Abtak Media Google News

ગુજરાતમાં પહેલી વખત જ ડ્રગ્સ પકડવા માટે પોલીસે ફાયરીંગ કર્યું

માધાપર હાઇવે પર બુધવારે ઢળતી સાંજે ડ્રગ્સની ડીલીવરી કરવા આવેલા માફિયાઓને પકડવા પોલીસ ટીમે કારનો પીછો કરી કાર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ફિલ્મી ઢબે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. ઘટનાને પગલે સનસનાટી મચી જવા પામી હતી. કારમાંથી પોલીસે ૩૦૦ ગ્રામ જેટલું ડ્રગ્સ કબજે કર્યું હતું. જો કે, નશાકારક દ્રવ્યનો આ જથ્થો એમ.ડી. ડ્રગ્સ છે, હેરોઈન છે કે ચરસનો જથ્થો છે? તે તો એફ.એસ.એલ.ની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ગુજરાતમાં પહેલી વખત જ ડ્રગ્સ પકડવા માટે પોલીસે ફાયરીંગ કર્યાને અને પંજાબથી ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યાંની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું.બાતમીના આધારે એસ.ઓ.જી. અને એલ.સી.બી.ની ચાર ટીમોએ સફળ ઓપરેશન કર્યું છે..

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ભુજ માધાપર હાઇવે પર દિલ્હી પાસિંગની બ્રેઝા કારમાં ડ્રગ્સની ડિલિવરી કરવા કેટલાક શખ્સો આવી રહ્યા હોવાની બાતમી પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમને મળી હતી. એસઓજી અને એલસીબીની ટીમોએ વોચ ગોઠવી હતી. સાંજના છ વાગ્યાના અરસામાં બાતમી મુજબની કાર માધાપર હાઈવે ઉપર નળવાળા સર્કલ પાસેથી પસાર થઈ હતી. ખાનગી ડ્રેસમાં રહેલી ૨૦થી પચ્ચીસ પોલીસની ચાર ટીમો સક્રિય થઈ હતી. પોલીસ હોવાનું જણાઈ આવતાં ડ્રગ્સ માફિયાઓએ કારને પુરઝડપે દોડાવી દીધી હતી. જો કે, પોલીસ વધુ સતર્ક હતી. એસ.ઓ.જી. પી.આઈ. વિનોદ ભોલા અને પોલીસ ટૂકડીઓમાંથી નળવાળા સર્કલ પાસે કારના ટાયર ઉપર ફાયરિંગ કરાયું હતું. ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગમાં કારનું ડાબી બાજુનું આગળનું ટાયર બર્સ્ટ થઈ ગયું હતું. ટાયર પર ગોળી વાગતાં કાર કાબુ ગુમાવીને રોડની સાઇડમાં ખેચાઇ ગઈ હતી.

કારમાંથી ત્રણ શખ્સોને તરત જ ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે, નાસી રહેલા બે શખ્સોને પોલીસે પીછો કરીને ઝડપી લીધાં હતાં. આ શખ્સોને નજીકની દુકાનમાં લઈ જઈને સઘન પૂછપરછ કરવામાં આવી તે પછી ડ્રગ્સનો જથ્થો કબજે થઈ શક્યો હતો. બ્રિઝા કારના મેઈન ડેસ્કબોર્ડમાં અંદરની બાજુએ છૂપાવવામાં આવેલો ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. પોલીસ મજબૂતપણે માને છે કે, ડ્રગ્સનો જથ્થો ભરેલી કાર માધાપર – ભુજ વચ્ચે કોઈ સ્થળે બિનવારસી મુકી દેવાની હશે. સ્થાનિક રિસીવર આ કાર લઈ જાય અને ડ્રગ્સ મેળવી લઈને કાર પરત મુકી દેવાના હશે. જો કે, આરોપીઓની પૂછપરછ બાદ સ્થાનિક રિસીવર પકડાયા પછી જ ખરા તથ્યો સ્પષ્ટ થશે.પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ડ્રગ્સની ડીલીવરી કરવા આવેલા લોકોની કાર પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. જેમાં પાંચ લોકોને ઝડપી લીધા છે. તેમના પાસેથી ૩૦૦થી ૩૫૦ ગ્રામ જેટલું ડ્રગ્સ કબજે કરાયું છે. એફ.એસ.એલ.નીટીમ તપાસ કરે તે પછી પકડાયેલો જથ્થો હેરોઈન છે, એમ.ડી. છે કે ચરસ છે? તે સ્પષ્ટ થશે. પંજાબના પાંચ શખ્સો ભુજમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવતાં ઝડપાયાં અને ઊંડી તપાસ કરી ભુજમાં ડ્રગ્સ કોણ રિસીવ કરવાનું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવશે. દિલ્હીથી ડ્રગ્સનો જથ્થો લઈને આવેલા મુળ પંજાબના પાંચ શખ્સો અંગે પણ પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.