Abtak Media Google News

દેશ માટે કોલ્ડ ચેઈન, લોજીસ્ટીક અને રેફ્રિજરેટેડ ટ્રકની વ્યવસ્થા ઉભી કરવી અત્યંત જરૂરી

હાલ જે રીતે કોરોનાની મહામારી વિશ્ર્વ આખાને ધમરોળી રહ્યું છે ત્યારે રશિયાએ તેની રસી શોધયાની પહેલ હાથ ધરી છે અને બીજી તરફ તે રસીનું હ્યુમન ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે કોરોના રસી આવ્યા પછી પણ સરકાર માટે તે રસીના ડોઝને છેવાડાના ગામો અને છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો જે લક્ષ્ય છે તે જોજનો દુર દેખાય રહ્યો છે. આરોગ્યપ્રધાન હર્ષવર્ધનના જણાવ્યા પ્રમાણે સરકારે આ કાર્યને સિઘ્ધ કરવા માટેની પહેલ હાથ ધરી છે જેના પરિણામરૂપે ભારત દેશને ૧ લાખ જેટલા ફ્રિઝ અને ૧૧ હજારથી વધુના રેફ્રિજરેટેડ ટ્રકની સાથો સાથ કોલ્ડ ચેઈનની વ્યવસ્થા ઉભી કરવી અત્યંત જરૂરી બન્યું છે. બીજી તરફ ભારત દેશ માત્ર રસી બનાવવાથી જ કામ સિમિત થતુ નથી પરંતુ તેના માટે તેની કોલ્ડ ચેઈનની વ્યવસ્થા, વેર હાઉસ તથા પરીવહનની સેવા ઉભી કરવી એટલી જ જરૂરી છે. જેથી કોરોનાની રસીને જે જરૂરીયાત મુજબનું તાપમાન મળવું જોઈએ તે મળી શકે. એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, જે કોરોનાની રસી આવશે તેને ૦ ડિગ્રી તાપમાનમાં જ રાખવું અનિવાર્ય બનશે અને મહતમ તેણે ૨ થી ૮ ડિગ્રીના તાપમાનમાં રાખવું પણ અનિવાર્ય બની રહેશે. હાલ જે કોરોનાની રસીની મોડરના અને ફિઝીરબાયોએન્ટેક બનાવી રહ્યું છે તેને -૨૦ ડિગ્રી પર રસીને રાખી શકાય તે પ્રકારનું સંગ્રહ કરી શકે તેવું કોલ્ડ સ્ટોરેજ અને તે પ્રકારના જહાજની જરૂરીયાત ઉભી થઈ છે.

જયારે એવી જ રીતે બાયોએન્ટેકને -૭૦ ડિગ્રી સુધી કોરોનાની રસી રાખી શકાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવી પડશે. હૈદરાબાદ સ્થિત ડો.રેડીઝ લેબોરેટરીએ ૧૦ કરોડ સ્પીયુટનીક વી રસી કે જે રશિયાના સંયુકત ઉપક્રમે બનાવવામાં આવશે તે હાલ હ્યુમન ટ્રાયલ હેઠળ તેનું પ્રશિક્ષણ થઈ રહ્યું છે એવી જ રીતે સ્પીયુટનીક વી રસીને -૧૮ ડિગ્રીએ તેનો સંગ્રહ કરવા માટેની પણ વ્યવસ્થા ઉભી કરવી પડશે આ તમામ ચીજવસ્તુઓને ધ્યાને લઈ સરકારે રસીનું પરીવહન યોગ્ય રીતે થઈ શકે તે માટે લોજીસ્ટીકની વ્યવસ્થા અને કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રકચરની વ્યવસ્થા ઉભી કરવા માટે હાલ સરકાર કાર્ય કરી રહ્યું છે. એવી જ રીતે આરોગ્યપ્રધાન હર્ષવર્ધનના જણાવ્યા મુજબ આગામી જુલાઈ ૨૦૨૧ સુધીમાં ૪૦ થી ૫૦ કરોડ કોરોનાની રસી ૨૦ થી ૨૫ કરોડ લોકોને પહોંચાડવામાં આવશે પરંતુ પ્રશ્ર્ન એ છે કે અન્ય લોકોને આ રસી કયારે મળવાપાત્ર થશે જે કારણોસર સરકાર માટે રસી છેવાડા સુધી પહોંચાડવાનો લક્ષ્ય જોજનો દુર લાગી રહ્યું છે.

