Abtak Media Google News

શુક્રવારે સમી સાંજથી શહેરના વાતાવરણમાં પલટો: યાર્ડમાં તમામ જણસીને શેડમાં સલામત સ્થળે ખસેડી દેવાય

રાજકોટમાં આજે વહેલી સવારે વીજળીના  ડરામણા કડાકા-ભડાકા સાથે અર્ધો ઈંચ જેટલો વરસાદ  વરસી ગયો હતો. ભર ઉનાળે વાતાવરણ ટાઢુ બોળ થઈ ગયું હતુ. હજી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હજી મંગળવાર સુધી  કમોસમી વરસાદની આગાહી આપવામા આવી છે.વરસાદમાં ખેડુતોની   જણસી પલળે નહી તે માટે રાજકોટ માકેટીંગ યાર્ડમાં ખૂલ્લામાં પડેલી તમામ  જણસીને   સલામત સ્થળે એટલે કે  શેડમાં  ખસેડી દેવામાં આવી હતી. હજી ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટમાં ગઈકાલે શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં  કાળા ડિબાંગ વાદળોનો  જમાવડો જામ્યો હતો. વીજળીના કડાકા ભડાકા  વચ્ચે શહેરમાં કમોસમી વરસાદ પડયો હતો. રાજમાર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. હાલ શહેરમાં  ત્રણ સ્થળે વેકેશન મેળા ચાલી રહ્યા છે.જેમાં વરસાદના કારણે અફરા તફરી મચી જવા પામી હતી. આજે વહેલી સવારે ફરી વિજળીના ડરામણા કડાકા ભડાકા સાથે મેઘરાજાનું  આગમન થવા પામ્યુંં હતુ. વહેલી સવારે  અડધો ઈંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતુ ગઈકાલે કાળઝાળ ગરમીમાં  શેકાતા રાજકોટવાસીઓએ આજે સવારે આહલાદક ઠંડકનો અહેસાસ  કર્યો હતો. હજી અસહ્ય  બફારાનો પણ અનુભવ થઈ રહ્યો છે. મંગળવાર સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં માવઠાની  આગાહીના પગલે અગાઉથી જ વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલે  સાંજે પડેલા વરસાદ પૂર્વ જ યાર્ડમાં  ખૂલ્લામાં પડેલી તમામ  જણસીઓને સલામત સ્થળે શેડમાં ખસેડી દેવામાં આવી હતી.  વીજળીના કડાકા-ભડાકા  સાથે શુક્રવારે સાંજે પડેલા કમોસમી વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં   વીજલી ગુલ થઈ જવાની પણ ફરિયાદો ઉઠી હતી. શહેરમાં હજી ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.