ધરી ધોણી વગરના અફઘાનિસ્તાન ઉપર તાલિબાનોએ કબજો જમાવ્યો

તાલિબાનોએ રાજધાની કાબુલ કબ્જે કરી સમગ્ર દેશને હાથમાં લઈ લીધો, ટૂંક સમયમાં રાષ્ટ્રપતિનું નામ જાહેર કરાશે

અબતક, નવી દિલ્હી : ધરી ધોણી વગરના અફઘાનિસ્તાન ઉપર તાલિબાનોએ કબજો જમાવી દીધો છે. હવે તેઓએ પોતાનું શાસન પણ સ્થાપી દીધું છે. ટૂંક સમયમાં જ નવા રાષ્ટ્રપતિનું તેઓ નામ જાહેર કરવાના છે. જો કે આ ઘટનાથી ચિંતિત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકનું એક મહિના માટે અધ્યક્ષ પદ મળ્યું છે તેમા ભારત આ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થશે તેવી સંભાવના છે.

તાલિબાનના આતંકીઓથી ત્રસ્ત અફઘાન હવે સંપૂર્ણ રીતે તાલિબાનીઓની નિયંત્રણમાં આવી ગયું છે. તાલિબાનીઓ દ્વારા દેશના મોટાભાગના હિસ્સા અહીં સુધી રાજધાની કાબુલ પર કબજો મેળવી લીધા પછી પ્રેસિડન્ટ અશરફ ગની દેશ છોડવા માટે મજબૂર થયા હતા. તેમના દેશ છોડવાની સાથે જ અફઘાન પર તાલિબાનનો કબજો નિશ્વિત થઇ ગયો છે. સમગ્ર અફઘાન હવે તાલિબાની આતંકીઓના હવાલે છે.

તાલિબાની કમાંડરોએ દાવો કર્યો છે કે તેમણે અફઘાનના પ્રેસિડન્ટ હાઉસ પર કબજો કરી લીધો છે.  બીજી તરફ તાલિબાને એમ પણ કહ્યું છે કે, અફઘાનમાં સત્તાથી માંડીને બધુ જ અમારા કંટ્રોલમાં રહેશે. આ માટે કોઇ વચગાળાની સરકાર આવશે નહીં. તાલિબાની આતંકીઓનું કહેવું છે કે તે આખા અફઘાન પર કબજો કરવા જઇ રહ્યા છે.

તાલિબાનના બે અધિકારીઓએ જણાવ્યું કે અફઘાનમાં સત્તાના હસ્તકરણ માટે કોઇ કામચલાઉ સરકાર આવશે નહીં અને આખા અફઘાન પર કબજો કરીશું. આ વચ્ચે અફઘાનની રાજધાની કાબુલમાં તાલિબાની આતંકીઓના ઘૂસવાથી અનેક સ્થળોએ હિંસાના બનાવો સામે આવ્યા છે. જે અંગે તાલિબાન ખાતરી આપી રહ્યું છે કે અહીં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાના પ્રયત્ન કરશે.

કાબુલ એરપોર્ટ પર ગોળીબાર

કાબુલમાં તાલિબાનના પહોંચવા સાથે જ અહીં એરપોર્ટ પર ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. રવિવારે કાબુલ પર તાલિબાનનો કબ્જો થઈ ગયો ત્યારબાદ અલગ-અલગ દેશના રાજનાયિક અને અધિકારીઓ અફઘાનિસ્તાન છોડી રહ્યા છે. જો કે હજુ સુધી ગોળીબારમાં કોઈના માર્યા ગયાના સમાચાર નથી પરંતુ એરપોર્ટ પર અફડાતફડી મચી ગઈ છે.

વિશ્વના નકસા ઉપર અફઘાનિસ્તાન ભૂંસાઈ જશે ?

