Abtak Media Google News

કારમાં યુવતી સાથે આવેલા ચાર શખ્સોએ પોલીસના સ્વાગમાં રૂ.૫ લાખ પડાવવા ચાર ચેકમાં સહી કરાવી લઈ ગયા

જમીન લે – વેચના બહાને સતત ફોન કરી દલાલને રૂબરૂ મળવા બોલાવી યુવતી સહિત પાંચે પોલીસ ફરિયાદ કહી ધમકાવ્યો

બાબરામાં માર્કેટિંગ યાર્ડ સામે રહેતા એસ્ટેટ બ્રોકરને અમદાવાદ પંથકની યુવતીએ જમીન લે-વેચના નામે સતત ફોન કરી બાદમાં રૂબરૂ મળવા બોલાવી તેને હની ટ્રેપ માં ફસાવીને ચાર શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપી રૂ.૧.૫૫ કરોડની માગણી કરી હતી.બાદ પૈસા નહિ મળતા બ્રોકરને મારમારી તેનો વીડિયો ઉતારી ફરિયાદ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂ.૫ લાખ વસૂલવા ચાર કોરા ચેકમાં સહી કરાવી પડાવી લીધા હતા.સમગ્ર મામલો પોલીસ થાણે પોહચતા પોલીસે એસ્ટેટ બ્રોકરની ફરિયાદ પરથી વધુ તપાસ હાથધરી છે.

બનાવની વિગતો મુજબ આ ઘટના બાબરામાં યાર્ડ સામે રામદેવનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ અમરશીભાઇ કરકર (ઉ.વ.42) સાથે બની હતી. એક યુવતી અને ચાર યુવાને તેને ફસાવવા જાળ નાખી હતી. એસી, ફ્રીઝ રિપેરિંગનું કામ કરતા અને સાથે એસ્ટેટ બ્રોકરનું પણ કામ કરતા આ યુવકના ફોન પર ત્રણેક માસ પહેલા અજાણી યુવતીનો ફોન આવ્યો હતો. અને જમીન લે-વેચના કામ માટે રાજકોટ રોડે મામાપીરના મંદિરે બોલાવ્યો હતો. ઔપચારિક વાત કરી બંને છૂટા પડ્યા હતા. ત્યારબાદ આ યુવતીનો અવારનવાર ફોન આવતો હતો અને જમીનની લે-વેચની વાતો કરી તમને મળવા માગું છું તેમ કહેતી હતી.

ગત 30મી તારીખે આ યુવતીનો ફરી ફોન આવ્યો હતો અને તે બાબરા આવી હોવાથી મળવા આવવા કહ્યું હતું. જેથી ભરતભાઇ કરકર પોતાનું મોટરસાઇકલ લઇ કરિયાણા રોડે ગયા હતા. અવાવરું જગ્યાએ ઊભેલી યુવતી બાઇક પર બેસી ગઇ હતી. જ્યાંથી બંને તાઇવદરના કાચા ગાડા માર્ગે ગયા હતા. જોકે યુવતીની હરકતો બરાબર ન હોય તેણે બાઇક પાછું વાળી લીધું હતું. બાબરામાં કરિયાણા રોડે પહોંચતા એક ઇકો કાર આડી ઉતરી હતી. તેમાં બેઠેલા ચાર શખ્સ બળજબરી કરી તેને કારમાં બેસાડયો હતો અને કારમાં બેઠેલા યુવકોએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું.

જેમાં યુવતીએ આ યુવક સાથે શરીરસંબંધ બાંધ્યો હોવાની કબૂલાત આપી હતી. અને બાદમાં યુવકને પણ આવી જ કબૂલાત કરવા દબાણ કરાયું હતું. જે ન કરતા તેને મારકૂટ પણ કરવામાં આવી હતી.આ પ્રકરણમાંથી છૂટવા એક કરોડ મગાયા હતા.બાદમા 50 લાખ અને અંતે 5 લાખની માગણી કરાઇ હતી. જોકે આ યુવક પાસે રકમ ન હોય તેના પુત્ર મારફત ચાર કોરા ચેક મગાવી લખાવી લીધા હતા. 5 લાખની રોકડ ચૂકવી આ ચાર ચેક લઇ જવાનુ કહી યુવકને છોડી દેવાયો હતો.

બે દિવસ સુધી નાણાંની વ્યવસ્થા ન થયા બાદ આખરે આ યુવાને બાબરા પોલીસમથકે દોડી જઇ મનીષા નામની આ અમદાવાદ પંથકની યુવતી તથા 4 સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ મામલે તપાસ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.