Abtak Media Google News

તારા કારણે મારા ઘરમાં ઝઘડા થાય છે કહી પરિણીત પ્રેમી યુગલ વચ્ચે ઝઘડો

જુગારના ધંધાના કારણે એક બીજાના પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે અનૈતિક સંબંધનો ભાંડો ફુટયો

આડા સંબંધ ન હોવાની પત્નીને ખાતરી કરાવવા મોબાઇલમાં વીડિયોકોલ કરી પ્રેમિકાને લમધારી

શહેરમાં પતિ, પત્ની અને વોના કિસ્સામાં પરિણીત પ્રેમિકાને એક સંતાનના પિતાએ સરા જાહેર ઢીબી નાખ્યા બાદ ઓડી કારમાં અપહરણ કરી જામનગર રોડ પર વાડી વિસ્તારમાં લઇ જઇ માર માર્યાનું વીડિયોકોલીંગ દ્વારા પત્નીને બતાવી પોતાને કોઇ સંબંધ ન હોવાનું સાબીત કરવા પ્રયાસ કર્યાનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંકુર મેઇન રોડ પર આવેલા સ્વામીનારાયણનગર શેરી નંબર 2માં રહેતી શિતલ કાનજીભાઇ વાજા નામની ખવાસ પરિણીતાએ ગોકુલધામમાં રહેતા પિયુષ જનક ગજ્જર નામના શખ્સે જી.જે.1કેકયુ. 1234 નંબરની ઓડી કારમાં અપહરણ કરી જામનગર રોડ પર વાડી વિસ્તારમાં લઇ જઇ માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ગોંકુલધામ સોસાયટીમાં રહેતા પિયુષ ગજ્જર રાજકોટ, જામનગર ઉપરાંત અન્ય શહેરોમાં જુગાર રમાડતો હોવાના શિતલબેન વાજાએ આક્ષેપ કરી દોઢે વર્ષ પહેલાં પોતાના ઘરે જુગારનો અખાડો શરૂ કરવા સહમતિ આપી હતી અને નાલમાંથી પિયુષ ગજ્જર અને શિતલબેન વાજા ભાગ પાડતા હોવાથી બંને એક બીજાના પરિચયમાં આવ્યા હોવાનું શિતલબેન વાજાએ જણાવ્યું છે.પિયુષ ગજ્જર રાજકોટ ઉપરાંત જામનગરમાં પણ જુગાર કલબ ચલાવતો હોવાના શિતલબેન વાજાએ આક્ષેપ કરી ગઇકાલે પિયુષ ગજ્જર તેની જી.જે.1કેકયુ. 1234 નંબરની ઓડી કાર લઇને સ્વામીનારાયણનગરમાં આવી શિતલબેન વાજાને માર મારતા માતાને બચાવવા માટે પુત્રી મેઘના વચ્ચે પડી હતી.

ત્યારે તેને પાટુ મારી પછાડી કારમાં શિતલબેન વાજાને લઇ જામનગર રોડ પર વાડી વિસ્તારમાં લઇ જઇ માર મારી પિયુષ ગજ્જરે માર મારી પોતાના મોબાઇલમાંથી તેની પત્નીને વીડિયોકોલ કરી માર મારતો હોવાનું બતાવી ‘તારા કારણે અમારા ઘરમાં ઝઘડા થતા હોવાનું’ કહી પથ્થર મારવાનો પ્રયાસ કરતો હતો ત્યારે વીડિયોકોલમાં વાત કરી રહેલી પિયુષ વાજાની પત્ની અને તેના ભાઇએ માર ન મારવા અને શિતલબેન વાજાને તેના ઘરે મુકી આવવા જણાવ્યું હતું.

શિતલબેન વાજાને ઘરે મુકવા પિયુષ ગજ્જર આવ્યો ત્યારે તેણીની બહેન આશા મળી હતી અને કારમાં બેસી શિતલબેન વાજાને ન મારવા સમજાવતી હતી ત્યારે બંને બહેનોને કારમાં લઇ પિયુષ ગજ્જર ગોંડલ ચોકડી તરફ ભાગી ગયો હતો અને પોલીસ ફરિયાદ કરશો તો બંનેની હત્યા કરી નાખીશ તેવી ધમકી દઇ આશાબેનને ત્યાં ઉતારી દીધા બાદ શિતલબેન વાજાને વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિર પાસે ઉતારી ભાગી ગયો હતો. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલા શિતલબેન વાજાએ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિયુષ ગજ્જરની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.