ચોટીલા નજીક આઇસરમાંથી રૂ.4.80 લાખના વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ

ગોલીડા ગામની સીમમાંથી રૂ.8.50 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાયો

ચોટીલા નજીક વિદેશી દારૂ અંગે પોલીસે બે સ્થળે દરોડા પાડી રૂા.13.30 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી આઇસરના ચાલકની ધરપકડ કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા નજીક આવેલા ગોલીડા ગામના ભાભલુભાઇ હકુભાઇ ધાધલની વાડીમાં વિદેશી દારૂ છુપાવ્યાની બાતમીના આધારે નાની મોલડી પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.બી.ચૌહાણ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન વાડીની ઓરડીમાં છુપાવેલો રૂા.6.16 લાખની કિંમતની 1644 બોટલ વિદેશી દારૂ અને 2.40 લાખની કિંમતના 2400 બિયરના ટીન મળી આવતા કબ્જે કરી વાડી માલિક ભાભલુભાઇ ધાધલની શોધખોળ હાથધરી છે.જ્યારે જસદણના આણંદપર તરફથી ચોટીલા તરફ આવી રહેલા એમ.એચ. 46બીએમ. 110 નંબરના આઇસરમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે ચોટીલા પોલીસે પાચવડા ગામ પાસે વોચ ગોઠવી રૂા.4.80 લાખની કિંમતના 1200 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ટ્રક ચાલક મંગારામ આશુરામ જાટની ધરપકડ કરી વિદેશી દારૂ આઇસર મળી રૂા.12.80 લાખનો મુદામાલ કબ્જે કરી મંગારામની પૂછપરછ કરતા વિદેશી દારૂ રાજસ્થાનના સ્વરૂપસિંહ રાજપૂતે મોકલ્યો હોવાનું અને ચોટીલા પંથકમાં ડીલીવરી કરવાની હોવાની કબુલાત આપી છે.