Abtak Media Google News

“આવનારા દિવસોમાં ભણતર ભાર વિનાનું બને અને ર્માં-બાપની અપેક્ષા સિમિત થાય એ અપેક્ષિત”

વેકેશન ખુલતાંની સાથે જ પહેલા ધોરણમાં પ્રવેશના મુદ્દાને લઈને શિક્ષણ ઠીક ઠીક ગરમાયું છે.નવી શિક્ષણ નીતિ 2020 અમલી બનતા,પહેલા ધોરણમાં પ્રવેશ માટે 31મી મેના રોજ બાળકનાં છ વર્ષ પૂરાં થયેલાં હોવાં જોઈએ.અર્થાત 31મી મે,2017 પહેલાં જન્મેલાં બાળકને જ ધોરણ એકમાં પ્રવેશ આપી શકાશે.આ મુદ્દાને લઈને જે બાળકોને છ વર્ષ પૂરાં થવામાં થોડાક દિવસો કે મહિનાઓ ઘટે છે,ખાસ કરીને તેમના વાલી વધારે રોષે ભરાયા છે. શૈક્ષણિક વર્ષ 2023 -24ની શરૂઆતથી જ પહેલા ધોરણના પ્રવેશને લઈને વાલી વર્ગમાં ભારે ઊહાપોહ જોવા મળી રહ્યો છે.

Advertisement

2009માં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (છઝઊ)નો કાયદો કેન્દ્ર સરકારે ઘડ્યો.એ પછીથી લઘુતમ વયમાં સુધારો કરવામાં આવ્યો છે.એજ્યુકેશન એક્ટ અંતર્ગત સ્કૂલોએ 6 થી 14 વર્ષની વયના ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવાનું રહેશે.સૂત્રોના જણાવ્યા અનુસાર તો અન્ય શિક્ષણ બોર્ડમાં ધોરણ એકમાં પ્રવેશની લઘુત્તમ વય છ વર્ષ જ હતી.પરંતુ ગુજરાત બોર્ડની સ્કૂલોમાં પહેલા ધોરણમાં પાંચ વર્ષના બાળકોને પ્રવેશ આપવામાં આવતો હતો.જેને કારણે છઝઊ એક્ટ હેઠળ મફત શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને તેનો લાભ મળતો નહોતો.

પરિણામે રાજ્યના શિક્ષણ વિભાગે 23 ડિસેમ્બર 2020 ના રોજ નોટિફિકેશન બહાર પાડીને સ્કૂલોને લઘુત્તમ વય છ વર્ષ કરી દેવાનું સૂચન કર્યું હતું.સૂત્રોનું કહેવું છે કે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયમોમાં જરૂરી ફેરફારો કરી દીધા છે.પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,છ વર્ષથી નાના બાળકને પ્રવેશ આપવામાં આવશે તો તેના માટે સ્કૂલોને જવાબદાર ઠેરવવામાં આવશે.અર્થાત શૈક્ષણિક વર્ષ 2023 – 24માં ધોરણ એકમાં પ્રવેશ વાંચ્છું વિદ્યાર્થીઓને પહેલી જૂન 2023ના રોજ છ વર્ષ પૂરાં થયાં હોવા જરૂરી છે.

