Abtak Media Google News

જામનગર ખાતે આયોજીત ભાગવત સપ્તાહમાં અનેક શ્રેષ્ઠીઓ રહેશે ઉપસ્થિત

રાજકોટ શહેરના જાણીતા ઉદ્યોગપતિ એન્જલ પંપના સ્થાપક અને શહેરની અને સેવા સંસ્થાઓમાં અનેરૂં યોગદાન આપનાર શિવલાલભાઈ આદ્રોજા અને શ્રીમતી રેવાબેન આદ્રોજા પરિવાર દ્વારા કાલથી 30 ડિસે. સુધી જામનગર ખાતે બાયપાસ રોડ ઉપર આવેલ 300 વર્ષ જૂની સુપ્રસિદ્ધ સેવા સંસ્થા- ધોરીવાવ સંસ્થા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય, દિવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાસપીઠ પર પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પરમ શ્યામભાઈ ઠાકર બિરાજમાન થઈ પોતાની દિવ્ય અને અમૃતવાણી થકી ભાગવત કથાનું રસપાન કરાવશે. આ અંગે માહિતી આપતા આદ્રોજા પરિવારના અશ્ર્વિનભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા અને જીગ્નેશભાઈ આદ્રોજાએ જણાવ્યું છે કે અમારા આંગણે યોજાનાર આ ધાર્મિક કાર્યક્રમની તૈયારીઓ પુરજોશથી ચાલી રહી છે. આ ભાગવત સપ્તાહમાં 40 * 60નું ભવ્ય અને કલાત્મક સ્ટેજ ઉભું કરવામાં આવ્યું છે.

Advertisement

સપ્તાહમાં અલગ અલગ દેવી-દેવતાઓના દર્શન પણ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત 90 * 225 નું ભવ્ય ડોમ રાસ લીલા ઉપરાંત ગોકુળિયું ગામ પણ ઉભું કરવામાં આવેલ છે. સમગ્ર કથા દરમિયાન સામાજિક, રાજકીય અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ જોડાવાના છે. બહારગામથી આવનાર તમામ મહેમાનો માટે ઉતારા સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પ્રતિદિન 1000 થી પણ વધુ લોકો આ કથા શ્રવણ કરશે એવો અમારો પ્રાથમિક અંદાજ છે. આ સમગ્ર કથા દરમિયાન કથાના શુભ સ્થળ આણદાબાવા સેવા સંસ્થાના ગાદીપતિ મહંત દેવપ્રસાદજી મહારાજ ( પૂ. બાપુશ્રી )નું સાનિધ્ય રહેશે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે કાલે કથાનો પ્રારંભ થશે.

કથાના પ્રારંભે ભવ્ય પોથી યાત્રા નીકળશે. જેમાં ઢોલ-નગારા-બેન્ડ-બાજા-રથ સહિતની જાજરમાન વ્યવસ્થા કરવામાં આવેલ છે. દરરોજ જુદા-જુદા ભવ્ય કાર્યક્રમો કે જેમાં શ્રીનાથજીની ઝાંખી-કસુંબો ડાયરો-દાંડિયા રાસ-સત્યનારાયણ ભગવાનની કથા-સાંઇરામ દવેનો હાસ્ય દરબાર યોજાશે. આ ઉપરાંત ઠાકોરજીના ચરણોમાં 108 પ્રસાદ (અન્નકૂટ)નો ભોગ પણ ધરવામાં આવશે. કાલથી શરૂ થનાર આ કથામાં આણદાબાવા સેવા સંસ્થાના ગાદીપતિ કે જેમણે દેશ-વિદેશમાં પોતાની વિદ્વતાથી હજારો અનુયાયીઓનું નિર્માણ કર્યું છે અને જેમની નિગરાનીમાં 35થી વધુ સંસ્થાઓ દ્વારા સેવા પ્રવૃતિઓ ધમધમે છે એવા મહંત દેવપ્રસાદજી મહારાજની જ્ઞાન-તુલાનો કાર્યક્રમ પણ રાખેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.