કોલ્ડ સ્ટોરેજ અંગે જો વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮ સુધીમાં ભારતમાં કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા ૩ થી ૩.૫ કરોડ મેટ્રીક ટનની જોવા મળી રહી છે જે શકિતને વધારવા માટે સરકાર હાલ વિચાર પણ કરી રહી છે. દેશમાં ૧૦ હજાર એવા કોલ્ડ ચેઈન આપનાર લોકો છે કે જેના કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા ૫ હજાર ટન જેટલી જોવા મળી રહી છે પરંતુ ભારત જેવા વિશાળ દેશમાં આ પ્રકારની સુવિધા મહતમ હોવાની એટલી જ જરૂરીયાત ઉભી થઈ છે. જયારે ટ્રાન્સપોર્ટેશન અંગે એટલે કે પરીવહન બાબતે વાત કરવામાં આવે તો ભારત પાસે વર્ષ ૨૦૧૮માં ૧૨,૭૦૦ રેફ્રિજરેટેડ વાહનો જોવા મળ્યા છે જેમાં હજુ અતીરેક ૧૧,૫૦૦ વાહનોની જરૂરીયાત ઉભી થઈ છે જેથી કોરોનાની રસી સમયાંતરે જરૂરીયાતના સ્થળો સુધી પહોંચાડવામાં આવે. કોરોનાની રસી નિર્ધારીત સમયમાં જો નિયત સ્થળ પર પહોંચાડાય તો તેમાં રહેલો પાવર લોકોને કોરોનામાંથી મુકત કરી શકે છે.  હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઈલેકટ્રોનિક વેકસીન ઈન્ટેલીજન્સ નેટવર્કની પઘ્ધતિ થકી રસીના સ્ટોક અને તેને કયાં તાપમાનમાં તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે તે અંગેની માહિતી અને તેનું નિયંત્રણ રાખવામાં આવશે. દેશ માટે સૌથી વધુ ચિંતાનો વિષય એ છે કે જે -૮૦ ડિગ્રી તાપમાનમાં રસીનો સંગ્રહ કરવો જોઈએ તે પ્રકારના કોલ્ડ સ્ટોરેજો હજુ દેશ પાસે ઉપલબ્ધ નથી જે એક સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે. સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કોવિડની રસીનું ઉત્પાદન ત્રણ વિસ્તારોમાં સૌથી વધુ જોવા મળશે જેમાં તેલંગણા, આંધ્રપ્રદેશ, પુના અને ગુજરાતમાં ઝાયડસ કેડિલા દ્વારા બનાવાશે.

અંતમાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે સરકાર માટે હાલ જે સૌથી મોટો પ્રશ્ર્ન હોય અને માથાનો દુખાવો હોય તો એ છે કે રસી આવ્યા બાદ તેની સંગ્રહશકિત અને પરીવહન સરકારે જો આ તમામ વિકટ પરિસ્થિતિમાંથી કુશળભેર બહાર નિકળવું હોય તો સરકારે આ કાર્યમાં ખાનગી કંપનીઓની મદદ લેવી એટલી જ જરૂરી છે કે જે સરકાર સાથે રહી કોરોનાની રસીનું ઉત્પાદન અને તેનું પરીવહન માટે સહાયરૂપ બની શકે અને ફાર્મા વેરહાઉસનું પણ સ્થાપના કરી શકે. ભારત વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોલ્ડ ચેઈન ક્ષેત્રે સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે પરંતુ કોરોનાની રસી માટે જે તાપમાનની જરૂરીયાત હોય તેને જાળવી રાખવા માટે સૌથી મોટા -૭૦ ડિગ્રી સુધીના કોલ્ડ સ્ટોરેજ હોવાની જરૂરીયાત રહેતી હોય છે જેને પૂર્ણ કરવું સરકાર માટે અત્યંત જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.