Abtak Media Google News

ઉપાધિમાં સમાધિ

જ્ઞાનીપુરુષોનું જીવન બાહ્ય અને અભ્યંતર એમ બે ભેદે વહેંચાયેલું હોય છે. બાહ્ય જીવન પૂર્વપ્રારબ્ધાધીન, પરવશ અને અશાશ્ર્વત હોવાથી વ્યકિતભેદે અનેક ભેદવાળુ હોય છે, જયારે વિભિન્ન સ્વાંગોમાં છુપાયેલું સદા સ્વાધીન, શાશ્ર્વતપણે પ્રકાશતું અભ્યંતર જીવન એકસરખું હોવાથી અભેદ હોય છે. પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાનના કારણે જ્ઞાનીને ‘આત્મપરિણામની સ્વસ્થતા’ ‚પ સમાધિ નિરંતર વર્તે છે, છતાં તેઓ પણ પ્રારબ્ધ ભોગવ્યા વિના નિવૃત થઈ શકતા નથી. તે પ્રારબ્ધ તેમને માત્ર નિવૃતિ‚પે જ હોય એવો કોઈ નિયમ નથી. કયારેક તે પ્રવૃતિ‚પે પણ હોય છે. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદયમાં આવે, તે તે ઉદયપ્રસંગમાં દ્રષ્ટાભાવે વર્તવું એ જ્ઞાનીઓનું સનાતન આચરણ હોય છે અને એ જ પ્રમાણેનું આચરણ શ્રીમદ્ના જીવનમાં જોવા મળે છે.

Advertisement

વિ.સં.૧૯૪૭ થી વિ.સં.૧૯૫૧ દરમ્યાન શ્રીમદ્ને જબરદસ્ત વિપરીત કર્મોદય પ્રાપ્ત થયો હતો. પૂર્વકર્મના ઉદયે તેમને વ્યવસાય‚પ ઉપાધિયોગ પ્રબળપણે હતો. બાહ્ય ઉપાધિના કારણે ઉપયોગ બહાર પ્રવર્તાવવો પડતો હતો, તેથી તે ઉપાધિયોગ આત્મસ્થિરતામાં અંતરાયભૂત થતો હતો. તે છતાં અનેક વ્યાવસાયિક ઉપાધિઓની વચ્ચે પણ અલૌકિક સ્વ‚પજાગૃતિના અવલંબને શ્રીમદ્ નિરંતર સમાધિભાવમાં રહેતા હતા. ગૃહ સંબંધી અને વ્યાપાર સંબંધી વિવિધ ઉપાધિઓના યોગમાં, મુંબઈ જેવા મોહોત્પાદક ક્ષેત્રમાં મુખ્યપણે નિવાસ હોય ત્યાં પણ સતત સત્પુરુષાર્થથી, અંતરંગ સાધનાના બળ વડે જીવ આધ્યાત્મિકતાની અવશ્ય વૃદ્ધિ કરી શકે છે – આવો બળવાન બોધ શ્રીમદ્ના જીવનના આ મહત્વપૂર્ણ તબકકાના અવલોકનથી મળે છે. તે સમયના પત્રો તથા અન્ય લખાણો શ્રીમદ્ની અભ્યંતરદશાનું સ્પષ્ટ દર્શન કરાવે છે.

શ્રીમદ્ને વિ.સં.૧૯૪૭માં શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થઈ, અર્થાત્ આત્મા સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધ થયો. દેહથી ભિન્ન એવા આત્માનો નિર્વિકલ્પ નિશ્ર્ચય થયો અને યોગથી ઉપયોગ છુટો થઈ આત્મામાં સમાઈ ગયો. આત્માનુભવ થતા સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવમાં આવ્યો. આનંદના દરિયામાં આત્મા મગ્ન થયો. અંતરમાં આત્માશાંતિનું અદ્ભુત, અપૂર્વ, અચિંત્ય વેદન થયું. સ્વ-પરના વિવેકપૂર્વકનું ભેદજ્ઞાન નિરંતર વર્તવા લાગ્યું. શુદ્ધ આત્મતત્વમાં એકત્વબુદ્ધિ‚પ પ્રતીતિ સતત વર્તવા માંડી. મન-વચન-કાયાના યોગથી ભિન્ન આત્માને જાણતા અને તેમાં સ્થિર થતા શ્રીમદ્ સાક્ષાત્ જીવન્મુકતદશા અનુભવી રહ્યા હતા. પોતાના પરમાર્થસખા શ્રીસૌભાગ્યભાઈને પોતાની વિદેહી અંતરદશા વર્ણવતાં આ જ વર્ષ (વિ.સં.૧૯૪૭)ના અષાઢ માસમાં મુંબઈથી શ્રીમદ્ લખે છે –

‘એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપતિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી, જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી, કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી, અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.’

