Abtak Media Google News

વડોદરામાં લગ્નની ડીજે પાર્ટીમાં  સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી લોકો ઝૂમ્યા: ૬ની ધરપકડ કરાઈ

સરકાર દ્વારા કોરોનાની મહામારીના સંક્રમણને અટકાવવા માટે જાહેર કાર્યક્રમો તેમજ શુભ પ્રસંગો ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. તેમ છતાં, કેટલાક લોકો સરકારના જાહેરનામાની અવગણના કરીને કાર્યક્રમો યોજી રહ્યા છે. વડોદરા શહેરના નવાયાર્ડમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્નની ડીજે પાર્ટી યોજાઇ હતી. જેમાં યુવાનો કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનના નિયમોને નેવે મૂકીને ડી.જે.ના તાલે નાચ્યા હતા. જેનો વીડિયો વાઇરલ થતાં પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે 5 યુવાનોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, પોલીસ કમિશનરે આ બનાવ અંગે ટ્વિટ કર્યું છે કે, ‘અબ ઇનકી પાર્ટી લોકઅપ મેં’.

વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નવાયાર્ડ ડી કેબીન પાસેના ફૂલવાડી મહોલ્લામાં યુવાનના લગ્ન હતા. લગ્ન નિમિત્તે પરિવારજનો દ્વારા ડી.જે. પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે ૯ વાગ્યા પછી લોકડાઉનની શરૂઆત થતી હોવા છતાં, લગ્ન નિમિત્તે ડી.જે. પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે યોજાયેલી આ ડી.જે. મ્યુઝિક પાર્ટીમાં પરિવારજનો તેમજ વરરાજા સહિત તેના મિત્રો મનમૂકીને ઝૂમ્યા હતા. એતો ઠીક યુવાનો દ્વારા કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા હતા. મોટાભાગના યુવાનો માસ્ક પહેર્યા વગર નાચતા હતા. અને સંક્રમણ ફેલાય તે રીતે ટોળામાં ડી.જે. મ્યુઝિકના તાલે ઝૂમ્યા હતા.

ફતેગંજ પોલીસ સ્ટેશન સતત વિવાદોમાં રહે છે

ઉલ્લેખનિય છે કે, ફતેગંજ પોલીસ વિવાદોમાં રહેતુ આવતું હોય છે. અગાઉ કસ્ટોડિયલ ડેથના કારણે વિવાદમાં રહ્યું હતું. તે બાદ અનેક કારણોસર વિવાદમાં આવ્યું છે. જેમાં મોડી રાત્રે નવાયાર્ડ ફૂલવાડી મહોલ્લામાં લગ્ન નિમિત્તે યોજાયેલી ડી.જે. પાર્ટીને લઇ વિવાદમાં આવ્યું છે. નવાયાર્ડ વિસ્તારમાં મોડી રાત્રે યોજાયેલી લગ્નની ડી.જે. પાર્ટીએ ચકચાર જગાવી મૂકી છે.

વધુ યુવાનોની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા

હજુ આ બનાવમાં અન્ય યુવાનોની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તે સાથે લગ્નની ડી.જે. પાર્ટી યોજનાર પરિવારજનો સામે પણ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પોલીસ કમિશનર શમશેરસિંઘે ટિવટ: ‘અબ ઇનકી પાર્ટી લોકઅપ મેં’

નવાયાર્ડમાં મોડી રાત્રે કર્ફ્યૂ દરમિયાન લગ્ન પ્રસંગની ડી.જે. મ્યુઝિક પાર્ટીમાં મન મૂકીને ઝુમેલા યુવાનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ફતેગંજ પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના વાઇરલ વીડિયોના આધારે મહંમદ અનીશ, દિલીપ પરમાર, ઇમરાન રાઠોડ, શાકીબ રાઠોડ અને ફૈજલ પઠાણની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. ફેતગંજ પોલીસે પાંચ યુવાનોની અટકાયત કર્યાં બાદ પોલીસ કમિશનર શમશેરસિંઘે ટિવટ કર્યું હતું કે, ‘અબ ઇનકી પાર્ટી લોકઅપ મેં’…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.