Abtak Media Google News

ભીમા-કોરેગાંવ હિંસા કેસમાં પોલીસ ફરિયાદ નોંધવાના મુંબઇ હાઇકોર્ટના હુકમ સામે ગૌતમ નવલખાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે

ગત ૧લી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ મહારાષ્ટ્રના ભીમા કોરેર્ગાંવમાં દલિતો અને સવર્ણો વચ્ચે થયેલી હિંસા કેસમાં આરોપી ઠરાવાયેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ ગૌતમ નવલખાની અપીલ અરજીની સુનાવણી કરવાનો ચાર દિવસમાં પાંચ જજોએ ઈન્કાર કરતા ચકચાર મચી જવા પામી છે. દલિત સૈનિકોના શુરવીરતાના પ્રતિક મનાતા ભીમા-કોરેર્ગાંવમાં દર વર્ષે ૧લી જાન્યુઆરીએ દેશભરમાંથી મોટી સંખ્યામાં દલિતો ઉમટી પડે છે. આ સને શહિદ સૈનિકોની યાદમાં બનાવવામાં આવેલા વિજયસ્તંભ પર પુષ્પાંજલી અર્પણ કરીને દલિતો તેમની બહાદુરીને શ્રધ્ધાસુમન અર્પણ કરે છે. ગત વર્ષે આવા કાર્યક્રમ દરમિયાન મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. જેમાં પુના પોલીસે ગૌતમ નવલખાને એક આરોપી ઠેરવ્યા હતા.

આ પોલીસ ફરિયાદ રદ્દ કરવાનો નવલખાએ મુંબઈ હાઈકોર્ટમાં કરેલી અરજી કાઢી નાખતા તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ન્યાયમૂર્તિ રવિન્દ્ર ભટ્ટ ભીમા-કોરેગાંવ હિંસાના આરોપી ગૌતમ નવલખાની અરજીની સુનાવણીથી પોતાને પાછો ખેંચનારા સુપ્રીમ કોર્ટના પાંચમા ન્યાયાધીશ બન્યા. તે ત્રણ જજની બેંચના સભ્ય હતા જે ગુરુવારે આ અરજીની સુનાવણી કરવાના હતા, પરંતુ આ મામલો બેંચ સમક્ષ આવતાની સાથે જ જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે બેન્ચમાંથી અલગ થવાની જાહેરાત કરી હતી. ગૌતમ નવલખાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે, બોમ્બે હાઈકોર્ટના આદેશ પર તેમની વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆર રદ કરવામાં આવે. પૂના પોલીસે ગયા વર્ષે નક્સલવાદીઓનો સંપર્ક સાધવા અને ભીમ-કોરેગાંવ અને એલ્ગર પરિષદ કેસોમાં નવલખા સામે એફઆઈઆર નોંધાવી હતી, જેને રદ કરવાની માંગ સાથે નવલખાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. નવલખાની અરજી ૧૩ સપ્ટેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી, ત્યારબાદ નવલખાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આજે નવલખાની ધરપકડ પર કોર્ટનો પ્રતિબંધ પૂરો થઈ રહ્યો હોવાથી સુપ્રીમ કોર્ટે તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીની અરજી સ્વીકારીને આ અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી હતી. ૧૩ સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાંથી અરજી ફગાવાયા બાદ નવલખાએ ૩૦ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચમાં આ અરજીની સૂચિ સૌથી પહેલાં કરવામાં આવી હતી, પરંતુ ચીફ જસ્ટિસ તેની સુનાવણીથી ખસી ગયા હતા. જે બાદ આ અપીલ ત્રણ ન્યાયાધીશ જસ્ટીસ એન. વી.રામાના, જસ્ટીસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બી.વી. આર. ગવાઈને બેંચ સમક્ષ લાવવામાં આવી હતી. આ બેંચના ત્રણ ન્યાયાધીશો આ અરજીની સુનાવણીથી અલગ થયા હતા. ત્યારબાદ નવલખાની અપીલ ત્રીજી વખત જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ એસ.કે. રવીન્દ્ર ભટ્ટની ખંડપીઠ સમક્ષ રજૂ કરાવી હતી. આ અપીલની સુનાવણી ગુરુવારે થવાની હતી, પરંતુ જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે સુનાવણીથી પોતાને દૂર રાખ્યા અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને અરજ કરી હતી કે આ અપીલ બીજી બેંચને સોંપવામાં આવે.

નવલખાની અપીલની સુનાવણી કરવામાં ન્યાયાધીશોનું સતત અલગ થવું અને એકવાર આખી બેંચ અલગ થવું એ બાબતે સુપ્રીમ કોર્ટમાં અનોખી  ચર્ચા જગાવી છે.  આશ્ચર્યની વાત એ છે કે નવલખાની અપીલની સુનાવણીથી કોઈ પણ ન્યાયાધીશે પોતાને અલગ રાખવાનું કોઈ કારણ આપ્યું ન હતું. જોકે, આ કેસમાં એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ન્યાયાધીશ ભટ્ટ એક વખત પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઇટ્સના વકીલ તરીકે હાજર થયા હતા, જેમાં નવલખા સંકળાયેલા છે. સિંઘવીના જણાવ્યા મુજબ સંભવ છે કે જસ્ટિસ ભટ્ટે આ અરજીની સુનાવણીથી પોતાને દૂર કરી દીધા છે.

ખરેખર, હિતોના વિરોધાભાસની સ્થિતિમાં અથવા આવા કિસ્સામાં, જ્યારે તે પક્ષ વતી ન્યાયાધીશ કોર્ટમાં હાજર થયા હોય અને પછીથી જજ બનશે, તો તેઓ તેમ કરે છે. તેના ઘણા ઉદાહરણો જોવા મળ્યા છે. તાજેતરમાં જ ન્યાયમૂર્તિ લલિતે પણ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ કેસની સુનાવણીથી પોતાને દૂર કરી દીધા હતા કારણ કે તે બાબરી મસ્જિદ તોડનારા આરોપીના વકીલ તરીકે કોર્ટમાં હાજર થયા હતા તે પહેલાં, જસ્ટિસ માર્કંડેય કાત્જુએ નોવાર્ટિસ કેસથી પોતાને અલગ કરી દીધા હતા, કેમ કે તેમણે ફાર્મા પેટન્ટ્સની ગ્રાન્ટ અંગે લેખ લખ્યો હતો. તે જ સમયે, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસ.એચ. કાપડિયાએ ખાણકામ કંપની વેદાંત સાથે સંકળાયેલા કેસની સુનાવણી કરવામાં અનિચ્છા દર્શાવી હતી કારણ કે તેમની પાસે કંપનીના કેટલાક શેર છે. જોકે વકીલોએ જણાવ્યું હતું કે સીજેઆઈ બેંચમાં સુનાવણી અંગે તેમને કોઈ વાંધો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.