Abtak Media Google News

‘તું હમણાં હમણાંથી દૂધ પીવા લાગ્યો છે, કલ્પન, પણ પહેલાં તો તું દૂધ લેતો નહીં, ખરું ?

Advertisement

જવાબમાં એ હસ્યો, ‘હા, એ ખરું કે હું પહેલાં દૂધ લેતો નહીં, પણ પછી થયું કે લેવાય. આમેય દૂધ સંપૂર્ણ ખોરાક ગણાય છે.’ એણે દૂધ ભરેલો પ્યાલો મોંએ માંડ્યોને લિજ્જતથી પીવા લાગ્યો. મને કહેવાનું મન તો થયું કે તારા આ સંપૂર્ણ ખોરાકમાં વિટામિન-સી ક્યાં છે ? પણ દૂધ પીતી વખતે એના ચહેરા પર આનંદ અને સંતોષના ભાવો રમવા લાગે, એ જોઇ હું ચુપ થઇ નિહાળવા લાગતો.

શરૂઆતમાં એણે વિવેક ખાતર એક-બે વખત મને ઓફર કરેલી. પણ ‘દૂધની આદત નથી, ને મને એ ફાવતું પણ નથી’- એવું કહી હું સવિનય ના કહેતો. પછી એમણે કદી ઔપચારિકતા બતાવી નહોતી.

એની અને મારી નોકરી હતી અલગ અલગ, પણ નોકરી કરતા હતા એક જ શહેરમાં. અને રહેવાનું પણ સાથે બન્યું. અમે બંને ‚મ-પાર્ટનર્સ હતા. એ પ્રમાણમાં સરળ હતો. વળી વધુ બોલવાની આદત નહોતી. કામપૂરતી વાતો ઉપરાંત થોડી અન્ય વાતો થાય. પણ લાંબી ન ચાલે.

આમ જુઓ તો કોઇને અમુક આદત ન હોય, ને પછીથી એ આદત પડે એ કંઇ અસામાન્ય વાત ન ગણાય. એટલે એને હમણાંથી દૂધ પીવાની આદત પડી હતી એ ઘણી સામાન્ય બાબત હતી. પણ મારું ધ્યાન તો એટલા માટે ખેંચાયું હતું કે, દૂધ પીતી વખતે એને અનોખી લિજ્જત મળતી હતી.

બસ એટલું જ. એ વખતે એ એટલે બધો લીન થઇ જતો હતો કે એનો આંખો બંધ થઇ જાય. ને દૂધના એકએક ટીપાંની પૂરેપૂરી મજા માણતો લાગે. ક્યારેક તો નાના બાળકની જેમ મોં બહાર દૂધના રેલા પણ ચાલ્યા જતા હોય. પણ દૂધ પીતી વખતે એ કશીય પરવા ન કરે. હા, એ જે દૂધ પીતો હોય હતો, એ મેળવવા કંઇક વિશેષ ગોઠવણ કરી રાખી હોય એવું લાગતું હતું.

એક વખત મેં એને વાતવાતમાં કહ્યું, ‘કલ્પન, તું આ કં૫નીઓનાં દૂધ પીએ છે, પણ નજીક દુકાનોમાં ગાય અને ભેંસનું ચોખ્ખું દૂધ મળે જ છે. વળી એ તાજું પણ હોય છે. તો એ દૂધ વધારે સારું ન કહેવાય ?’

એ સ્મિત કરતો. ‘હા, એ સારું કહેવાય જ. જરુર પડ્યે એ પણ લઇશ. પણ આ કંપનીઓનાં દૂધનો ટેસ્ટ જ કંઇ ઓર છે એટલે એ લઉં છું.’

એક-બે વાક્યમાં વાત સંકેલી લેતા આ કલ્પનને નોકરીમાં ક્યારેક એક-બે દિવસ માટે બહારગામ ડેપ્યુટેશન પર જવાનું થયા કરતું.

