Abtak Media Google News

વાત છે અમદાવાદના એક સામાન્ય પરિવારની. જેના સભ્યો હતા પતિ-પત્ની, એક દીકરો અને બે દીકરીઓ. એક દિવસ બંને દીકરીઓ પિતા સાથે મેળામાં ગઈ. કિચેઈનની દુકાન પાસે બંને બહેનો અટકી. 150 રૂપિયાનું કિચેઈન નામ લખાવીને લેવાની ઈચ્છા થઈ. પિતાએ કહ્યું, ‘તમારો ભાઈ બીમાર છે. હોસ્પિટલમાં છે. આપણી સ્થિતિ પણ સામાન્ય છે. અત્યારે આ ખર્ચો ન કરીએ તો સારું.’ બંને બહેનો ઘરે આવી. પિતા દવાખાને દીકરાની ખબર જોવા ગયા. બંને બહેનોએ સૂટકેસમાં કપડાં ભરી ઘર છોડયું અને એક ચિઠ્ઠી લખતા ગયા કે, ‘અમારી ઈચ્છા પ્રમાણેનો આટલો અધિકાર પણ નહીં ?’

એક પરિવારમાં દીકરાએ સાઈકલ લાવી આપવાની જીદ કરી. પિતાનો પગાર ટાંચો. દીકરાને સમજાવવા પ્રયત્ન થયો પણ વ્યર્થ. સૌની ગેરહાજરીમાં દીકરાએ શરીર ઉપર કેરોસીન છાંટી આપઘાતનો પ્રયત્ન કર્યો.

2001, નેપાલનો રાજકુમાર દીપેન્દ્ર. મનપસંદ ક્ધયા સાથે લગ્ન કરવાની હઠ લીધી. રાજમાતાની સખત નામંજૂરી હતી. દીપેન્દ્રના પ્રસ્તાવ ઉપર ઘરમાં ઝઘડો થયો. દીપેન્દ્રએ સિક્યોરીટી ગાર્ડની સબમશીનગન લઈ માતા-પિતા, ભાઈઓ સહિત આઠની હત્યા કરી. પોતે પણ લમણામાં ગોળી મારી અને છેલ્લો શ્વાસ લીધો.

ઉપરોક્ત પ્રસંગોમાં પ્રશ્ર્નોનું કારણ સામાન્ય છે, પણ પરિણામ અસામાન્ય છે, ગંભીર છે. સામાન્ય ‘કિચેઈન’જેવી બાબતમાં ઘરનો ત્યાગ ! 4-5 હજારની ‘સાયકલ’માટે અમૂલ્ય માનવ શરીર ઉપર અગ્નિ સ્નાન ! એક મનપસંદ પાત્ર માટે માતા-પિતા સહિત આખા પરિવારની હત્યા ! આવી જ કાંઈક નાની-મોટી ઘટના આપણા જીવનમાં પણ બની હશે કે બનતી રહેતી હશે. અને શક્ય છે કે આવા સમયે ક્યારેક આપણા વિચાર વંટોળે ઉપરોક્ત અંજામે પહોંચવા સુધીનો વળાંક લેવાનો પ્રયત્ન પણ કર્યો હશે. પણ જરા અટકીએ, વિચારીએ. જીવનની આવી સંવેદનશીલ પળોમાં લીધેલા આવા ઘાતક નિર્ણયોથી આપણે પ્રશ્નોેને ઉકેલતા નથી, પરંતુ વધારે ઉશ્કરીએ છીએ. જરૂર છે એક સ્થિર ઉપાયની અને એ ‘સહનશીલતા’. જેની આપણા સમજામાં આજે અછત ઊભી થઈ છે.

