Abtak Media Google News

વિશ્વની આર્થિક રાજધાની એવા હોંગકોંગ પર ચીને કેટલાંક આકરા પ્રતિબંધ ઝીંકી દેતા બે દિવસમાં ઈન્ડેક્ષમાં 8 ટકાથી વધુનો કડાકો: અનેક નામી કંપનીઓના શેરોના ભાવ તળીયે: ભારત માટે પણ ચિંતાનો વિષય

વિશ્વની આર્થિક રાજધાની એવા હોંગકોંગની સ્વાયતતા પર ડ્રેગને તરાપ મારવાનો પ્રયાસ કર્યો છે. ચીન દ્વારા કેટલાંક આકરા પ્રતિબંધો ઝીંકી દેવામાં આવતા છેલ્લા બે દિવસ દરમિયાન હેંગ સેન્ગ ઈન્ડેક્ષમાં 8 ટકાથી વધુનો કડાકો બોલી ગયો છે. કેટલીક નામી કંપનીના ભાવો તળીયે પહોંચી જવા પામ્યા છે. ભારત સહિત વિશ્વભરના શેરબજારો પર તેની વ્યાપક અસરો જોવા મળી રહી છે.

હોંગકોંગને વિશ્વભરના રોકાણકારો આર્થિક રાજધાની તરીકે નિહાળી રહ્યાં છે. જેની સ્વાયતતા છીનવી લેવા માટે ચીન દ્વારા હીન પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કેટલાંક આકરા નિયમો સાથે ચીને હોંગકોંગ પર નિયંત્રણો લાદી દીધા છે જેના કારણે સોમવારે હેંગ સેન્ગ ઈન્ડેક્ષમાં 4 ટકાથી વધુનો કડાકો બોલી ગયો હતો આજે સતત બીજા દિવસે હેંગ સેન્ગમાં કડાકાનો દૌર ચાલુ રહયો હતો અને આજે 1100થી વધુ પોઈન્ટનો કડાકો બોલતા વિશ્વભરના રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

વિશ્વ આખામાં બોલબાલા ધરાવતી કેટલીક નામી કંપનીના શેરના ભાવમાં તળીયે પહોંચી ગયા છે. અનેક કંપનીઓ હવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા  ઝઝુમી રહી હોય તેવું મહેસુસ થઈ રહ્યું છે. ઓનલાઈન એજ્યુકેશન આપતી કંપનીઓના ભાવ તળીયે પહોંચી ગયા છે. હેંગ સેન્ગ ઈન્ડેક્ષમાં છેલ્લા બે દિવસ દરમિયાન 8 ટકાથી વધુનું બાગડુ પડ્યું છે જેની અસર વિશ્વના તમામ  દેશોના શેરબજાર પર પડી છે.

ભારતીય શેરબજારમાં પણ છેલ્લા બે દિવસથી અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીન દ્વારા હોંગકોંગની સ્વાયતતા છીનવવા જે પ્રયાસ કરવામાં આવ રહ્યાં છે તેની વિશ્વભરમાં આલોચના થઈ રહી છે. વિશ્વભરના રોકાણકારો માટે હોંગકોંગ એક કેપિટલ માનવામાં આવી રહ્યું છે. ભારતના રોકાણકારોએ હોંગકોંગ સુધી લાંબુ ન થવું પડે તે માટે ભારત સરકાર દ્વારા પણ ગાંધીનગરમાં ગિફટ સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હોંગકોંગ પર લાદવામાં આવેલા નિયંત્રણોના કારણે હવે શેરબજારમાં તેનું વર્ચસ્વ ઘટે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.