Abtak Media Google News

દર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે વિકલાંગ વ્યક્તિ એક યા બીજી રીતે શારીરિક અને માનસિક રીતે વિકલાંગતાનો ભોગ બને છે.તેથી તેઓ જીવન ભર અન્ય લોકો પર બોજ બનીને રહેશે.જ્યારે સત્ય એ છે કે અનેક પ્રકારની વિકલાંગતાઓમાં યોગ્ય તાલીમ,યોગ્ય તક અને યોગ્ય પ્રયાસની મદદથી તેમને આત્મનિર્ભર તો બનાવી જ શકાય છે,સાથે સાથે તેઓ સમાજ જીવન પણ જીવી શકે છે.વિકલાંગ લોકોની વિકલાંગતા સંબંધિત મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અને તેમના યોગ્ય આર્થિક અને સામાજિક વિકાસ માટે પ્રયાસ કરવાના હેતુથી તેમજ શારીરિક રીતે વિકલાંગ લોકોને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉદ્દેશ સાથે દર વર્ષે વૈશ્વિક મંચ પર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.વિકલાંગોને લઈને સમાજમાં પ્રવર્તતા પૂર્વગ્રહ અને ભેદભાવને દૂર કરવા,લોકોને તેમના સંબંધિત મુદ્દાઓથી વાકેફ કરવા તેમજ વિકલાંગોને સમાજમાં સમાનતાના સ્તરે લાવવા માટે દર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.જેથી તેઓને આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનાવવાની તકો ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવે.

’દેખ્યાનો દેશ ભલે લઈ લીધો,નાથ !પણ કલરવની દુનિયા અમારી !’ – ભાનુપ્રસાદ પંડ્યા

સંયુક્ત રાષ્ટ્ર સંઘની પહેલ પર વર્ષ 1992થી વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.નોંધપાત્ર રીતે 1983 થી 1992 સુધીના દાયકાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિકલાંગ વ્યક્તિઓ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિકલાંગ વ્યક્તિઓ માટે સંયુક્ત રાષ્ટ્રના દાયકા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ વિકલાંગોને સ્વાસ્થ્ય જીવન આપવા, તેમનું આત્મસન્માન જાળવી રાખવા,તેમને તેમના અધિકારોથી વાકેફ કરવા અને તે અધિકારો પ્રાપ્ત કરવાના માર્ગને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 1992માં 47મી મહાસભામાં દર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ ’વિશ્વ વિકલાંગ દિવસ’ તરીકે નિયુક્ત કરવા માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

એક દિવ્યાંગ વ્યક્તિને એક સામાન્ય વ્યક્તિની જેમ જોવાની આપણને આદત જ નથી.આપણે હંમેશા તેમને એક અલગ દ્રષ્ટિથી જ જોઈએ છીએ.એવું પણ જોવા મળે છે કે ઉચ્ચ પદવી પ્રાપ્ત વ્યક્તિને ફક્ત બોલવામાં તોતડાપણાની તકલીફ હોવાને કારણે તેમને રોજગારી મળતી નથી. જન્મજાત હાથ પગની તકલીફના કારણે તેમને અન્ય લોકો સામે ઓછા પગારમાં નોકરી કરવી પડે છે. પરિવારમાં તેમને ફક્ત એક વસ્તુ તરીકે સાચવવામાં આવે છે.કાનનું મશીન પહેરેલ બાળકથી અન્ય બાળકને દૂર રાખવામાં છે,કારણ કે તે બીજા બાળકોથી અલગ પડે છે.અભ્યાસમાં નબળું બાળક જેને ડિસ્લેક્સીયાની તકલીફના કારણે લખવા વાંચવામાં તકલીફ પડે છે.તેનાં નબળાં પરિણામને કારણે તેમને ચિડવવામાં આવે છે.નોર્મલ બાળકની જેમ ચાલી કે બોલી ન શકવાના કારણે બાળકને સ્કૂલમાં એડમિશન નથી મળતું.દિવ્યાંગ બાળકોને આવી અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.તો શું આ વ્યક્તિને પોતાની તકલીફના કારણે બીજાની જેમ શિક્ષણ મેળવવાનો પણ અધિકાર નથી ? આવા ઘણા પ્રશ્નોના જવાબ આપણે શોધવાની જરૂર છે.ઘણી વખત તો સમાજના લોકો જ નહીં,પણ ખુદ તે વ્યક્તિના પરિવારજનો પણ દિવ્યાંગ વ્યક્તિ સાથે ભેદભાવ ભર્યું વર્તન કરતા જોવા મળે છે.તેને બીજા લોકો જેટલો આદર મળતો નથી.તે વ્યક્તિને ઘરમાં સહન કરવી પડે છે તેવી જ ભાવના સાથે તેમને રાખવામાં આવે છે.