સંસાર વ્યવહાર ચલાવતા શ્રીમદ્ કેટલી અસંગતા પ્રાપ્ત કરી શકયા હતા તે ઉપરનાં વચનોથી જાણી શકાય છે. આવી અસંગ આત્મસ્થિતિમાં બેઠેલા શ્રીમદ્ દેહથી પણ ઉદાસીન થઈ ગયા હતા, તે એટલે સુધી કે દેહનું અસ્તિત્વ છે કે કેમ તેનું પણ વિસ્મરણ થઈ જતું હતું. આ ઉપરથી શ્રીમદ્ની અલૌકિક આત્મમસ્તી કેવી હશે તેનો કંઈક અંશે ખ્યાલ આવે છે.

આમ, વિ.સં.૧૯૪૭માં શુદ્ધ સમકિત પ્રકાશ્યું ત્યારથી શ્રીમદ્ની આત્મદશા તીવ્ર વેગથી ઉતરોતર વધતી જતી હતી. અંતરંગ વૈરાગ્યમાં અત્યંત વધારો થયો હોવાથી, સર્વસંગપરિત્યાગ કરી, બાહ્યાંતર નિર્ગ્રંથ થવાની તેમની ભાવના તીવ્ર થવા માંડી હતી. ત્યાં તેમના પૂર્વબદ્ધ કર્મોએ નવું સ્વ‚પ પકડયું. જેમ જેમ આત્મદશા વધતી ગઈ, તેમ તેમ બાહ્ય જીવનમાં વ્યવહારની ઉપાધિ પણ વધતી ગઈ. શ્રીમદ્ જેમ જેમ તેનાથી છુટવાનો પ્રયત્ન કરતા હતા, તેમ તેમ તે ઉપાધિયોગ વધતો જતો હતો, અંશ પણ ઘટતો ન હતો. શ્રીમદે સ્વયં પોતાના આત્મવૃત્તાં‚પ કાવ્યમાં તેનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે –

‘ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે,જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે’.

અગાઉ જણાવ્યું તેમ કૌટુંબિક સંજોગાદિના કારણે પરેચ્છાથી શ્રીમદ્ને વ્યાપાર વ્યવહારમાં ઝંપલાવવું પડયું હતું. તેમણે પોતે જ શ્રી રેવાશંકરભાઈને વ્યાપારની પ્રેરણા કરી હતી અને તેમની સાથે ભાગીદારમાં જોડાઈ રેવાશંકર જગજીવનની કમિશન એજન્સી સ્થાપી હતી. તે વખતે શ્રીમદ્ની ધારણા એવી હતી કે પોતે જેમ બને તેમ ત્વરાથી આ વ્યવહાર પ્રવૃતિથી નિવૃત થઈ, સર્વસંગપરિત્યાગ કરીને પરમાર્થમાર્ગનો ઉદ્ધાર કરી શકશે. પરંતુ વિ.સં.૧૯૪૮ થી આ ઉપાધિયોગ તીવ્ર બન્યો. એ વર્ષમાં તેમની પેઢીનો વેપાર વધ્યો હોવાથી તેમાં વિશેષ સમય પસાર થઈ જતો. આ વર્ષના શ્રીમદ્ના પત્રોમાં આ ઉપાધિયોગના બળવાનપણાનો ઉલ્લેખ વારંવાર આવે છે. વ્યાવહારિક રીતે જોઈએ તો તેમની મુશ્કેલીઓ એવી કઠિન ન હતી કે જેથી તેમને કોઈ સાંસારિક દુ:ખ વેઠવું પડે. વળી, તે ઉપાધિયોગથી તેમનો આત્મા કલેશિત થતો હોય તેવું પણ ન હતું. તે ઉપાધિયોગ દરમ્યાન પણ તેઓ પોતાની અંતરંગ શ્રૈણી તો જાળવી જ શકયા હતા. માત્ર પોતે ઈચ્છેલો સર્વસંગપરિત્યાગ તેઓ કરી શકયા ન હતા અને તે જ સૌથી મોટો અવરોધ હતો. આમ, તેમની સાચી ઉપાધિ એ જ હતી કે તેમની નિવૃતિ લેવાની ભાવના જેમ જેમ વધતી હતી, તેમ તેમ િનવૃતિ તેમનાથી દૂર ભાગતી હતી. આ ઈચ્છા વિરુઘ્ધ કરવુ પડતું પ્રવર્તન તે જ તેમની સૌથી મોટી ઉપાધિ હતી. તેઓ લખે છે –

‘ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃતિના જોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારેબાજુથી ઉપાધિનો ભીડો છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતા કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત યોગ્ય છે, પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.