Abtak Media Google News
  • ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના વરિષ્ઠ નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો : 29 સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ

ચૂંટણી પંચ દ્વારા ભાજપ અને કોંગ્રેસ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનોને લઈને ચૂંટણી પંચે નોટિસ મોકલી છે. બંને પક્ષો પાસેથી 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે.

Advertisement

ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ બંને પક્ષોના અધ્યક્ષને જવાબ આપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો હતો અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.

આ મામલે ચૂંટણી પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે.

ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશએ કહ્યું કે અમે પંચને ફરિયાદ કરી હતી. ભાજપ જે રીતે ધર્મનો ઉપયોગ કરી રહી છે અથવા તો તેનો દુરુપયોગ કરી રહી છે. જે એકદમ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડાની રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો લોકોની મિલકતો લઈ લેવામાં આવશે અને વધુ બાળકો અને ઘૂસણખોરો ધરાવતા લોકોમાં વહેંચી દેવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે સરકાર બન્યા બાદ માતા-બહેનોના સોનાની ગણતરી કરીશું, તેની જાણકારી લઈને પછી તેનું વિતરણ કરીશું. વડપ્રધાન મોદીની આ નિવેદનને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.

તો બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની રેલીઓમાં ભાષા અને શબ્દોના ઉપયોગને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ ભાષાના આધારે તમિલનાડુમાં લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી તેમના ભાષણોમાં ભાષાના આધારે ઉત્તર અને દક્ષિણ ભારતને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે પોતાની લેખિત ફરિયાદમાં રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.