Abtak Media Google News
  • ‘આજે વિજ્ઞાન,ટેકનોલોજી અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન ઉલ્લેખનીય રહેવા પામ્યું છે’

આઠમી માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે.28મી ફેબ્રુઆરી 1909ના રોજ અમેરિકામાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો.તેમાં સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી.ઉલ્લેખની છે કે એ દિવસો દરમિયાન ન્યુયોર્કમાં કપડાં મિલમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન હતી.છેલ્લા એક વર્ષથી તેમની હડતાલ ચાલી રહી હતી.તેમને સાંભળનારુ કોઈ નહોતું.તેમના સંઘર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી 1999ના રોજ સોશિયાલિસ્ટ પાર્ટીએ તેમને સન્માનિત કર્યા.પોતાના દમ પર મહિલા ગારમેન્ટ વર્કસે,ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી.

બીજી બાજુ રૂશમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત ફેબ્રુઆરી 1913ના રોજ કરવામાં આવી હતી.આ મહિલાઓએ પ્રથમ વિશ્વયુદ્ધનો વિરોધ કરવા માટે આ દિવસ મનાવ્યો હતો.આ જ રીતે યુરોપમાં આઠમી માર્ચના રોજ ’પીસ એક્ટિવિસ્ટ’ના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી હતી.આ સાથે જ યુરોપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પાયો નખાયો.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ત્યારે વૈશ્વિક સ્તર પર માન્યતા મળી,જ્યારે સન 1975 માં પહેલીવાર યુનાઇટેડ નેશન્સે 8 માર્ચના રોજ આ દિવસ સેલિબ્રેટ કર્યો.

તેના એક પગલું આગળ વધતા સન 2011માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ મહિનાને મહિલાઓના મહિનાના રૂપમાં માન્યતા આપી.ત્યારબાદ અમેરિકામાં માર્ચનો આખો મહિનો મહિલાઓની મહેનત અને સફળતાને લઈને સન્માનિત કરવાની પરંપરા શરૂ થઈ.ભારતમાં મહિલા દિવસે સરકારી અને બિનસરકારી સ્તર પર અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે.જેમાં પુરુષોની પણ ભાગીદારી હોય છે.ભલે કહેવામાં આવતું હોય કે ભારત પુરુષ પ્રધાન દેશ છે, પરંતુ હવે આ ઉક્તિને મહિલાઓ ખોટી ઠરાવવા માંડી છે.મહિલા દિવસ કાર્યક્રમમાં પુરુષો તરફથી પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.જોકે,હવે તો મજાકમાં પુરુષો એવો પણ સવાલ કરવા માંડ્યા છે કે,આવી જ રીતે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ કેમ નથી ઉજવાતો ? !

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠમી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા અર્થાત્ નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈને તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે,તેમ જ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.વર્તમાન સમયમાં પણ વિશ્વના ત્રીજા ભાગના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે.જોકે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાઈ રહી છે.આજે વિજ્ઞાન,ટેકનોલોજી, શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન ઉલ્લેખનીય રહેવા પામ્યું છે.એવું કોઈ પણ ક્ષેત્ર નહીં હોય કે જેમાં મહિલાઓની ભગીદારી ન હોય અર્થાત્ આજે મહિલાઓનું ઈન્વોલમેન્ટ દરેક ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે.

આજની મહિલાઓ ઘણા ક્ષેત્રોમાં પુરુષોથી આગળ નીકળવા માંડી છે.આમ છતાં ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં પણ સરકાર ક્ધયા કેળવણી અભિયાન,બેટી બચાવો અભિયાન, સ્ત્રીભૃણ હત્યા નિવારણ જેવા અનેક પ્રયાસો આદરીને નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે.વર્તમાન સમયમાં અવકાશ,સંશોધન અને રમતગમત જેવા ક્ષેત્રમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી છે.આજે મહિલાઓ પુરુષ સાથે ખભે ખભા મિલાવીને આગળ વધી રહી છે.સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે.એટલે જ કહેવાય છે,’જ્યાં સ્ત્રીઓને માન મળે છે,ત્યાં ભગવાન પણ વિચરણ કરે છે.’સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમિયાન પોતાના પરિવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે.

આ દિવસ ઉજવવાનો મકસદ મહિલાઓ પ્રત્યે સન્માન,તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે.આ દિવસે ખાસ કરીને એ મહિલાઓ પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે,જેમણે આર્થિક,રાજનીતિક અને સામાજિક ક્ષેત્રોમાં મુખ્ય ઉપલબ્ધિઓ મેળવી છે.     જાહેર જીવનમાં મહિલાઓના પ્રદાન વિશે જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ મહિલા બસ ડ્રાઇવર ક્ધયાકુમારીના વસંત કુમારીનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.તામિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા 30 માર્ચ 1993 ના રોજ તેમની નિમણૂક બસ ડ્રાઈવર તરીકે થઈ હતી.પુણે જેવા મોટા શહેરમાં મધુ અને બીજી બે મહિલાઓ ઈંઊંઊઅ ના વિશાળ ક્ધટેનર ટ્રક ચલાવે છે.આ ક્ધટેનર ટ્રક 50 ફૂટ લાંબા હોય છે, જે ચલાવવામાં પુરુષોને પણ પરસેવો વળી જાય છે. ટેક્સી,મોટી બસ,ટ્રક,રીક્ષા અને એમ્બ્યુલન્સથી લઈને પાયલટ તરીકે હવે સ્ત્રીઓ ઘણી આગળ જોવા મળી રહી છે.

