Abtak Media Google News

ભારતીય શિક્ષણ મંડળ દ્વારા આયોજીત રીસર્ચ ફોર રીસર્જન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમઓયુ કરાયું

ભારતીય શિક્ષણ મંડળ (સૌરાષ્ટ્ર પ્રાંત) દ્વારા આયોજીત રીસર્ચ ફોર રીસર્જન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીના માર્ગદર્શન હેઠળ આજરોજ સવારે 10 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે સંશોધનને વેગ આપવા માટે ભારતીય શિક્ષણ મંડળ સાથે એમ.ઓે.યુ. કરવામાં આવ્યું.

કાર્યક્રમના પ્રારંભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડકેટ સભ્ય અને શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. ભરતભાઇ રામાનુજે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરી હતી. ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદહસ્તે દીપપ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવેલ હતું.કાર્યક્રમમાં ભારતીય શિક્ષણ મંડલના કાર્ય અને એમ.ઓ.યુ. ના ઉદેશ્યની જાણકારી આપતા દીપજી કોઇરાલાએ જણાવ્યું હતું કે ગુરૂકુળ પરંપરાએ ભારત દેશની હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. ભારતીય શિક્ષણ મંડળએ રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણના ક્ષેત્રે 1969થી કાર્ય કરતી સંસ્થા છે. આ સંસ્થાના અધ્યક્ષ તરીકે કુશાભાઉ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. સચ્ચિદાનંદ જોશીજી કાર્યરત છે. ભારતીય શિક્ષણ મંડલનો મુખ્ય ઉદેશ્ય ભારતના યુવાનો, વિદ્યાર્થીઓ ભારતીય પરંપરા, ભારતીય મુલ્યો, ભારતીય સંસ્કૃતિના વાહક બને અને દેશ માટે વિવિધ સંશોધનો થકી ઉન્નત ભારતનું નિર્માણ કરે તે ઉદેશ્ય છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણીએ આજના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાવન ભૂમી પર ઉમાશંકરજી તથા દીપજીનું હાર્દિક સ્વાગત કરું છું. ગઇકાલનો દિવસ મહાશિવરાત્રીએ શુભ દિવસ હતો. આજનો દિવસ પણ ખુબ જ સારો છે. કુલપતિએ દાંડી યાત્રાને યાદ કરી ગાંધીજીને યાદ કર્યા હતા. કુલપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષા નિતિએ ભારત દેશ માટે એક વરદાન છે. ભારત દેશના પ્રખર શિક્ષણવિદોની વર્ષોની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ આપણને રાષ્ટ્રીય શિક્ષા નિતિ પ્રાપ્ત થઇ છે.આ એમ.ઓ.યુ. કાર્યક્રમમાં ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય મહામંત્રી અને શિક્ષણવિદ ડો. ઉમાશંકર પચૌરીજી, ભારતીય શિક્ષણ મંડલના ગુરૂકુલ પ્રકલ્પના રાષ્ટ્રીય સંયોજક અને પશુપતીનાથ મંદિર-નેપાળના ટ્રસ્ટી આચાર્ય ડો. દીપજી કોઇરાલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખ અને ભારતીય શિક્ષણ મંડલના વાલી નરેન્દ્રભાઇ દવે, ભારતીય શિક્ષણ મંડળના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ સુરેરાજી નહાટા  તથા બહોળી સંખ્યામાં પ્રાધ્યાપકો, ભવનના અધ્યક્ષઓ ઉપસ્થિત રહ્યા હતા.સંકેતભાઇ રઘુવંશીએ આ કાર્યક્રમ ઉપસ્થિત ભારતીય શિક્ષણ મંડલના સૌનો પરિચય આપેલ હતો. સંગઠન ગીતનું ગાન ડો. તનુજાબેન કલોલાએ કરેલ હતુ. આ કાર્યક્રમનું સંચાલન ડો. શૈલેષભાઇ જાનીએ કર્યુ હતું. કાર્યક્રમની આભારવિધિ ફાર્મસી ભવનના આસીરસ્ટન્ટ પ્રોફેસર ધવલભાઇ વ્યાસે કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.