Abtak Media Google News

એક તરફ કોરોનાએ દેશભરમાં કાળો આતંક મચાવ્યો છે. કેસ વધતા દિનપ્રતિદિન દર્દીઓના મોત પણ વધી જઈ રહ્યા છે. તો બીજી તરફ આવા કપરાકાળમાં પશ્ચિમ બંગાળ, અસમ સહિત દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. તો આ અગાઉ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. ચુંટણી પત્યા બાદ આવા રાજ્યોમાં કરોનાના કેસ ફરી ઝડપભેર વધતા જઈ રહ્યા છે. આ માટે ચૂંટણીપંચ જ જવાબદાર હોવાનું તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટે નોંધ્યું હતું અને દર્દીઓના થઈ રહેલા મોત પાછળ કેન્દ્રીય ચૂંટણીપંચ પર હત્યાનો ગુનો દાખલ થવો જોઇએ તેમ આકરી ટીકા કરી હતી. મદ્રાસ હાઈકોર્ટ બાદ હવે અલ્હાબાદ હાઇકોર્ટે ચૂંટણી પંચને શો કોઝ નોટિસ ફટકારી છે.

ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ચૂંટણી ફરજ સ્ટાફના 135  જેટલા કર્મચારીઓના કોરોનાને કારણે નિધન થયા છે. તો આ માટે જવાબદાર કોણ ?? પ્રશ્ન કરી અલ્હાબાદ હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી પંચને કારણ દર્શાવવા નોટિસ ફટકારી છે. ન્યાયાધીશ સિદ્ધાર્થ વર્મા અને અજીત કુમારની ખંડપીઠે સુનાવણી કરતા કહ્યું કે ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓના જીવ બચાવવામાં પોલીસ કે ચૂંટણી પંચે કંઈ કર્યું નથી. ચૂંટણી કર્મચારીઓ સંક્રમણથી બચે તે માટે આ લોકોએ કોઈ પગલા લીધા નથી. covid-19 પ્રોટોકોલનું પાલન કરાવવામાં ઈલેક્શન કમિશન સદંતર નિષ્ફળ નિવડયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.