નોંધનીય છે કે વિકલાંગતા શબ્દમાં શારીરિક અને માનસિક વિકલાંગતા બંનેનો સમાવેશ થાય છે.જો આપણે વિકલાંગતાની શ્રેણીઓ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે નીચેની સમસ્યાઓથી પીડાતા લોકોને અપંગતતાની શ્રેણીમાં રાખવામાં આવે છે.જે લોકો દ્રષ્ટિની ક્ષતિથી પીડિત છે,એટલે કે અત્યંત ઓછી દ્રષ્ટિ અથવા આંશિક અંધત્વ અથવા સંપૂર્ણ અંધત્વ. જે લોકોને બોલવામાં કે સાંભળવામાં તકલીફ હોય અથવા જેઓ બિલકુલ બોલી કે સાંભળી શકતા નથી.જે લોકો કોઈપણ રોગ,આનુવંશિક કારણ કે અકસ્માતને કારણે શારીરિક અક્ષમતાથી પીડાતા હોય અને ચાલવામાં અથવા સામાન્ય જીવન જીવવામાં અસમર્થ હોય અથવા મુશ્કેલી અનુભવતા હોય.જે લોકો માનસિક વિકલાંગતા એટલે કે માનસિક બીમારીનો ભોગ બને છે અને જેના કારણે તે શીખવા,વાંચવા અને વર્તન કરવા તેમજ અન્ય લોકો સાથે સંપર્ક કે સંવાદિતા સ્થાપિત કરવામાં અસમર્થ હોય છે.જે લોકો બહુવિધ વિકલાંગતા ધરાવતા હોય છે,એટલે કે એવી વિકલાંગતા જેમાં શરીરના ઘણા ભાગોને અસર થાય છે અથવા શરીરના એક અથવા વધુ ભાગો સંપૂર્ણપણે અથવા આંશિક રીતે કોઈ પણ કાર્ય કરવા સક્ષમ નથી.

વિશ્વ વિકલાંગ દિવસ 2023ના રોજ રાજકોટમાં દિવ્યાંગો માટે કામ કરતી જુદી જુદી 13 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને કાર્યકરોનું સન્માન કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.રાજકોટની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ અને પ્રયાસ પેરેન્ટસ્ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનના 200 દિવ્યાંગ બાળકોની મા બનીને કાર્ય કરતી પૂજા પટેલના જીવનમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરીને આ લેખ પૂરો કરું.

સન 2004માં પૂજાનાં લગ્ન જયપુર રહેતા સુરેશભાઈ પટેલ સાથે થયાં.2010માં તેને ત્યાં પુત્રનો જન્મ થયો.પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.છ માસ પછી પણ તેનો પુત્ર કોઈ રિસ્પોન્સ આપતો નહોતો,માત્ર રડ્યા કરતો.ડોક્ટર પાસે લઈ જતાં નિદાનમાં પુત્રને ’ઓટિઝમ’ હોવાનું જાણવા મળ્યું.જિંદગીભર આ બીમારી સાથે જ તેને જીવવું પડશે.પૂજાનાં બધાં જ સપનાં ભાંગીને ભૂક્કો થઈ ગયાં.આ સમયે જ પૂજાએ પુત્ર સાથે જ પંખા સાથે લટકી જઈ આત્મહત્યા કરી લેવાનું નક્કી કરી લીધું. પોતાના આ નિર્ણયને અંજામ આપે એ પહેલાં ડોક્ટરનો ફોન આવે છે.ડોક્ટરના આ ફોનથી તેની જિંદગી બદલાઈ ગઈ.તેના પતિ સુરેશભાઈ સાથે પૂજા રાજકોટ આવે છે.

રાજકોટમાં આવીને પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન સાથે જોડાઈ ગઈ.પૂજા જ્યારે આ સંસ્થામાં જોડાઈ,ત્યારે ચારથી પાંચ બાળકો આ સંસ્થામાં આવતાં.હાલમાં 200 જેટલાં માનસિક દિવ્યાંગ બાળકો આ સંસ્થાનો લાભ લઇ રહ્યાં છે.એક સુખી અને સાધન સંપન્ન ઘરની પૂજા પટેલ જે એક સમયે દીકરા વાસુ સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી ચૂકેલી,એ પૂજા આજે વાસુ સહિત બસો જેટલાં બાળકોની મા બનીને સેવા કરી રહી છે.

પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન સંસ્થા દિવ્યાંગ બાળકોના માતા-પિતા દ્વારા ચલાવવામાં આવે છે.આ સેવા પ્રવૃત્તિ કરતા કરતા પૂજાએ બી.એડ.,એમ.એડ.નો અભ્યાસ કર્યો.હાલમાં પોતે પીએચ.ડી.નો અભ્યાસ કરી રહી છે.પોતે આર્ટ બેઝડ થેરાપીનો કોર્સ પણ કર્યો છે.આ દિવ્યાંગ બાળકોને પૂજા સંગીત અને ચિત્ર જેવી કળાઓનાં માધ્યમે તાલીમ આપી રહી છે.

હાલમાં આ સંસ્થામાં ડાઉં સિન્દ્રોમ,સેરેબ્રલ પાલ્સી,મલ્ટીપલ ડીસેબિલિટી અને ઓટીઝમ ગ્રસ્ત બાળકોને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યાં છે.

પૂજાની આ સેવા અને ત્યાગને ધ્યાનમાં લઈને મહા મહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડથી પૂજાને સન્માનિત પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.