ભારતમાં 34 વર્ષના લાંબા ગાળા બાદ આખરે નવી શિક્ષણ નીતિ આવી છે,ત્યારે નવી શિક્ષણ નીતિની મુસદ્દા મુજબ હવે વર્ષ 2023 – 24 થી ધોરણ એકમાં છ વર્ષ પૂરાં થયાં હશે તેને જ પ્રવેશ મળશે.ચાર વર્ષ પૂરાં થયાં હશે તેમને જુનિયર કેજીમાં પ્રવેશ મળશે અને પાંચ વર્ષ પૂરાં થયાં હશે તેમને સિનિયર કેજીમાં પ્રવેશ મળશે.પ્રી- પ્રાઈમરીમાં પ્રવેશની પ્રક્રિયા અગાઉ રાજ્ય સરકાર નિયંત્રિત નહોતી,એટલે જ નર્સરી,જુનિયર-સિનિયર કિંડર ગાર્ટનમાં પ્રવેશ મેળવવા માટેના કોઈ માપદંડ નહોતા.પરિણામે એવા અસંખ્ય કિસ્સા છે,જેમાં અઢી વર્ષના બાળકને નર્સરી સ્કૂલમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો હોય.આખરે હવે વય મર્યાદા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આ ફેરફાર બે વર્ષ પહેલાં કરી દેવામાં આવ્યો હતો.પરંતુ કોરોના કાળના કારણે સરકારે તેનો અમલ કર્યો નહોતો.વર્ષ 2023 – 24માં આ નિયમ લાગુ કરવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના લગભગ ત્રણ લાખ બાળકોને નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ એકમાં પ્રવેશ મળશે નહીં.

આ ત્રણ લાખ બાળકોને ઘરે બેસવું પડે અથવા તો હાયર કેજી રીપીટ કરવું પડે.પરિણામે વાલીઓના ખિસ્સા ઉપર તેની સીધી અસર પડવાને લીધે વાલીઓમાં ભારે રોષ જોવા મળે છે.અમુક વાલીઓએ આ મુદ્દે કોર્ટનાં દ્વાર પણ ખખડાવ્યાં છે.આ મામલે આખા રાજ્યમાંથી વાલીઓ દ્વારા સરકારને માંગ કરવામાં આવી હતી કે નવા ફેરફારનો અમલ 2024 થી કરવામાં આવે,જેથી ત્રણ લાખ બાળકોનું ભવિષ્ય બગડે નહીં.પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા 54 વાલીઓ હાઇકોર્ટમાં પહોંચ્યા હતા અને આ મામલે પિટિશન દાખલ કરી હતી.જેમાંથી એક પિટિશન વડોદરાના વાલીની હતી.

આ વાલીના પુત્રને નવા શૈક્ષણિક વર્ષમાં ધોરણ એકમાં પ્રવેશ માટે માત્ર એક દિવસ ખૂટતો હતો.તેના પુત્રની જન્મ તારીખ પહેલી જૂન છે.એટલે તારીખ 31 મેના રોજ તેના છ વર્ષ પૂર્ણ થવામાં એક જ દિવસ બાકી હોવા છતાં સરકારના નિયમ પ્રમાણે શાળાએ પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી.હાઇકોર્ટે આ કેસમાં આ બાળકને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર અને શાળાને આદેશ કર્યો છે.બાકીની પિટિશનની સુનાવણી હવે પછી હાથ ધરવામાં આવશે.

આ નિયમને લઈને વાલીઓમાં અને શિક્ષક વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ બાબતે વાલીઓનો એવો બચાવ છે કે 31 મેના રોજ છ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકો અને જૂન – જુલાઈમાં જન્મેલા બાળકો વચ્ચે મનોવૈજ્ઞાનિક અને માનસિક વિકાસમાં કોઈ નોંધપાત્ર તફાવત હોતો નથી.31 મેના રોજ જે બાળકોના છ વર્ષ પૂર્ણ થયા ન હોય તેવા બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ માટે લગભગ એક વર્ષનો વિલંબ થાય.એટલે આવા હજારો બાળકોનું એક એક વર્ષ વેડફાઈ જશે.નર્સરી,જુનિયર કેજી,તથા સિનિયર કેજી,એમ ત્રણ વર્ષ ફી ભર્યા પછી ચોથા વર્ષે પહેલા ધોરણમાં બાળકોને પ્રવેશ ન મળે તો હજારો બાળકોની એક વર્ષની વધારાની ફી પણ ભરવી પડશે.વળી વાલીઓ એવો પણ બચાવ કરે છે કે જ્યારે અમે બાળકોનું પ્રી – પ્રાઈમરીમાં એડમિશન લીધું,ત્યારે શાળા દ્વારા અમોને એવું વચન આપ્યું હતું કે જૂન – 2023 માં પહેલા ધોરણમાં પ્રવેશ મળી જશે.

