Abtak Media Google News

બાગી જૂથને પ્રમુખ પદ આપવા સહિતની બાંહેધરી આપીને મનાવવામાં આવ્યું’તુ: શરતોનું પાલન ન થતાં બાગી જૂથ લડી લેવાના મુડમાં: પૈસાની લેતી-દેતી પણ છતાં પરિવર્તનનું કારણ બનશે

દિવાળી બાદ અસંતુષ્ટોનું જૂથ સામાન્ય સભામાં ફટાકડા ફોડે તેવી સંભાવનાઓ

જિલ્લા પંચાયતમાં સમાધાનની શરતોનું પાલન થતાં વિવાદ વકરીને ચરમસીમાએ પહોંચી ગયો છે. બાગી જૂથને પ્રમુખપદ આપવા સહિતની બાંહેધરી આપીને મનાવવામાં આવ્યું હતું. પરંતુ શરતોનું પાલન ન થતાં બાગી જૂથ લડી લેવાના મુડમાં હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત ગાંધીનગરમાં જિલ્લા પંચાયતને સુપરસીડ કરવાનો તખ્તો પણ ઘડાઈ રહ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યાં છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં એક સમયે ૩૪ સભ્યોની તોતીંગ બહુમતિ ધરાવતા શાસનને ચલીત કરવામાં ભાજપે સફળતા મેળવી હતી. બાદમાં મુળ કોંગ્રેસના એવા બાગી સભ્યો તેમજ કોંગ્રેસના વફાદાર સભ્યો વચ્ચેની સત્તાની સાઠમારીને કારણે કોંગ્રેસના શાસન પર ભંગાણો પડી રહ્યાં છે. મળતી માહિતી મુજબ અગાઉ બાગી જૂથને પક્ષ દ્વારા રોકડ રકમ સાથે પ્રમુખપદની પણ ઓફર કરવામાં આવી હતી. જેમાં રોકડ રકમનો એક કટકો તેમજ પ્રમુખપદ ન મળતા બાગી જૂથ મેદાને આવ્યું છે. બાંહેધરી અપાયા બાદ તેને નેવે મુકીને તે પ્રમાણે રોકડ તેમજ સત્તા આપવામાં ન આવતા બાગી જૂથ શાસન ઉથલાવવાના પ્રયાસો કરી રહ્યું છે.

આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા પંચાયતની દિવાળી બાદની સામાન્ય સભામાં અસંતુષ્ટ જૂથ ફટાકડા ફોડે તેવી સંભાવનાઓ દર્શાઈ રહી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં રાજકોટ જિલ્લા પંચાયતને સુપરસીડ કરવાનો તખ્તો ઘડાઈ ચૂકયો છે. દિવાળી બાદ રાજકોટ જિલ્લા પંચાયત ગમે ત્યારે સુપરસીડ થાય તેવી શકયતાઓ દર્શાઈ રહી છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં અગાઉ પણ શાસન ઉથલ-પાથલ થવાના આરે હતુ પરંતુ કોંગ્રેસના વફાદાર ગણાતા એવા પૂર્વ કારોબારી ચેરમેને પોતાની સુઝબુઝથી તેમજ સાથી વફાદાર સભ્યોના સહકારથી કોંગ્રેસના શાસનને બચાવી લીધુ હતું .

પરંતુ હવે ફરી પાછુ જિલ્લા પંચાયતના અસંતુષ્ટ સભ્યોનું જૂથ સક્રિય થઈને માથુ ઉંચકી રહ્યું છે. ત્યારે વધુમાં ગાંધીનગરથી પણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને તોડી પાડવાનો તખ્તો ઘડાઈ ચૂકયો છે તેવામાં દિવાળી પછી નવા-જૂની થાય તેવા સંકેતો દર્શાઈ રહ્યા હોવાનું જાણકારો કહી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.