Abtak Media Google News
  • રૂ. 8.28 લાખનો મુદામાલ કબ્જે: જૂનાગઢ એલસીબીએ 51 ઠગાઈનો ભેદ ઉકેલ્યો
  • અભણ, વૃધ્ધો અને મહિલાઓના એટીએમમાંથી પૈસા ઉપાડવા મદદના બહાને કાર્ડ બદલી  ઠગાઈ કર્યાની કબુલાત

વૃદ્ધો, મહિલાઓ અને અભણ વ્યક્તિઓને શિકાર બનાવી, એ.ટી.એમ. કાર્ડ બદલી ચીટિંગ કરતી આંધ્રપ્રદેશની આંતરરાષ્ટ્રીય ગેંગના બે શખ્સોને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી, 52 એ.ટી.એમ. તથા ડેબિટ કાર્ડ સહિત રૂ.  8.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તથા પકડાયેલા  શખ્સોની પોલીસે ઝીણવટભરી પૂછપરછ હાથ ધરતા આ ચિટર ગેંગના સભ્યોએ જુનાગઢ, ગોંડલ, રાજકોટ, અમદાવાદ તથા ગુજરાતના અનેક સ્થળો સહિત મહારાષ્ટ્ર અને તામિલનાડુના ગામોમાં પણ હાથ અજમાવ્યો હોવાની કબૂલાત કરતાં, જૂનાગઢ પોલીસે આંધ્ર પ્રદેશની ચિટર ગેંગને પકડી પાડી 51 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

Advertisement

જૂનાગઢમાં વૃદ્ધો અને અભણ વ્યક્તિઓ ને વિશ્વાસમાં લઇ એ.ટી.એમ. કાર્ડ બદલી તેના ખાતા માંથી રૂપિયા ઉપડી જતી હોવાની ફરિયાદો સામે આવતા  જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસામ શેટ્ટી દ્વારા એલસીબીને આ ગુનાનો ભેદ ઉકેલવા સૂચના કરતા એલસીબી. પી.આઈ. ભાટી, પી.એસ.આઈ. બડવા તથા સ્ટાફ દ્વારા આ અંગે તપાસ હાથ ધરાઇ હતી. તે દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે, એટીએમ બદલી ગ્રાહકના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગના સભ્યો શહેરના ખલિપુર રોડ પરની સિદ્ધિવિનાયક સોસાયટી નજીક ઊભા છે. ત્યારે એલસીબીએ તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ પહોંચી બન્ને શખ્સોને દબોચી લીધા હતા અને તેમની પાસેથી કુલ રૂ. 8,28,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ આંતરરાજ્ય ચીટર ગેંગના આંધ્રપ્રદેશના પકડાયેલા શખ્સો અંગે જૂનાગઢના જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, આ શખ્સો ખાસ કરીને વૃદ્ધો અને અભણ માણસોને શિકાર બનાવતી હતી. અને એટીએમમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડના પીન નંબર મેળવી, એટીએમ કાર્ડની ચોરી કરી બાદમાં નાણા ઉપાડી લઇ છેતરપીંડી કરતા હતા. ત્યારે એલસીબીએ આ બન્ને શખ્સોને પકડી લીધા છે. પકડાયેલા શખ્સોમાં આંધ્ર પ્રદેશના કોકાંટી માં રહી હોટલનો વ્યવસાય કરનાર ક્રિષ્નામૂર્તિ રેડેપા નાગપ્પા શેટ્ટી તથા બીજો આરોપી કર્ણાટકમાં ડ્રાઇવિંગનો વ્યવસાય કરનાર મોહના વૈકાંટ રામન હોવાનું સામે આવ્યું છે, અને આ આરોપી પાસેથી જૂનાગઢ એલસીબીએ કુલ રૂ. 8,28,200 ની મુદ્દામાલ કબજે કર્યો છે. તથા તેમની પૂછપરછ કરતાં આ આ શખ્સોએ ગુજરાતના જૂનાગઢ, રાજકોટ, ગોંડલ, અમદાવાદ, વડોદરા, નડિયાદ, દેહાગામ, સાણંદ, બાવળા, ધોળકા, કરજણ ઉપરાંત મહારાષ્ટ્ર તથા તમિલનાડુ રાજ્યના ગામોમાંથી પણ કાર્ડ ચોરી હાથ અજમાવી 51 ગુનાઓ આચર્યા હોવાની આ શખ્સોએ કબુલાત આપી છ.

જુનાગઢ પોલીસ વડાના વધુમાં જણાવ્યા અનુસાર, પકડાયેલા આ શખ્સો પાસેથી જૂનાગઢ એલસીબીએ 1 ફોરવીલ કાર, 6 મોબાઈલ, વિડીયોગ્રાફીનો કેમેરો, સોનાના બિસ્કિટ 2, ઘડિયાળ 2, વાયફાય ડિવાઇસ, ટેબલેટ, એટીએમ તથા ડેબીટ કાર્ડ 51, પાન કાર્ડ 2, ડ્રાઇવિંગ લાઇસન્સ 3, આધારકાર્ડ 2, કબજા કર્યા છે તથા આ શખ્સોને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે હજુ વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.