Abtak Media Google News

ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે દવાના વેચાણમાં 51%થી વધુનો ઉછાળો!!

’દુશ્મનને પણ દવાખાનું ન આવે’ તેવુ આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે પણ હાલ દરેક ઘરમાં દવાખાનું છે. સંક્રમણ વધતાં લોકો તેમના પરિજનોને બચાવવા ફાંફા મારતા હોય છે. ત્યારે પૃથ્વી પરના દેવ સમાન તબીબો જે દવા, ઉપચાર કરવાનો આગ્રહ કરે પરિજનો તેના માટે તૈયાર થઈ જતા હોય છે. સંક્રમણમાં બધા જ હેરાન થયા છે. તમામ ઉદ્યોગ-ધંધાને નકારાત્મક અસર પહોંચી છે પરંતુ નકારાત્મક વાતાવરણમાં મેડિકલ સ્ટોરવાળાઓને બખ્ખા થઈ ગયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે દવા અને મેડિકલ સંસાધનોના વેચાણમાં 51% થી ઓણ વધુનો ઉછાળો નોંધાયો છે.

સંક્રમણમાં તમામ ઉદ્યોગ-ધંધાને માઠી અસર પહોંચી છે પણ કોરોનાએ મેડિકલના ધંધાર્થીઓને લીલાલેર કરાવી દીધા છે. ધંધો પુરજોશમાં ચાલી રહયો છે. કદાચ ઇતિહાસમાં ક્યારેય એકસાથે વેચાણમાં 50% નો વધારો નહીં નોંધાયો હોય તેવો ઉછાળો ચાલુ વર્ષના ફક્ત એક જ મહિનામાં બખ્ખાં કરાવી દીધા છે. લોકો હેરાન-પરેશાન છે, દવાઓ માટે ફાંફાં મારી રહ્યા છે,  અનેક દવાઓની અછત વર્તાઈ રહી છે તેવું ધમધોકાર વેચાણ થઈ રહ્યું છે. લોકોને માહિતી મળે કે, મેડિકલ સ્ટોરમાં દવા ઉપલબ્ધ છે એટલે થોડી જ ક્ષણોમાં લાગતી લાંબી કતારો અને અમુક મિનિટોમાં જ ખાલી થઈ જતાં સ્ટોકે મેડિકલ સ્ટોર્સને ધંધા માટે સાનુકૂળ વાતાવરણ બનાવી દીધું છે.

ચાલુ વર્ષના એપ્રિલ માસમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઉપયોગી પ્રત્યક્ષ અને પરોક્ષ દવાઓનું વેંચાણ 51.5%ના  ઉછાળા સાથે 15,662 કરોડ સુધી પહોંચી ગયું છે. આ માહિતી ઓલ ઇન્ડિયન ઓરિજિન કેમિસ્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ લી. ફાર્માસોફ્ટટેક એવાક્સ પ્રા.લી. ફાર્મા  રિસર્ચ સંસ્થાએ જણાવ્યું છે. ગત વર્ષે એપ્રિલ માસમાં કુલ વેચાણ 10,337 કરોડનું હતું જે આ વર્ષે એપ્રિલ માસમાં 15,662 કરોડ સુધી પહોંચી ગયું છે. નોંધનીય બાબત છે કે, ગત વર્ષે એપ્રિલ માસમાં કોરોનાની પ્રથમ લહેરમાં પણ દવાઓનું ધમધોકાર વેચાણ થઈ રહ્યું હતું જેથી સામાન્ય દિવસોની સાપેક્ષે તે સમયનું વેચાણ ખૂબ વધારે હશે ત્યારે ચાલુ વર્ષમાં પણ તે આંકડાની સાપેક્ષે 51.5%નો વધારો નોંધાયો છે.

એવાક્સના જણાવ્યા અનુસાર, કોરોનાની બીજી લહેરે દવાઓના વેચાણને બૂસ્ટર ડોઝ આપ્યો છે. જે રીતે લોકો ખૂબ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે તેના કારણે ઈલાજમાં વપરાતા દવાના વેચાણમાં પણ ખૂબ ઝડપથી વધારો નોંધાઇ રહયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.