Abtak Media Google News

ભારતની એબેલોન કલીન એનર્જી પ્રા.લી. અને બેલ્જીયમની કેપલ્સ સેબર્સનાં જોઈન્ટ વેન્ચર અને કોર્પોરેશન વચ્ચે કરાર: રોજ શહેરમાંથી નિકળતા ૫૦૦ ટન ઉપરાંત નાકરાવાડી ફિલ્ટર પ્લાન્ટે પડેલા કચરા પૈકી ૧૦૦ ટન કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ દોઢ વર્ષમાં ધમધમવા લાગશે: મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીની જાહેરાત

Advertisement

૨૦૦ કરોડનાં પ્રોજેકટમાં કોર્પોરેશને એક રૂપિયો પણ ખર્ચવો નહીં પડે માત્ર ૧૫ એકર જમીન પ્લાન્ટ સ્થાપવા અપાઈ: કચરો પ્લાન્ટ સુધી પહોંચતો કરવાનો રહેશે: પદાધિકારીઓનાં સિંગાપુર પ્રવાસનાં સફળ પરિણામો

શહેરનાં ૧૮ વોર્ડમાંથી દૈનિક સફાઈ કામગીરી અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન અંતર્ગત નિકળતા ૫૦૦ ટન કચરા ઉપરાંત નાકરાવાડી ખાતે છેલ્લા ૭ વર્ષમાં જમા થયેલા ૩ લાખ ટન કચરામાંથી આગામી દિવસોમાં વિજળી ઉત્પન્ન કરવામાં આવશે. ૨૦૦ કરોડનાં આ મહાકાય પ્રોજેકટ માટે મહાપાલિકા અને એબેલોન કલિન એનર્જી પ્રા.લી તથા કેપલ્સ સેબર્સનાં જોઈન્ટ વેન્ચર વચ્ચે કરાર થયા છે. આગામી દોઢ વર્ષમાં આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે. કચરાનો નિકાલ કેવી રીતે કરવો તે ચિંતા ૫૦ વર્ષ સુધી ટળી જશે.

આ અંગે વધુ માહિતી આપતાં મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાંથી રોજ નિકળતાં ધન કચરાનાં નિકાલ માટે વેસ્ટ ટુ એનર્જીનું કામ ઈન્ડિયાની એબેલોન કલિન એનર્જી પ્રા.લી અને બેલ્જીયમની કેપલ્સ સેબર્સનાં જોઇન્ટ વેન્ચરને આપવા માટે તત્કાલિન સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલનાં કાર્યકાળ દરમિયાન ચેરમેન ઉપરાંત વર્તમાન ચેરમેન ઉદયભાઈ કાનગડ, કશ્યપભાઈ શુકલ, મ્યુનિસિપલ કમિશનર ડીએમસી અને ડે.ઈજનેર અંબેશ દવે સહિતની ૬ સભ્યોની ટીમ સિંગાપુરનાં પ્રવાસે ગઈ હતી. જેને સફળતા સાંપડી છે. વેસ્ટ એનર્જીનાં કામ માટે ૨૦૦ કરોડનાં પ્રોજેકટ માટે તાજેતરમાં કોર્પોરેશન અને ઉકત એજન્સી સાથે લેન્ડ કરાર થયા છે. નાકરાવાડી ખાતે આ પ્લાન્ટ માટે કંપનીને ૧૫ એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ જગ્યાની સોંપણી કરી દેવામાં આવી છે અને કંપની દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટુંક સમયમાં પ્રોજેકટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ શહેરનાં ૧૮ વોર્ડમાં દૈનિક સફાઇ અંતર્ગત ૫૦૦ ટન જેટલો ફ્રેસ કચરો નિકળે છે. આ ઉપરાંત ગત ડિસેમ્બર-૨૦૧૩થી નાકરાવાડી લેન્ડ ફિલ્ડ સાઈટ ખાતે કચરાનાં નિકાલની વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ હોવાનાં કારણે અહીં અઢીથી ત્રણ લાખ જેટલા કચરાનો ભરાવો થઈ ગયો છે. વેસ્ટ ટુ એનર્જીનાં કામ અંતર્ગત રોજ ૬૦૦ ટન કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવામાં આવશે. જેમાં કંપની રોજ ૭.૫૦ મેગાવોટથી લઈ ૧૪ મેગાવોટ સુધી વિજળીનું ઉત્પાદન કરશે અને આ વિજળી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ને પ્રતિ યુનિટ રૂા.૭.૦૧માં વહેંચશે. ૨૦૦ કરોડનાં આ પ્રોજેકટ સંપૂર્ણપણે પીપીપીનાં ધોરણે સાકાર કરવામાં આવશે. જેમાં મહાપાલિકા દ્વારા એબેલોન કલીન પ્રા.લી અને કેપલ્સ સેબર્સનાં જોઈન્ટ વેન્ચરને નાકરાવાડી ખાતે ૧૫ એકર જમીન આપવામાં આવશે અને શહેરમાંથી નિકળતો ૫૦૦ ટન કચરો રોજ પ્લાન્ટ ખાતે પહોંચતો કરવાનો રહેશે. આ કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવા ઉપરાંત ખાતર પણ બનાવવામાં આવશે  અને જે રાખ નિકળશે તેમાંથી ફલાય એસ પણ બનાવવામાં આવશે. કામ શરૂ થયા બાદ દોઢ વર્ષમાં પ્લાન્ટ ઉભો થઈ જશે અને વિજળી ઉત્પન્ન થવા લાગશે. હાલ આ કંપની દ્વારા જામનગર અને અમદાવાદમાં પ્લાન્ટ નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ સાથે ૨૫ વર્ષનો કોન્ટ્રાકટ સાઈન કરવામાં આવ્યો છે છતાં શહેરમાંથી નિકળતા કચરાનાં નિકાલ કઈ રીતે કરવો તેની સમસ્યા આગામી ૫૦ વર્ષ સુધી રહેશે નહીં તેવી આશા પણ પદાધિકારીઓએ વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.