તાલિબાને અફઘાનિસ્તાન ઉપર કબજો જમાવી લીધો છે. અગાઉ પણ વિશ્વના અનેક દેશોએ બળજબરીથી સ્થાપવામાં આવનાર શાસનને તેઓ ક્યારેય માન્યતા નહિ આપે તેવું જાહેર કર્યું છે. તેમ છતાં તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં બળજબરીથી સાશન સ્થાપી દીધું છે. ત્યારે હવે અફઘાનિસ્તાનને દેશનો દરજ્જો મળશે કે કેમ તે અંગે પ્રશ્ન સર્જાયો છે. સાથે અફઘાનિસ્તાન વિશ્વના નકશામાંથી ભૂંસાઈ જાય તેવી પણ ભીતિ સર્જાઈ છે.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા 129 ભારતીય નાગરિકોને એરઇન્ડિયાએ સહીસલામત દિલ્હી પહોંચાડ્યા

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને નીકાળવા માટે મોકલવામાં આવેલું એર ઈન્ડિયાનું વિમાન 129 પેસેન્જર્સને સુરક્ષિત રીતે લઈને રવિવારે સાંજે દિલ્હી પહોંચી ગયું છે. એર ઈન્ડિયાનું વિમાન AI244 એવા સમયે પેસેન્જર્સને લઈને દિલ્હી પહોંચ્યું છે કે જ્યારે અફઘાનિસ્તાનમાં કાબુલમાં તાલિબાનીઓ પ્રવેશી રહ્યા છે. મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાના અધિકારીઓએ કહ્યું કે એરલાઈનની દિલ્હી-કાબુલ-દિલ્હી ફ્લાઈટ કેન્સલ કરવાની હજુ કોઈ યોજના નથી. અહીં નોંધનીય છે કે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ AI244 રવિવારે સાંજે અફઘાનિસ્તાનના કાબુલથી ભારતીયોને લઈ દિલ્હી આવી પહોંચી હતી. તેમણે હજુ સુધી એવું સ્પષ્ટ કર્યું નથી કે એઆઈ-243ને ઉતરવાની અનુમતિ મળતા મોડું થવાનું કારણ શું હતું. પરતની ફ્લાઈટ એઆઈ-244 કુલ 129 પેસેન્જર્સ સાથે ભારતીય સમય અનુસાર સાંજે લગભગ 6.06 વાગ્યે કાબુલ એરપોર્ટથી રવાના થઈ હતી.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અસરફ ગની દેશ છોડી ચૂક્યા છે. અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો પર હવે તાલિબાનનો કબજો થયા બાદ કાબુલ ઉપર પણ કબજો જમાવવામાં આવ્યો છે. જેને પગલે રાષ્ટ્રપતિ અસરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ બન્ને દેશ છોડીને ભાગી ગયા છે. આ બન્ને નેતાઓએ તઝાકિસ્તાનમાં આશરો લીધો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જો બન્ને નેતાઓએ દેશ ન છોડ્યો હોત તો તાલિબાનો તેઓની હત્યા પણ કરી નાખવાના હોવાનું જાણવા મળ્યું છે.

મુલ્લા બરાદર બનશે નવા રાષ્ટ્રપતિ

અફઘાનિસ્તાનનાં મોટા ભાગનાં રાજ્યો અને રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ હવે અફઘાનિસ્તાનનાં નવા રાષ્ટ્રપતિ તરીકે અબ્દૂલ ગની બરાદરની વરણી થશે તે નક્કી છે. વર્ષો બાદ ફરીથી અફઘાનિસ્તાન પર તાલિબાન પોતાનું શાસન સ્થાપવા જઈ રહ્યું છે અને થોડા જ કલાકોમાં સમગ્ર સત્તાનું ટ્રાન્સફર તાલિબાનનાં હાથમાં કરી દેવામાં આવશે. જો કે અમુક મીડિયા અહેવાલમાં અલી એહમદ જલાલીને સતા સોપાય તેવી અટકળો પણ ચાલી રહી છે.

અમીરાતે કાબુલની ફ્લાઇટ દુબઈ ડાયવર્ટ કરી, ફ્લાયદુબઇએ ફ્લાઇટ કેન્સલ જ કરી નાખી

અમીરાત એરલાઇને જણાવ્યું હતું કે રવિવારે કાબુલ જતી ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે દુબઇની સરકારી માલિકીની કેરિયર ફ્લાયદુબઇએ સેવાઓ સ્થગિત કરી હતી. અમીરાતના પ્રવક્તાએ કહ્યું, “અમે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ. અમારી સેવાઓના સલામત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે તમામ સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
ફ્લાયદુબાઇએ અગાઉ કહ્યું હતું કે રવિવારે કાબુલ માટે બોઇંગ 737 સેવા દુબઇની મધ્ય ફ્લાઇટ પરત આવી હતી અને એરલાઇને આગામી સૂચના સુધી શહેર માટે તેની સેવાઓ સ્થગિત કરી દીધી હતી.