Abtak Media Google News

“દરેક જગ્યાની જેમ પોલીસદળમાં પણ પદ (હોદ્દા), પોસ્ટીંગ (નિમણૂંકનું સ્ળ) અને પ્રસિધ્ધી માટે ચાંપલૂંસી, માખણપટ્ટી અને ખટપટો ચાલતી જ હોય છે”

ગોધરા ખાતે ટ્રેન સળગાવ્યા ના હિંસક અને ઘાતકી બનાવના પ્રત્યાઘાત રૂપે સમગ્ર રાજયમાં શરૂ થયેલા કોમી તોફાનો સાથે ઉંઝાવિસ્તારમાં પણ શરૂ થયેલા તોફાનો મહાપ્રયત્ને ચાર પાંચ દિવસે કાબુમાં આવ્યા તેમ છતા પોલીસની ઉપાધી ઓછી થતી ન હતી ઉંઝા ઓડવાસમાં કિશોરનું ખૂન આતંકવાદીઓ કરી ગયા; ભુણાવ ગામેથી બે બાળકોને મહેરવાડા ગામ તરફ આતંકવાદીઓ ઉપાડી ગયાની ખોટી જાહેરાતો દ્વારા માહોલકે તખ્તો ગરમ જ રાખવા અમુક લોકો પ્રયત્નો કરી રહ્યા હતા તેવું પોલીસનું અનુમાન હતુ તેની સાથે સાથે એસએસસી, એચએસસી પરીક્ષાઓ, ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તેમજ મહોરમ શિવરાત્રીનાં તહેવારોમાં પોલીસે ભારે તનાવ સાથે બંદોબસ્ત કર્યો હતો. ઉંઝા ઓડવાસ અને ભુણાવ ડબલ ખૂન કેસના અનડીટેકસ ગુન્હાઓ તો શોધી કાઢી પીઆઈ જયદેવે કાયદો અને વ્યવસ્થાની સંભવિત મોટી આફતો તો ટાળી હતી તેમ છતા એક પછી એક ઉપાધી ઓ તો આવતી જ હતી.

એક બાજુ આ તમામ કોમી ગુન્હાઓની તપાસો, કોર્ટના આગોતરા જામીન ચકકર હજુ ચાલુ હતા ત્યાંજ એપ્રીલ મહિનામાં આંબેડકર જયંતીતે પછી ઐઠોર ગણપતિ મેળા બંદોબસ્ત આવ્યા દરમ્યાન રાહત કેમ્પોમાંથી હજુ કોમી તોફાનોની છૂટી છવાઈ ફરિયાદો આવી જ રહી હતી તેવામાં ભાંખર ગામે આગીયાવીર વૈતાલનો રાત્રીનો સશસ્ત્ર ડાંગ યુધ્ધનો મેળો આવ્યો ઉપલી કચેરીએ આ ભાંખર ના મેળા અંગે તકેદારી રાખવા જયદેવને ખાસ તાકીદ કરેલી ગામના પૂર્વ ઈતિહાસને કારણે તે પૂરૂ થતા જ ચૈત્રી પુનમનો ઉમિયા માતા મંદિર ઉંઝાનો મેળો આવતા પોલીસે તે પણ ખડે પગે અને તણાવપૂર્વક બંદોબસ્ત કર્યો.

આમ સમગ્ર માર્ચ અને એપ્રીલ મહિનો ઉંઝા પીઆઈ જયદેવે અનેક વિટંબણા ઓ અને ઉચ્ચક જીવે પસાર કર્યો.

માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં અગાઉ જણાવ્યા પ્રમાણે ગોધરાકાંડના પ્રત્યાઘાત રૂપે રાજયમાં થયેલ હિંસક અને ગંભીર તોફાનો અંગે વિવિધ મીડીયાઓ દ્વારા રાજકારણીઓ અને કહેવાતા બુધ્ધિ જીવીઓની ચર્ચાઓ વિવરણો અને પોતાના મંતવ્યો દ્વારા વિશ્ર્લેષણ કરી સમગ્ર રાજય અને આમતો સમગ્ર વિશ્ર્વમાં તેનું પ્રસારણ જે રીતે કરેલુ કે તોફાનોમાં વહીવટી તંત્ર સતાધારી રાજકારણનો હાથો બની ને કાર્ય કરી રહેલ હોવાનાં જે સાચા ખોટા આક્ષેપો થતા હતા તેને કારણે આ જનતામાં પણ તેની ચર્ચાઓ થતી હતી આથી રાજય સરકારે જે તે વખતે પોતે તટસ્થ અને નિષ્પક્ષ છે તે દુનિયા સમક્ષ સાબીતકરવા સમગ્ર રાજય પોલીસ દળમાં આદેશ કરેલો કે જે પોલીસ અધિકારીઓકે જવાનોએ આ તોફાનોમાં પ્રશંસનીય કાર્યવાહી કરી કિંમતી માનવ જીંદગીઓ બચાવી હોય તેનો અહેવાલ તાત્કાલીક તે પોલીસ વડાની કચેરીએ પહોચાડવાનો હુકમ થયેલો. આથી ઉંઝા પીઆઈ જયદેવને મહેસાણા જીલ્લા પોલીસ વડા તથા બંદોબસ્ત ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એવા પેન્થર સરે કહ્યું કે ઉંઝા ખાતે પોલીસે સમગ્ર ગુજરાતમાં કયાંય થઈ હોય તેના કરતા વધુ સારી કામગીરી કરેલ છે. જેમાં સેંકડો માનવ જીંદગીઓ બચાવેલ છે તેથી તે બનાવોનો વિગતવારનો અહેવાલ પોલીસ વડાને મોકલવા જણાવેલુ કેમકે ઉંઝા પોલીસની કામગીરી આખરે તો આ મહેસાણા જીલ્લાથી અને રાજય પોલીસ દળની જ કામગીરી કહેવાયને? આથી જયદેવે જેતે વખતે તા.૮મી માર્ચના રોજ ઉંઝા વિસ્તારમાં તા. ૨૮.૨ના નાગોરી બીલ્ડીંગના સળગતા મકાનમાંથી હજારોના તોફાની ટોળાઓ વચ્ચે જાનના જોખમે સર્વીસ રીવોલ્વરમાંથી ફાયરીંગ કરીને પણ ૨૮ લઘુમતી લોકોને બચાવેલા તે. બીજો બનાવ સમગ્ર રાજયમાં સૌ પ્રથમ તા.૨૮.૨ના રોજ કોઈ હુકમ કે સુચના ન હોવા છતાં પોતાની આંતરીક સુજથી નિર્ણય લઈ અગમચેતી રૂપે ઉંઝાના વિવિધ મિશ્ર વસ્તીવાળા મહોલ્લાઓમાં ફસાયેલા ૧૯૮ મુસ્લીમોને સલામત સ્થળાંતર કરાવેલ તે. ત્રીજો બનાવ મકતુપુર ગામે તા. ૨૮.૨ના રાત્રીનાં કલાક ૨૩.૩૦ વાગ્યે લઘુમતી મહોલ્લાને સળગાવી દીધેલ તેમાં ફસાયેલા ૬૫ લઘુમતી વ્યકિતઓને જાનના જોખમે પરંતુ યુકિત પૂર્વક રાત્રીનાં ઘનઘોર અંધારામાં સહી સલામત રીતે બચાવીને સ્થળાંતર કરાવેલ તે. ચોથો બનાવ તા.૨/૩ના રોજ મહેરવાડા ગામે તોફાની ટોળાઓ વચ્ચે ફસાયેલા ૨૫ લઘુમતીઓને બચાવીને સલામત સ્થળાંતર કરાવેલ તે. પાંચમો બનાવ તા. ૨/૩ના રોજ ઉંઝા કોટકુવા વિસ્તારમાં ત્રણ દિવસથી ઘરમાં ફસાયેલા બંગાળી મુસ્લીમ કુટુંબને તોફાની ટોળાઓને ખબર પડતા તેમના ઘરને ઘેરી લઈ મારવા પ્રયત્ન શીલ હતા ત્યાં પોલીસે તાત્કાલીક પહોચી જઈ ઝનુની ટોળાઓ વચ્ચેથી દસ માનવ જીંદગીઓને સલામત રીતે બચાવીને સ્થળાંતર કરેલ હતી.