અમદાવાદની ફેમિલી કોર્ટના પૂર્વ ન્યાયાધીશ શ્રી બી.ડી. સોની સાહેબ 25 થી વધુ વર્ષના પોતાના અનુભવનું તારણ જણાવતા કહે છે કે, ‘પરિવારમાં ઊભી થયેલી તિરાડો અને પરિવારો વિખૂટા પડવાનું કારણ છે સહનશક્તિ અને સમજશક્તિનો અભાવ.’ સદીના સૌથી નામાંકિત વ્યક્તિઓમાંના એક એવા જર્મન વૈજ્ઞાનિક અને નોબલ પ્રાઇઝ વિજેતા આલ્બર્ટ આઈન્સ્ટાઈન જણાવે છે કે, ’સહનશીલતા એ સંસ્કારીતાની અને સભ્યતાની સાચી પારાશીશી છે.’ વ્યક્તિના પોતાના શારીરિક, આર્થિક, પારિવારીક કે સામાજીક પ્રશ્નોમાં તેણે કેળવેલી સહનશક્તિથી તેના સંસ્કાર અને સજ્જનતાની કિંમત અંકાય છે. સામાન્ય રીતે માણસો સહન તો કરે છે.

પણ તે ગરજ, લાચારી કે મજબૂરીથી. અથવા તો ક્યારેક વ્યક્તિગત સ્વાર્થ માટે. પરંતુ, મહાન પુરુષો એક ચોક્કસ સમજણ સાથે સહન કરતા હોય છે, તેમનામાં આ ગુણ કાયમી હોય છે અને તેથી જ તેઓ સહનશીલતામાં શિરમોડ સ્થાને બેઠા હોય છે. એકવાર ભગવાન બુદ્ધને એક વ્યક્તિએ ગેરસમજણથી ખૂબ ગાળો દીધી. બુદ્ધ સ્થિર હતા. શિષ્ય આનંદે પૂછ્યું, ’તમને કાંઈ ન થયું ?’ ત્યારે બુદ્ધ કહે, ’એની દુકાનમાં જે હોય તે વેંચે. આપણે ક્યાં ખરીદવા જવું છે ? જાહેરાત બધા કરે. આપણે શું ચિંતા ?’.

બોક્સિંગની રમતના જાણકારો કહે છે કે, ’આ રમતમાં તમારા મુક્કામાં કેટલું જોર છે તે કરતાં તમે કેટલા મુક્કા સતત સહન કરીને રમતમાં ઝઝૂમો છો તે વધારે અગત્યનું છે.’ મુશ્કેલીઓ કે મુસીબતોના મુક્કા સામે સમજણ સાથેની સહનશીલતા જ આપણને લડતા ઝઝૂમતા શીખવે છે, જે મહાન સંતોના જીવનમાં જોવા મળે છે. જેમણે ટાઢ-તડકો, ભૂખ-તરસ, સગવડ-અગવડના વિચાર વિના સમાજના નૈતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે અવિરત વિચરણ પાછળ પોતાના જીવનના 91 વર્ષો ગાળ્યા, તેવા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને એકવાર ખભો સખત દુ:ખતો હતો.

સંતોએ પૂછ્યું કે, ‘આ સહન કઈ રીતે થાય છે ?’ ત્યારે તેઓની શિરમોડ સહનશીલતા પાછળની ઊંચી સમજણનો સૌને પરિચય થયો. તેઓએ જણાવ્યું કે, ’રડવાથી દુ:ખ ઓછું ન થાય. બીજાને કહેતા ફરીએ એમાં બમણું થાય. પોતાને તો દુ:ખ હોય પણ સાંભળનારને પણ દુ:ખ થાય. માટે શાંતિથી સહન કરવું. બોલ-બોલ કરવાથી દુ:ખ વધે. અવસ્થા થઈ એટલે આવું રહેવાનું જ. ભગવાનની ઇચ્છા સમજીને રાજી રહેવાનું. આ સમજણ રાખીએ તો વાંધો આવે નહીં.’

હા, જો આપણે મહાન પુરુષોના દર્શાવેલા આ માર્ગે પ્રયાણ કરીશું તો ચોક્કસ જીવનના સામાન્ય કે અસામાન્ય દરેક પ્રશ્નોમાં સ્થિર રહી શકીશું, ગંભીર અને વણજોઈતા પરિણામોમાંથી બાકાત રહી શકીશું.

તો ચાલો, આપણે પણ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વે મહાપુરુષોનો આ કાયમી ગુણ આપણાં જીવનમાં સ્થિર કરીએ અને દરેક સંજોગોમાં સ્થિર રહીએ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.