અમુક શિક્ષણવિદોનું એવું કહેવાનું થાય છે કે ત્રણ ચાર  મહિનાનું એકસ્ટેન્શન આપવામાં આવે તો આ પ્રશ્ન થાળે પડી શકે.વળી ભૂતકાળમાં જ્યારે પાંચ વર્ષ પૂરાં થયાં પછી પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવાનો નિયમ હતો,ત્યારે પણ કટ ઓફ ડેટ 31મી ઓગસ્ટ રાખવામાં આવી હતી.અર્થાત 31મી ઓગસ્ટ સુધીમાં પાંચ વર્ષ પૂરાં કરનાર બાળકને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવતો હતો.પ્રવર્તમાન  નવા નિયમમાં પણ કટ ઓફ ડેટ 31મી ઓગસ્ટ અમલી બનાવવામાં આવે તો મહદ્ અંશે આ સમસ્યાનું નિરાકરણ થઈ જાય.

શિક્ષક પક્ષે એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે આ નિયમ દાખલ થવાથી પહેલા ધોરણમાં સંખ્યામાં મોટો ઘટાડો થશે. પરિણામે ઘણા વર્ગો બંધ થશે અથવા મર્જ થશે,આથી ઘણા બધા શિક્ષકોને ફાજલ થવાનું બનશે.જો કે સરકાર દ્વારા એવો સધિયારો આપવામાં આવ્યો છે કે કોઈ શિક્ષકને ફાજલ થવાનું બનશે નહીં.સંખ્યાધિક શિક્ષકોને બાલવાટિકામાં સમાવી લેવામાં આવશે.હાલમાં જે બાળકો છ વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે,તેવા પાંચ વર્ષથી મોટી ઉંમરના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપીને આ બાળકોનો અભ્યાસ આગળ વધારવાનું આયોજન સરકારે હાથ ધર્યું છે.પહેલા ધોરણમાં સંખ્યા ઘટવાને લીધે જે શિક્ષકો કાજલ પડશે તેમને આ બાલવાટિકામાં સમાવી લેવામાં આવશે.

નર્સરીમાં ભણતા બાળકને બાળપણ માણવાની અનુકૂળતા કરી આપવાને  બદલે આજના મા-બાપની અપેક્ષા એમને સ્પેલિંગ પાકા કરાવવાની કે રાઈમ્સ પાકા કરાવવાની જ હોય છે.સાથે સાથે એક બીજા બાળક સાથે સરખામણી કરીને ત્રણ-ચાર વર્ષના બાળકને માર્ક બાબતની કશી સમજણ ન પડતી હોવા છતાં આજના મા બાપ નર્સરીથી જ બાળકને રિપોર્ટ કાર્ડ બનાવી દે છે. દિવસે દિવસે ભણતર વધુ સ્પર્ધાત્મક બનતું જાય છે.બાળકનું મૂલ્યાંકન માત્ર ટકાના આધારે કરતા થઈ જાય છે.બાળકો અને માતા-પિતા વચ્ચે જે ન પૂરી શકાય એવી મોટી ખાય છે.તેનું મુખ્ય કારણ બાળકો પર શિક્ષણના નામે કરવામાં આવતો અત્યાચાર છે. ભણતરના ભારને કારણે બાળપણના સાહજિક હર્ષોલ્લાસથી વંચિત રહેલા બાળકો જીવન પ્રત્યે સાચો અભિગમ કેળવી શકતા નથી.જીવનને ભણતર નામની સજા અને ભણતર સિવાયની મજા એમ બે ભાગમાં વહેંચી નાખે છે.

મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરવા ઉપર ભાર આપતા ગિજુભાઈમાં દાર્શનિક વિચારધારાના મૂળમાં ગાંધીજીના આદર્શો રહેલાછે.સત્ય,અહિંસા, પ્રેમ, કરુણા, ઉદારતા, પારસ્પરિક સન્માન, પરિશ્રમ, માનવસેવા, શ્રમનું મહત્વ,સ્વાવલંબન વગેરે આધારભૂત છે.ગિજુભાઈના મત અનુસાર ધર્મ અને નૈતિકતા માનવ જીવનનો આધાર છે.