આ પાંચેય બનાવોમાં પોલીસની ભૂમિકાની વિગત વર્ણવી ને આ કાર્યવાહીમાં જયદેવ સાથે રહેલા પોલીસ અધિકારીઓ, જવાનોના નામના લીસ્ટ સાથે મુદ્દામ માણસથી આ રીપોર્ટ મહેસાણા લોકલ ઈન્ટેલીજન્સ શાખાના ફોજદારને હાથો હાથ પહોચાડી સહી પણ લેવામાં આવેલ હતી.

આ દરમ્યાન તા.૪થી એપ્રીલ મહેસાણાના નાયબ કલેકટર (જમીન સુરક્ષા)ના ઓકે જેઓ આ કોમી તોફાનો દરમ્યાન ઉંઝા ખાતે ખાસ લાયઝન અધિકારી હતા એવા શ્રી સોલંકીએ જયદેવને નામ જોગ એક પ્રશંસા પત્ર આપેલો કે

“તા.૨૮/૦૨ થી તા. ૨/૦૩ દરમ્યાન ગોધરા રેલવે હત્યા કાંડના અનુસંધાને રાજયમાં ફાટી નીકળેલા હિંસક કોમી તોફાનો દરમ્યાન પોલીસ ઈન્સ્પેકટર જયદેવે મર્યાદિત પોલીસ દળ હોવા છતાં હિંસક માહોલમાં કુશાગ્ર બુધ્ધિથી નિર્ણય લઈ જાનના જોખમે ઉંઝા, મકતપુર, મહેરવાડા ગામોએ કુલ ૩૨૬ લઘુમતી મુસ્લીમોને બચાવીને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ઉમદા અને શૌર્યભરી, પ્રશંસાપાત્ર કામગીરી કરેલી.

ખાસ કરીને ઉંઝા અને મકતપુર ગામોએ તેમણે સળગતા મકાનોમાં જાનની પણ પરવા કર્યાસિવાય પ્રવેશ કરી કિંમતી માનવ જીંદગીઓ બચાવી અતિ શૌર્યભરી કામગીરી કરેલ જે બીરદાવા પાત્ર છે. અને ભવિષ્યમાં પણ આજ રીતે કામગીરી કરતા રહેશો તેવી અપેક્ષાએ રીતેનો પ્રશસ્તિ પત્ર જયદેવને આપેલો.

ત્યારબાદ ગુજરાત રાજયમાં અમુક જગ્યાઓએ સારી કામગીરીઓ કરનાર પોલીસ દળના અધિકારીઓ જવાનોને રાજય સરકારે મોટી રકમના ઈનામો માન અક્રામોની નવાજેશ કરેલી પરંતુ તેમાં મહેસાણા જિલ્લાનુ કયાંય નામઠામ ન હતુ, આથી પોલીસ વડાએ જયદેવને ટેલીફોન કરી પુછયું કે ‘તમે સારી કામગીરીના અહેવાલ જે તેસમયે મોકલ્યા નહતા?’ આથી જયદેવે કહ્યું કે જે દિવસે માહિતી માંગવામાં આવેલી તે જ દિવસે માહિતીમુદામ માણસથી એલઆઈબી ફોજદારને હાથો હાથ, સહી લઈને આપેલ છે. થોડીવારે પોલીસ વડાએ તેમની કચેરીમાં અહેવાલ અંગે ખાત્રી કરી જયદેવને કહ્યું કે નવેસરથી અહેવાલ તૈયાર કરી મને નામ જોગ બંધ કવરમાં મોકલી આપો.

