Abtak Media Google News

ભવનાથ ક્ષેત્રના માલધારી સમાજની સાથે સાધુ-સંતો અને ભાવિકો મોટી સંખ્યામાં  જોડાયા

ધાર્મિક આસ્થા, વિશ્વાસ અને ભક્તિના સમન્વય સાથે ગઈકાલે જેઠ વદ એકાદશીના દિવસે ગિરિવર ગિરનાર પર્વતની એક દિવસીય દૂધધારા પરિક્રમા યોજાઇ ગઇ, જેમાં ભવનાથ શ્રેત્રના માલધારી સમાજની સાથે સાધુ-સંતો અને ભાવિકોએ ભાગ લઈને પાવનકારી પુર્ણયનું ભાથું બાંધ્યું હતું.

ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યે ગિરનારી મહારાજની 36, કિલોમીટરની દૂધધારા પરિક્રમા કરવા લોકોએ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો, ભવનાથ વિસ્તારના માલધારીઓએ એક દિવસ દૂધ નહી વહેચી, આશરે 100 લીટર જેટલું દૂધ લઈને લંબે હનુમાન સ્થિત રબારી નેશમા આવેલ કરમણ ભગતના ઘરેથી  દૂધધારા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો, ગિરનારના 30, પગથિયા પર આવેલ ત્રીગુણેશ્વર મહાદેવ મંદિર તથા ભવનાથમાં આવેલ વસ્ત્રપથેશ્વર મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરી, આ પરિક્રમા ઇટવા ગેટથી ગિરનારના જંગલ વિસ્તારમાં પ્રવેશી જીણાબાવાની મઢી, માળવેલા, સરકડીયા હનુમાન, નળ પાણીની ઘોડી અને બોરદેવી મંદિર થઈ સાંજના સમયે ભવનાથ તળેટીમાં પરત આવતાં દૂધધારા પરિક્રમા સુખમય રીતે પૂર્ણ થઈ હતી. આ પરિક્રમા દરમિયાન ભાવિકો દ્વારા રૂટ ઉપર આવતા તમામ શિવાલયો પર દૂધનો અભિષેક તથા દેવી દેવતાઓના મંદિરે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

આ એક દિવસીય દૂધધારા પરિક્રમાનો ગઈકાલે વહેલી સવારે પ્રારંભ થયો ત્યારે, ભીડભંજન મહાદેવ મંદિરના મહંત મોટા પીર બાવા તનાસુખાગીરી બાપુ સહિતના સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને પરિક્રમાંથીઓને સુખમય યાત્રાના આશીર્વાદ આપ્યા હતા.  આ યાત્રામાં ભવનાથ શ્રેત્રનાં માલધારીઓની સાથે મનપાના ભવનાથ વિસ્તારના કોર્પોરેટર એભાભાઈ કટારા, રમેશભાઈ બાવળીયા વિશ્વ હિન્દુ પરિષદના હિરેન રૂપારેલીયા, ગૌરવ રુપારેલીયા, યોગી પઢિયાર તથા  વિવિધ સંગઠનોએ પણ ભાગ લીધો હતો.

વન વિભાગે પરિક્રમાર્થીઓ પાસેથી રૂ.40ની ટિકીટ ઉઘરાવતા નારાજગી       

પરિક્રમા પૂર્વે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 500 ભાવિકોને દૂધધારા પરિક્રમા માટે વનમાં પ્રવેશવા દેવા  રજૂઆત કરવામાં આવી હતી. જેની સામે વનતંત્ર દ્વારા માટે 125 લોકોને જ વનમાં પ્રવેશવા દેવાની મંજૂરી આપી હતી અને દરેક પરિક્રમારથી દીઠ રૂ. 40 વસુલવાની નક્કી કરી, ભાવિકો પાસેથી રૂ. 40 વસુલવામાં આવતા ભાવિકજનો માં ભારે નારાજગી અને રોષ વ્યાપ્યો છે, જો કે, વન વિભાગ કહે છે કે, આ નિયમ છે, ભાવિકોની શ્રદ્ધાને કોઈ ઠેસ ન પહોંચે તે માટે વનવિભાગ દ્વારા નિયમોનુસાર  દૂધધારા પરિક્રમા કરવા ભાવિકોને મંજૂરી આપવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જંગલ વિસ્તારમાં તમામ સ્થળ સ્ટાફ તૈનાત કરી દેવાયો હતો  અને પરિક્રમાનું સતત મોનિટરીંગ કરવામાં આવ્યું હતું.

દૂધ પરિક્રમા પાછળનો ઇતિહાસ અને માન્યતા

એક વાત મુજબ જૂનાગઢ આજથી સિત્તેર વર્ષ પહેલા વર્ષ 1972માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, અને માલધારીઓ પોતાના દુધાળા પશુઓના ચારા અને પાણી માટે ચિંતિત બન્યા હતા, ત્યારે તે વખતના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભગવતસિંહ રાઠોડને ગીરનારની લીલી પરિક્રમા માફક જ ગિરનાર પર્વત ફરતે જંગલમાં ગિરનારી મહારાજની દુગ્ધધારાથી પરિક્રમા કરવાનો વિચાર આવ્યો હતો અને તેમણે તે સમયે ભવનાથ શ્રેત્રમાં રહેતા સંત કરમણ ભગતને વાત કરતા ગિરનારની સીડી ઉપર 20 પગથિયાં ઉપર શ્રી લક્ષ્મણગીરીબાપુ તથા માલધારી સમાજના ભાઈઓ ભવનાથના તે સમયના સરપંચ મંગલનાથ બાપુ સાથે મિટિંગ કરી આ પવિત્ર દૂધધારાની પરિક્રમા ચાલુ કરવા સંકલ્પ કર્યો હતો, આ તકે લંબે હનુમાનના મહંત રામદુલારીદાસ બાપુ,  રાજાભાઈ રબારી, ઘોઘાભાઈ રબારી, નાથાભાઈ રબારી, તથા માલ ધારી સમાજના  લોકોએ આ પરિક્રમા માટે દૂધની જવાબદારી સંભાળી હતી અને માલધારીઓએ એક દિવસ દૂધ નહી વેચી જેઠ વદ અગિયારસ ના શુભ દિવસે ગિરનાર ફરતે દૂધની ધારા કરતા અને ગિરનાર ફરતે જનોઈ પહેરાવવા પરિક્રમા શરૂ કરી હતી, તે દરમિયાન અચાનક ચમત્કાર થયો હતો અને મુશળધાર વરસાદ શરૂ થયો હતો, અને તે પછી આજ દિન સુધી જૂનાગઢ શ્રેત્રમા દુકાળ નથી પાડયો તેથી છેલ્લા સાતેક દશકાથી આ દૂધધારા પરિક્રમા યોજાય છે.

જો કે, બીજી એક વાત એ પણ છે કે, ગિરનાર પર ચાતુર્માસ દરમિયાન દેવી, દેવતાઓ પધારી અહી વાસ કરે છે, ત્યારે તેના શુદ્ધિકરણ માટે આ દૂધધારા કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.