મોટા શહેરોમાં ટેક્સી અને રિક્ષા ચલાવતી મહિલાઓ જોવા મળે એ સામાન્ય બાબત છે.છેલ્લાં વર્ષોમાં કોર્પોરેશનની બસમાં ચાલક તરીકે દરેક સ્ટેટમાં મહિલાઓની ભરતી થઈ છે. અમદાવાદમાં ટેક્સી જ નહીં,બીઆરટીએસ બસ ચલાવતા પણ મહિલા જોવા મળે છે.ઈન્ડિયન એરફોર્સમાં હાલ 103 મહિલા ફાઈટર છે.2016 માં ભારતીય વાયુ સેનામાં અવની ચતુર્વેદી,ભાવના કંથ અને મોહનસિંહે પ્રથમ મહિલા કોમ્બેટ પાયલટ બનીને ઈતિહાસ રચ્યો છે.2017 માં ફ્લાઈટ લેફ્ટેનન્ટ શિવાંગી સિંઘ આઈ એ એફ (ભારતીય વાયુસેના)ના પહેલા રાફેલ પાયલટ બન્યા.વિમાન ઉડાડનારી પ્રથમ મહિલાઓમાંની એક સરલા ઠકરાર 1936 માં 21 વર્ષની વયે જીપ મોથમાં એકલા ઉડાન ભરીને તેમણે ઉડ્ડયન પાયલટનું લાયસન્સ પ્રાપ્ત કર્યું હતું.મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ’થાર’ નામની  જીપકારની આજે બોલબાલા છે.

પાંચ કિલોમીટરનું અંતર કાપો અને એકા’દ બે થાર જીપકાર સામે ન મળે તો જ નવાઈ ! એવી આ લોકપ્રિય થયેલી જીપકારની ડિઝાઇન કરનાર એક મહિલા છે.મિકેનિકલ એન્જિનિયર એવા રામકૃપા અનંતન નામની મહિલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ડિઝાઇન હેડ છે.એમણે આ જીપકારની ડિઝાઇન બનાવી છે.ભારતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક અઝીઝ પ્રેમજી યુનિવર્સિટીનો એક તાજો અભ્યાસ ’સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયા 2023’ પ્રકાશિત થયો છે. જેમાં એકત્રિત કરેલી આંકડાકીય માહિતી દ્વારા જોવા મળ્યું કે દેશની સાસુઓ પુત્રવધૂઓ પ્રત્યે વધુ ઉદાર થતી જાય છે.

એક તરફ ભારતીય મહિલાઓની શ્રમ ભાગીદારી ઘટતી જાય છે,ત્યારે બીજી બાજુ જે ઘરમાં સાસુ નોકરી કરે છે,ત્યાં પુત્રવધૂ પણ નોકરી કરતી હોય એવું જોવા મળી રહ્યું છે.અઝીઝ પ્રેમજી યુનિવર્સિટીના અભ્યાસમાં ભારતના શહેરી વિસ્તારોમાં જે પરિવારોમાં સાસુ નોકરી કરતી હોય ત્યાં પુત્રવધૂ પણ નોકરી કરતી હોય એનું પ્રમાણ 70 ટકા જેટલું ઊંચું જોવા મળ્યું છે.આ પ્રમાણ ગ્રામીણ ભારતમાં 50 ટકા છે.વળી એ પણ જોવા મળ્યું કે કોરોનાની મહામારી પૂર્વે સ્વ રોજગારીના ક્ષેત્રે 50 ટકા ભાગીદારી મહિલાઓની હતી,જે કોરોના કાળ દરમિયાન વધીને 60 ટકા થઈ. આ અભ્યાસને આપણે સામાજિક સંદર્ભે જોઈએ તો શહેર હોય કે ગામ સામાન્ય રીતે ભણેલી કે ડિગ્રીધારી મહિલાઓને પિયરમાં કે સાસરિયામાં નોકરી કરવી એ મોટો પડકાર છે.

લગ્ન પૂર્વે નોકરી કરવાની હા પાડનાર પુરુષો લગ્ન પછી અનેક બહાના કરીને પત્ની નોકરી ના કરે એવી વેતરણમાં જ હોય છે.તેને પરિણામે અનેક શિક્ષિત યુવતીઓનાં સપનાં પર પાણી ફરી વળે છે.જોકે આ બાબતે પૂરેપૂરો સહકાર આપીને પત્નીની કારકિર્દીમાં મહત્વની ભૂમિકા ભજવતા પતિઓ પણ ઘણા છે.સાસુ ભણેલી હોય અને નોકરી કરતી હોય તો પુત્રવધૂ માટે કૌટુંબિક વાતાવરણ પ્રોત્સાહક બનવાની પૂરી શક્યતા છે.અહીં આંતર પેઢી સંબંધોનું બદલાતું સ્વરૂપ પણ ભાગ ભજવે છે.કેમકે આગલી પેઢીની પ્રતિનિધિ સાસુએ પ્રમાણમાં ઘણા અવરોધો વચ્ચે નોકરી કરવાની ક્ષમતા કેળવી હોય છે.તેને ખબર છે કે પુરુષોના શાસનમાં કેવી રીતે માર્ગ કાઢવો ! આ અનુભવ તેને સંવેદનશીલ બનાવે છે અને પુત્રવધૂ ભણેલી જ નહીં પણ નોકરી કરતી પણ હોવી જોઈએ,તેવો આગ્રહ રાખે છે.માતા તો ભણાવે છે જ્યારે સાસુ નોકરી પણ કરાવે છે,એવું ચિત્ર આપણી આસપાસ ઊભરી રહ્યું છે.આ કારણે સરકારી દસ્તાવેજો આધારિત અઝીઝ પ્રેમજી યુનિવર્સિટીનો અભ્યાસ સાસુઓની નવતર ભૂમિકા પર પ્રકાશ પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.