Abtak Media Google News

શહેરના અલગ અલગ પાંચ વિસ્તારમાં બની રહ્યાં છે ૧૪૩૨ આવાસો

મકાનો લેવા ન માગતા હોય તેના મકાનો અન્ય લાભાર્થીને અપાશે

મહાપાલિકા દ્વારા બનાવાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનાવાયેલા ૫૬૦ આવાસોનો શુક્રવારે સાંજે ૫ કલાકે ડ્રો કરી લાભાર્થીઓને ફાળવવામાં આવશે. આ માટે ખાસ કાર્યક્રમ યોજાયો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ જુદા જુદા વિસ્તારોમાં આવાસના મકાનો બનાવ્યા છે, જે પૈકીના ૫૬૦ આવાસો તૈયાર અવસ્થામાં છે. જેની ફાળવણી કરવા માટે કોમ્પ્યુટરાઇઝ ડ્રો શુક્રવારે સાંજે ૫.૦૦ વાગ્યે રાખવામાં આવ્યો છે. જેમાં ૧,૪૩૨ ફોર્મ ભરનારા આસામીઓનો કોમ્પ્યુટરથી ડ્રો કરવામાં આવશે, અને મકાનોની સોંપણી કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા બેડી ઓવરબ્રિજ પાસે આવાસના મકાનો બનાવ્યા છે તેમજ ઘાંચીકોલોની વિસ્તારમાં, રવિ પેટ્રોલ પંપ પાસે, મયુર નગર વિસ્તારમાં, અને એમ.પી.શાહ ઉદ્યોગનગર સહિત જુદા જુદા પાંચ વિસ્તારોમાં અલગ અલગ યોજનાઓ હેઠળ મકાનો બનાવવામાં આવી રહ્યા છે.

જે પૈકી કુલ ૧,૪૩૨ આસામીઓ એ ૨૦,૦૦૦ની ડીપોઝીટ ભરીને મકાનો માટે નોંધણી કરાવી હતી તે પૈકી હાલ મહાનગરપાલિકા દ્વારા ૫૬૦ આવાસ રેડી પઝેશનમાં હોવાથી તેની સોંપણી કરવા માટેના કોમ્પ્યુટરાઈઝ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શુક્રવારે તારીખ ૧૨ ડિસેમ્બરના સાંજે પાંચ વાગ્યે સ્ટેન્ડિંગ કમિટીના હોલમાં પ્રથમ માળે કોમ્પ્યુટરાઈઝ ડ્રો યોજવામાં આવશે અને તેમાં સૌપ્રથમ ૫૬૦ લાભાર્થીઓને આવાસના મકાનોની સોંપણી કરી દેવામાં આવશે.

જેઓની વીસહજાર રૂપિયાની ડિપોઝીટ પછી બાકીના સાડા ત્રણ લાખની કેપેસિટી વાળા તેમજ સાડા પાંચ લાખની કેપેસિટી વાળા અલગ અલગ બે કેટેગરીના મકાનોની સોંપણી કરવામાં આવશે અને બાકીની રકમના ૧૦ હપ્તા કરી આપવામાં આવશે. એક વરસમાં બાકીની રકમ મહાનગરપાલિકાની કચેરીમાં ભરપાઈ કરી દેવાની રહેશે.

જે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો ની  પ્રક્રિયામા સૌ પ્રથમ ૫૬૦ને ફાળવણી હાથ ધરવામા આવશે. અન્યોને વેઇટિંગમાં રખાશે, જે ૫૬૦ લોકો પૈકી કોઈ મકાન લેવા માગતું ન હોય તો તેઓના બદલે બાકીના વેઇટિંગમાં રહેલા આસામીઓને ડ્રોની પદ્ધતિથી સોંપણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.