Abtak Media Google News

ઈ.સ.૧૯૬૫માં વામન જયંતિના દિવસે પાકે. દ્વારકાધીશ મંદિર પર કર્યો હતો બોમ્બમારો દ્વારકાધીશે બચાવી લેતા નગરજનો વામન જયંતિએ મનાવે છે વિરાટ વિજય દિવસ.

ઈ.સ.૧૯૬૫માં પાકિસ્તાન દ્વારા વામન જયંતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રીના સમયે મેલી મુરાદથી ભીષણ બોંબમારો કરવામાં આવ્યો હતો પરંતુ સુદર્શન ચકચારી જગતપાલક શ્રી દ્વારકાધીશજીએ મંદિર તેમજ સમગ્ર નગરીનું રક્ષણ કરી સમગ્ર નગરીને બચાવી હતી ત્યારથી ભગવાનનો આભાર માનતા આ શુભદિનને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વિરાટ વિજય દિવસને આજે ૫૩ વર્ષ પૂર્ણ થતાં હોય તેની ઉજવણીરૂપ જગતમંદિરે ભગવાનના વામન સ્વરૂપની વિશિષ્ટ ઉત્સવ આરતી પણ કરવામાં આવી હતી.

દ્વારકાના પુજારી પરીવાર એવા ગુગ્ગળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવાતા આ વિરાટ વિજય દિવસે આ વખતે દ્વારકાધીશ મંદિરમાં શારદામઠના મહારાજની ઉપસ્થિતિમાં ઘ્વજાજીનું પૂજન સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું હતું. તેમજ વિષ્ણુસહસ્ત્રના પાઠ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુગ્ગળી સમાજના અગ્રણીઓ તેમજ દ્વારકાના સંતગણ તેમજ સ્થાનીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં શ્રી દ્વારકાધીશ મંદિર ઉપર ગુગ્ગળી બ્રાહ્મણ સમાજ દ્વારા નૂતન ઘ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

ગુગ્ગળી સમાજના પ્રવર્તમાન પ્રમુખ અશ્ર્વિનભાઈ પુરોહિત (ગુરુ)એ વિરાટ વિજય દિવસના ઉપલક્ષ્યમાં જણાવેલ કે ૧૯૬૫ની સાલમાં દ્વારકાના તારણહાર દ્વારકાધીશના મંદિરના નુતન શિખરે ત્યારથી જ ગુગ્ગળી સમાજ દ્વારા દર વર્ષે વામન જયંતિના દિવસે જ્ઞાતિ તરફથી રાજાધિરાજને ઘ્વજાજી ચઢાવાય છે અને ત્યારથી ઘ્વજાજી ચઢાવવાનું મહાત્મય વધતા પહેલા જયારે લગભગ દર પંદર દિવસે કે એકાદ માસે એકવાર ઘ્વજાજીનું આરોહણ કરાતું જયારે આજે દિવસમાં પાંચ-પાંચ ઘ્વજાજીનું આરોહણ થાય છે. આજે વામન જયંતિના પવિત્ર દિવસે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી દેશની અખંડિતતા તથા સુરક્ષા જળવાય તે માટે જગતમંદિરના શિખર પર નૂતન ઘ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દ્વારકાધીશ સંસ્કૃત એકેડેમીના ડાયરેકટર ડો.જયપ્રકાશ દ્વિવેદી જણાવેલ કે ૧૯૬૫ની સાલમાં પાકિસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશ મંદિરનો નાશ કરવાની મેલી મુરાદથી દ્વારકાના સમુદ્ર કિનારેથી નિરીક્ષણ કરી ગયેલ. બાદ રાત્રીના સમયે પાકિસ્તાન નેવી દ્વારા નાપાક ઈરાદા સાથે દ્વારકા ઉપર ભીષણ બોમ્બમારો કરી ૧૫૬ જેટલા બોમ્બ દ્વારકા ઉપર ફેંકવામાં આવેલ પરંતુ વામન જયંતિના એ ઉતમ દિવસે ભગવાન દ્વારકાધીશે તેની કર્મભૂમિ અને તેમની પ્રજા સમાન નગરજનોને બચાવવા દરીયાના પાણીનું સ્તર ઉંચું લાવી દીધેલ.

આથી ભરતીના સમયે કરાયેલ બોમ્બમારામાં એક પણ બોમ્બ દ્વારકામાં ન પડતા દ્વારકાથી દુર જંગલમાં જઈ પડેલ તથા એક પણ બોમ્બ ફુટયો પણ નહીં. વામન જયંતિના રોજ થયેલ આ ઘટનામાં જેમ વામન અવતારમાં ભગવાને રાજા બલીનો અહંકાર ભાંગ્યો હતો તેવી જ રીતે ભગવાન દ્વારકાધીશે પાકિસ્તાનનો અહંકાર ચકનાચૂર કરેલ. આ બોમ્બમારાના અવશેષો આજે પણ દ્વારકાની કોલેજ રોડ પર આવેલ સંસ્કૃત એકેડેમીના મ્યુઝીયમમાં મોજૂદ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.