Abtak Media Google News

કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપે મનાવ્યો વિજયોત્સવ: નીતિન રામાણીની જીત નિશ્ચીત: ચુંટણી માત્ર ઔપચારિકતા પુરતી

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩ની એક બેઠક માટે આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ યોજાનારી પેટાચુંટણી પૂર્વે જ કોંગ્રેસમાં ભુકંપ સર્જાઈ ગયો છે. પંજાના પ્રતિક પરથી ચુંટણી લડતા કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશી પટોરીયાએ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ પાછું ખેંચી લેતા શહેરમાં જબરો રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના ઉમેદવાર નીતિન રામાણીની જીત નિશ્ચીત થઈ જતા ભાજપે ભવ્ય વિજયોત્સવની ઉજવણી કરી હતી.

મહાપાલિકાની ચુંટણીના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે કોઈ રાજકીય પાર્ટીના સતાવાર ઉમેદવારે પક્ષે મેન્ડેટ આપ્યા બાદ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હોય આ ઘટના કોંગ્રેસ માટે જબરો અપસેટ માનવામાં આવી રહ્યું છે. વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટરપદેથી નીતિન રામાણીએ રાજીનામું આપ્યા બાદ તેઓએ ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી લીધો હતો. વોર્ડની ખાલી પડેલી એક બેઠક માટે આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ પેટાચુંટણી યોજાવાની છે. આ ચુંટણી જંગમાં ભાજપના નિતીન રામાણી અને કોંગ્રેસના નરશી પટોરીયા વચ્ચે મુખ્ય જંગ હતો. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશી પટોરીયાએ અચાનક ઉમેદવારી પત્રક પરત ખેંચી લેતા શહેરમાં જબરો રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસની હાલત કફોડી બની જવા પામી છે. હવે વોર્ડ નં.૧૩ની એક બેઠક માટેની પેટાચુંટણી માત્ર ઔપચારીકતા પુરતી જ રહી હોવાનું મનાઈ રહ્યું છે.

આ ચુંટણીમાં હવે ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ રહેશે. કોંગ્રેસના સતાવાર ઉમેદવારે ફોર્મ પત્ર પરત ખેંચી લીધું હોવાની જાણ થતાં જ ભાજપે વિજયોત્સવની ઉજવણી કરી હતી અને કાર્યાલય ખાતે ભવ્ય આતશબાજી કરી હતી. બીજી તરફ આ ઘટનાને કોંગ્રેસ માટે ખુબ જ ખરાબ માનવામાં આવી રહી છે. એક તરફ ગઈકાલે જ કોંગ્રેસના ડમી ઉમેદવાર યોગીન છનીયારાએ પંજાનો સાથ છોડી કેશરીયો ખેસ ધારણ કરી લીધો હતો અને આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે મેન્ડેટ આપેલા સતાવાર ઉમેદવાર નરશી પટોરીયાએ ફોર્મ પરત ખેંચી લેતા જબરો અપસેટ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.