્રીજા વિશ્ર્વ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છીએ. જેથી વિશ્ર્વનું જનમાનસ ચિંતિત છે. યુદ્ધમાં હારવાવાળુ તો હારે જ છે પરંતુ સાથે જીતવાવાળુ પણ હારે છે. યુદ્ધ પછી પણ વાતચીત દ્વારા જ મામલો થાળે પડે છે. જેથી પહેલા જ વાતચીતથી મધ્યસ્થી કરવી જોઈએ. યુદ્ધ, હિંસા અને આતંકવાદ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. સંવાદ દ્વારા જ દરેક સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.આ અવસરે શ્ર્વેતામ્બર પરંપરાના સુભાષ ઓસવાલ, દિગમ્બર પરંપરાના મનોજ જૈન, મનીષ શાહ, અતુલ જૈન અને અહિંસા વિશ્ર્વ ભારતીના આંતરરાષ્ટ્રીય કોર્ડિનેટર ડો.અંકિત ગુપ્તાએ તેઓના વિચાર વ્યકત કરીને રાષ્ટ્રપતિને ભગવાન મહાવીરની તસવીર તથા શાલ ભેટ સ્વ‚પે અર્પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.