રસીની રસ્સાખેંચ યથાવત: કોવીશીલ્ડના ડોઝ ખલ્લાસ, રાજકોટ વેસ્ટ ઝોન કચેરીએ માથાકૂટ

કોવીશીલ્ડના અપૂરતા ડોઝના કારણે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ શરૂ કરાતાં દેકારો : વેક્સિનેશન સેન્ટરો પર લોકોની કતારો

શહેરમાં કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારાઓની સંખ્યાનો આંક ૧૦ લાખને પાર

 

અબતક, રાજકોટ

રાજકોટને ગઇકાલે કોવિશિલ્ડ વેક્સીનનો જથ્થો ફાળવવામાં ન આવતાં આજે માત્ર ત્રણ સેશન સાઇટ ખાતે કોવિશિલ્ડનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ડોઝની અછતના કારણે એક દિવસ માટે ફરી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવતા લોકોમાં ભારે દેકારો બોલી ગયો હતો. વેસ્ટ ઝોન કચેરી ખાતે વેક્સીનના ડોઝ ખલ્લાસ થઇ જતા ભારે માથાકૂટ સર્જાઇ હતી. દરમ્યાન શહેરમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યાનો આંક ૧૦ લાખને પાર થઇ ગયો છે.

રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે રાજકોટને કોવિશિલ્ડ વેક્સીનની ફાળવણી કરવામાં આવી ન હતી. સ્ટોકમાં રહેલા ૧૦૦૦ ડોઝમાં આજે ત્રણેય ઝોનમાં માત્ર બીજો ડોઝ આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. વેક્સીનના ડોઝની અછતમાં આજે એક દિવસ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવતાં વેસ્ઝ ઝોન કચેરી ખાતે જબરી માથાકૂટ સર્જાઇ જવા પામી હતી. કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યાં બાદ જ્યારે પોતાનો વારો આવ્યો ત્યારે ખબર પડી કે વેક્સીનના ડોઝ ખલ્લાસ થઇ ગયાં છે ત્યારે લોકો ગુસ્સે ભરાયાં હતા અને અધિકારીઓ સાથે જીભ્ભાજોડી પર ઉતરી આવ્યાં હતાં. આજે અન્ય ૨૮ સેશન સાઇટ પર કોવેક્સિનના બંને ડોઝ આપવાની કામગીરી ચાલી રાખવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા ૧૦,૯૩,૯૯૧ લોકોને વેક્સીન આપવાનો ટાર્ગેટ છે. જેની સામે ગઇકાલ સુધીમાં ૧૦,૦૦,૭૧૮ લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. શહેરમાં કુલ ૯૧.૪૭ ટકા લોકોને કોરોના સામે સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે. જ્યારે ૪,૨૩,૩૫૨ લોકો અર્થાત ૪૨.૧૦ ટકા વસ્તીને વેક્સીનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.