એક વખત એ આમ ડેપ્યુટેશન પર હતો એ દરમિયાન દૂધની સ્પેશિયલ કંપનીઓના ડિસ્ટ્રીબ્યુટરનો માણસ દૂધનાં કેટલાંક પાઉચ આપવા આવ્યો. ‘લો, કલ્પનભાઇ માટેનું આ દૂધ. એમને કહેજો સાહેબ, કે ‘પ્રોડીલોક’ કં૫નીનો માલ અત્યારે ખલાસ થઇ ગયો છે એટલે અત્યારે ‘સિલેક્ટા’ કં૫નીની પ્રોડક્ટ આપી છે. પેલો માલ આવી જશે ત્યારે એ આપવા લાગશું.’

‘ભલે, કહી મેં દૂધનાં પાઉચ લીધાં. પેલો માણસ રવાના થયો. દૂધનાં પાઉચ ફ્રિઝમાં મૂકવા ગયો એ વખતે મારી નજર એ પાઉચ પર છાપેલી વિગતો પર પડતાં મને કૂતૂહલ થયું. એક પરની વિગતો તપાસતાં જાણ્યું કે આ તો યુરોપની કંપનીનું દૂધ છે. એમાં છપાયેલું વેબ-એડ્રેસ નોધીં લીધું.’

પછી તોં મેં નેટ પર સર્ચ કર્યુ, આ અને આવી પ્રોડક્ટસ વિશે. જેમ જેમ આ વિગતોમાં ઉંડો ઉતરતો ગયો એમ હું આભો થતો ચાલ્યો. યુરોપ અને અમેરિકાની કેટલીક કંપનીઓ જે દૂધનું વેચાણ કરી રહી હતી એ પૈકી કલ્પના વાપરતો એ દૂધ પણ હતું. કંપનીઓ દૂધ વેચે એમાં કશું અસામાન્ય નહોતું. એ દૂધની અન્ય બનાવટો પણ વેચે એય નવાઇની વાત નહોતી.

આમ છતાં જે બાબત અસામાન્ય હતની એ આ દૂધ ગાય, ભેંસ, બકરી કે ઉંટડીનું નહોતું. આ દૂધ સ્ત્રીઓનું હતું. યુરોપ અને અમેરિકાની ધાવણાં બાળકોની માતાઓ પોતાનું દૂધ કં૫નીઓને વેચી રહી હતી. કંપનીઓ આ દૂધ ક્ધડેન્ડ કરીને લોકોને વેચતી હતી. એમાંના એક ગ્રાહક આ કલ્પન પણ હતો.

સર્ચ કરતાં કરતાં એ જાણવા મળ્યું કે, સ્ત્રીઓ ચોક્કસ પ્રકારના પંપ દ્વારા પોતાનું દૂધ ખેંચીને એકત્ર કરીને આવી કંપનીઓને ઉંચા ભાવે વેચી દેતી હતી. કંપનીઓ એ દૂધનું પ્રોસેસિંગ કરીને વેચતી, પણ સાથે સાથે આવા દૂધમાંથી એવો ખોરાક તૈયાર કરતી કે જેનાથી અધૂરા માસે જન્મેલાં બાળકોને યોગ્ય પોષણ મળી શકે. સ્નાયુબદ્વ શરીર માટે કેટલાયે આ દૂધ પીતા હતા. ઉપરાંત કેન્સર સહિતના ગંભીર રોગોનો સામનો કરી શકે એવી રોગ-પ્રતિકારક શક્તિ પણ આવા દૂધમાં હતી. વળી ઘણા પુરુષો આફટરશેવ લોશન તરીકે પણ આ દૂધ વાપરાતાં.

હું ઉંડા વિચારમાં એટલા માટે પડી ગયો હતો કે આમાંનું એકપણ કારણ કલ્પનને લાગુ પડતું નહોતું છતાં એ આવું દૂધ વાપરતો હતો. કારણ પકડવાની મને તાલાવેલી થઇ હતી.

