મહિલા ક્રિકેટમાં ઇંગ્લેન્ડની ધમાકેદાર બેટિંગ: છેલ્લા સેશનમાં પિચ ટર્ન લેતા મેચ રસપ્રદ બનશે!!

ભારત-ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે ટેસ્ટમેચનો પ્રારંભ થઇ ચુક્યો છે. બન્ને ટીમો વચ્ચેનો આ મુકાબલો કાઉન્ટી ગ્રાઉન્ડ બ્રિસ્ટલમાં રમાઇ રહ્યો છે. મિતાલી રાજની આગેવાનીવાળી ભારતીય મહિલા ટીમ છેલ્લા ઘણા દિવસોથી ટેસ્ટ મેચની જોરદાર તૈયારી કરી રહી હતી. ભારતીય મહિલા ટીમ અંદાજે સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ રમી રહી છે. બીજી બાજુ ઈંગ્લેન્ડની મહિલા ટીમ નિયમિત રીતે ટેસ્ટ મેચ રમતી આવી છે.

ઇંગ્લેન્ડનો સ્કોર ૩૦૦+ થાય તો ભરસ્ત માટે ‘કસોટી’ સમાન સાબિત થશે!!

આમ તો ભારતીય મહિલા ટીમ ૧૯૭૬થી ટેસ્ટ મેચ રમી રહી છે પરંતુ તેનું દૂર્ભાગ્ય છે કે ટીમને સતત ટેસ્ટ મેચ રમવાની તક મળી નથી. જ્યાં સુધી ભારત અને ઈંગ્લેન્ડ મહિલા ટીમની વાત છે તો આ બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ૧૩ ટેસ્ટ મેચ રમાયા છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતની મહિલા ટીમ ઈંગ્લેન્ડ ઉપર હાવિ રહી છે. બન્ને ટીમો વચ્ચે રમાયેલા ૧૩ ટેસ્ટ મેચમાંથી ટીમ ઈન્ડિયાએ બે મુકાબલા જીત્યા છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમને એક મુકાબલામાં જીત મળી છે તો ૧૦ ટેસ્ટ ડ્રો રહેવા પામ્યા હતા.

ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શરૂઆતી તબક્કામાં ઇંગ્લેન્ડની ટીમેં ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ઇંગ્લેન્ડની કેપ્ટન નાઈટે ૯૫ રનની ઇનિંગ રમી હતી જયારે ઓપનર બ્યુમોન્ટે ૬૬ રનની ઇનિંગ રમીને ઇંગ્લેન્ડને એક મજબૂત શરૂઆત આપી હતી. ઇંગ્લેન્ડની ટીમે ૨૩૦ રનના સ્કોર સુધીમાં ફક્ત ૨ વિકેટ જ ગુમાવી હતી પરંતુ છેલ્લા સેશન્સ દરમિયાન પિચ ટર્ન લેતા ૨૩૦ રન સુધી ફક્ત બે વિકેટ ગુમાવનારા ટીમ ઇંગ્લેન્ડે ફક્ત ૨૯ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી.

મેચના શરૂઆતી તબક્કામાં ટીમ ઇન્ડિયાના બોલેરો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ૨૩૦ રન સુધી ફક્ત ઇંગ્લેન્ડની બે જ વિકેટો ચટકાવી શક્યા હતા તે બાદ છેલ્લા સેશનમાં પિચ ટર્ન લેતા બોલર્સ માટે એક્સ ફેક્ટર સાબિત થયું હતું અને ૨૯ રનમાં ચાર વિકેટ ચટકાવવામાં ભારતીય બોલરોને સફળતા મળી હતી. જો કે, જે રીતે હવે પિચ ટર્ન થઈ રહી છે ત્યારે ઇંગ્લેન્ડની ટીમ વધુ ૩૦ રન કરીને ૩૦૦ રનનો ટાર્ગેટ પણ આપે તો ભારતીય ટીમ માટે ત્રણસો રનનો લક્ષ્યાંક પૂર્ણ કરવું કસોટી સમાન સાબિત થશે.

ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન તેમજ ઓપનર દ્વારા ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી વિકેટ માટે ૭૧ રનની પાર્ટનરશીપ થઈ હતી જ્યારે ત્રીજી વિકેટ માટે ૯૦ રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારબાદ ભારતીય બોલરોને પિચનો લાભ મળતાં સ્નેહ રાણાએ ૪૩ તેમજ દીપ્તિ શર્માએ બે વિકેટ પોતાના નામે કરી હતી. પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર ૬ વિકેટની નુકસાનીએ ૨૬૯નઓ રહ્યો હતો.હજુ ઇંગ્લેન્ડના હાથમાં ચાર વિકેટ છે ત્યારે લક્ષ્ય ૩૦૦+ નો મળે તેવી પ્રબળ શક્યતાઓ છે અને જો ૩૦૦+ નો લક્ષ્ય મળે તો ઇન્ડિયાએ પણ જીત માટે ભારે પરિશ્રમ કરવો પડશે તે બાબત પણ સ્પષ્ટ છે.