માનવ જીવનનું અંતિમ લક્ષ્ય ઈશ્વરની પ્રાપ્તિનું છે.જેથી બાળકમાં તેનો પાયો નાનપણથી નખાવો જોઈએ.જેથી સૌ પ્રથમ એમણે ’બાલદેવો ભવ:’ વાક્ય પ્રતિપાદિત કર્યું.તેમણે શૈક્ષણિક ચિંતનમાં બાળકને કેન્દ્રમાં રાખ્યું છે. ગિજુભાઈ કહેતા કે બાળકને પૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ.પૂરતું સન્માન આપવું જોઈએ.બાળકોને નાનપણથી શારીરિક,માનસિક અને બધી ક્રિયાઓ સ્વયં કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.મોન્ટેસરી પદ્ધતિ અનુસાર બાળ – પ્રવાસ,પશુ-પક્ષીઓનું પોષણ,વૃક્ષો અને વનસ્પતિઓનો પરિચય,આકાશના તારામંડળનો પરિચય,નૈસર્ગિક જીવન વગેરે વિવિધ પ્રવૃત્તિઓ બાળવાટિકામાં કે કિંડર ગાર્ટનમાં થવી જોઈએ.

ગિજુભાઈ વિદ્યાલયને બાળકના વિકાસનું મંદિર ગણતા હતા.મંદિરનું વાતાવરણ આનંદદાયક હોય એ જ રીતે શાળાનું પણ વાતાવરણ આનંદદાયક હોવું જોઈએ.જ્યાં બાળક ભય વિના હસતું રમતું જ્ઞાન મેળવી શકે.ગિજુભાઈના મતે શિક્ષકનું સ્થાન મહત્વપૂર્ણ છે.બાળકો માટે શિક્ષક મિત્ર અને પથ પ્રદર્શક હોવો જોઈએ.તેને શિક્ષણ પ્રત્યે સમર્પણની ભાવના હોવી જોઈએ.બાળ મનોવિજ્ઞાન અને શરીર વિજ્ઞાનનું પૂરતું જ્ઞાન શિક્ષક પાસે હોવું જોઈએ.શિક્ષક માનવીય ગુણથી ભરેલો હોવો જોઈએ.તેનો વાણી ઉપર સંયમ હોવો જોઈએ. આશા રાખીએ કે નવી શિક્ષણનીતિ 2020 ખૂબ સફળ થાય અને ધારેલા લક્ષ્યાંક સિદ્ધ કરી શિક્ષણ ક્ષેત્રને લાગેલું કલંક દૂર કરે.આવનારા દિવસોમાં ભણતર ભાર વિનાનું બને અને મા-બાપની અપેક્ષા સીમિત થાય એ જ અભ્યર્થના.

સે સોરી ! માય સન,સે સોરી !
છ છ કલાક સ્કૂલ ત્રણ ત્રણ કલાક ટ્યૂશન
તોય આ નોટ તારી કોરી
સે સોરી ! માય સન,સે સોરી !
ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ
વળી માથે તે ચોપડ્યું ઘી
યાદદાસ્ત માટે તે શંખપુષ્પીની કંઈ
બાટલીઓ પેટમાં ભરી
કેમે કરી ન યાદ રહેતું તને લેસન
યાદ રાખે તું સિરિયલની સ્ટોરી
સે સોરી ! માય સન,સે સોરી !
પંખી તો બચ્ચાંને ઊડતાં શીખવે
અને માણસ… બચ્ચાંને આપે પિંજરું
મમ્મી તો મોરની પ્રેક્ટિસ કરાવે
થાય બાળકને,ટહુકાઓ ચીતરું
મમ્મી ક્યાં જાણે કે કોરી નોટબુકમાં બાળ
લાવ્યું છે આખું આભ દોરી
સે સોરી ! માય સન,સે સોરી !

– ડો રઈશ મનીઆર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.