આમ જુઓ તો એની અંગત બાબતમાં મારે માથું મારવાનું હોય જ નહીં. પણ પહેલી જ વખત એના આ સ્પેશિયલ દૂધ વિશેની વિગતો મને અનાયાસે જાણવા મળી હતી, એટલે કૂતૂહલ વધ્યું હતું. એ આવ્યો ત્યારે મેં એને ફ્રિઝમાં મૂકેલા દૂધ વિશે જણાવ્યું પણ મેં કશું પૂછ્યું નહીં. મને ઉદ્ભવેલા પ્રશ્નો મેં બળપૂર્વક ખાળી રાખ્યા. એક સાંજે કલ્પન દૂધનો પ્યાલો તૈયાર કરી મોંઢે માંડવા જતો હતો, એ જ વખતે મેં એને પૂછ્યું, “કલ્પન, સિંહણના દૂધ પછી તરત આ દૂધનો ક્રમ આવતો હોવો જોઇએ, નહીં ?’

‘કેમ ?’ એણે સહેજ નવાઇથી મારી સામે જોયું.

‘તું આ દૂધ પીએ છે એ રીતે, જાણે દુર્લભ ખજાનો મળી ગયો હોય !’ એ ખડખડાટ હસી પડ્યો.

‘મેં તને પહેલીવાર જોયો કલ્પન, ત્યારથી તું મને તંદુરસ્ત લાગ્યો છે. તારું શરીર નિરોગી અને સ્નાયુબદ્વ છે. તને નખમાંય રોગ નથી એટલે તારે રોગપ્રતિકારક શક્તિ માટે પણ આ સ્પેશિયલ બ્રાન્ડનું દૂધ લેવાની જરુર નથી. વળી તું આફ્ટર શેવલોશન તરીકે પણ આ દૂધ લેતો નથી.’ એક શ્ર્વાસે કલ્પનને આટલું કહ્યું છતાં અધુરું હતું એ પુરું કરતાં મેં કહ્યું, ‘સ્ત્રીઓના આવા દૂધની પ્રોડક્ટ તો અધુરા માસે જન્મેલા બાળકને આપવામાં આવે છે પણ કલ્પન, તારે તો આમાંનું કશુંયે નથી. તો તું આ દૂધ લે છે શા માટે ?’

 

એ મને થોડી ક્ષણો તાકી રહ્યો. પછી ઉંડો શ્ર્વાસ લીધો. ‘દોસ્ત, અધૂરા માસે જન્મેલાંને તો આ દૂધની ગ્લોબ્યુલિન નામની પ્રોડક્ટ લેવી પડે. પણ હું અધૂરા નહીં, પૂરા માસે જન્મ્યો છું. પૂરા માસ ઉપરાંત સોળ દિવસ.’

‘ઓહ, તો પછી સ્ત્રીઓના આ પ્રકારના દૂધ લેવા માટે જેટલાં પણ કારણો છે એમાંનું એકેય કારત તને  લાગું પડતું નથી. આમ છતાં તું એ દૂધ લે છે ? કળવા માટે પ્રયત્ન કરવો પડે એવા ભાવ એના ચહેરા પર આવ્યા. ‘મારી માએ મને પૂરા માસે જન્મ આપ્યો હતો, પણ….’

એના ચહેરા પર પીડા ઉપસી આવી. સાથોસાથ બાળ સહજ નજાકત અને માસુમિયત ફરી વળી. પ્યાલો ફરી હોઠ સુધી લઇ જઇએ દૂધને તાકી રહ્યો. વેદનામાં ઝબોળાયેલા શબ્દો હોઠની બહાર આવ્યા. ‘પણ એ દૂધ નહીં, તો….’ મારી સામે નજર માંડી. ‘તો એના જેવું દૂધ….’ કહીને દૂઘ્નો પ્યાલો  મોઢે માંડી એવી રીતે ગટગટાવા લાગ્યો, જાણે ભુખ્યું બાળક એની માને ચસચસ ધાવી રહ્યું હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.