દરેક જગ્યાએ તેમ પોલીસ ખાતામાં પણ આ દુષણ કહો તો દુષણ નહિ તો દુર્વ્યવહાર (જે હવે તો શિષ્ટાચાર થઈ ગયો જણાય છે) એવો છે કે લગભગ મોટાભાગનાં અધિકારીઓને પદ (હોદો), પોસ્ટીગ (નિમણુંક સ્થળ) અને પ્રસિધ્ધિ માટે અદમ્ય ઝંખના હોય જ છે. આથી કેટલાક આવી મનોવૃત્તિવાળા અધિકારી ઈર્ષાદ્વેષથી મનોમન બીજાનું સારૂ જોઈને પીડાતા પણ હોય છે. આ માટે (આ ત્રણની પ્રાપ્તી માટે) તેઓ અનેક પ્રકારની ચાંપલુસી, માખણપટ્ટી અને ખટપટો પણ કરતા રહેતા હોય છે. જયદેવનું માનવું હતુ કે, આ કિસ્સામાં પણ કાંઈક આવુંજ બન્યું હતુ કેમ કે અહેવાલ તો જે તે શાખાના જવાબદાર અધિકારીને હાથોહાથ જ આપ્યો હતો છતાં તે અંગે કોઈ કાર્યવાહી થઈ ન હતી તે આશ્ર્ચર્યજનક હતુ. આ શંકાની વાત એવી છે કે જયદેવને જ્યારે પ્રમોશન સો ઉંઝા નિમણૂંક મળેલી તે સમયે જયદેવની બેચના જ બે સીનીયર ફોજદારો ઉંઝા પોલીસ સ્ટેશનમાં હતા અને થોડા મહિના સાથે ફરજ પણ બજાવેલી, જેમને બાદમાં પોલીસવડાએ બદલાવેલા જેમાં એક ફોજદારની એલઆઈબી શાખામાં નિમણુંક થયેલી અને ઉંઝાના કોન્સ્ટેબલે આ ઉંઝા પોલીસની સારી અને ઉમદા કાર્યવાહીનો અહેવાલ તેમને જ હાથો હાથ પહોચાડેલ પરંતુ ઈર્ષા અને દ્વેષ ને કારણે કે પછી અન્ય કોઈ કારણસર અહેવાલ અભેરાઈએ ચડી ગયેલો. પરંતુ જયદેવની માન્યતા એવી હતી કે મહેસાણા જીલ્લામાં જે રીતે વિજાપૂરના સરદાર પૂરામાં વિસનગરનાં દીપડા દરવાજે અને ત્યાંના સરકારી હોસ્પિટલે તથા કડી બાવલુના જે જધન્ય હત્યાકાંડોની જે રીતે ચર્ચાઓ અને ટીકાઓ થતી હતી તે સાથે સાથે તેજ તોફાનોમાં ઉંઝા પોલીસની સમયોચિત અને મર્દાના કામગીરીની પોલીસ દળમાં પ્રશંસા પણ થતી અને તે ચર્ચાનો મુખ્ય મુદો પણ હતો તેમ છતા કોઈ અગમ્ય કારણોસર કે સંજોગોમાં આ ઉંઝા પોલીસની શ્રેષ્ઠ કામગીરીનો અહેવાલ ટલ્લે ચડયો કે ચડાવવામાં આવેલો.

આથી પીઆઈ જયદેવે ફરીથી આ અહેવાલ તૈયાર કરી પોલીસવડાની સુચના મુજબ ખાસ જાવક ક્રમાંક ૧૨ તારીખ ૨૧મી એપ્રીલે મહેસાણા પોલીસવડાને તેમના નામ જોગબંધ કવરમાં મોકલી આપ્યો.

તેમ છતા કોઈ અગમ્ય કારણોસર જયદેવનાઆ નવા અહેવાલનું પણ કાંઈ ઉપજેલ નહિ આથી જયદેવે એવું અનુમાન લગાવેલ કે આમાં કાં તો પોલીસ ખાતાની ખટપટ કે ઈર્ષા હોય અથવા જે તે વખતે જે રીતે રાજકીય રીતે આગામી વિધાનસભા ચૂંટણીઓ અંગે જે રીતેનો મતલક્ષી માહોલ તૈયાર કરવામાં આવતો હતો તે પણ હોઈ શકે. પરંતુ ટુંકમાં આ સદી દરમ્યાન જવલ્લે જ બનતી ઘટનાના આવા કોમી તોફાનોના ભયંકર માહોલમાં પણ પોલીસ દળ માટે આદર્શ રૂપ કે નમુના રૂપ કામગીરીની કોઈ નોંધ લેવાઈ નહિ ! તે પોલીસ દળને હતોત્સાહ કરનાર જ હતુ.

જયદેવના આધ્યાત્મિક ગૂરૂએ અગાઉ તેને અનેક વખત કહેલ કે આ ઈનામો અને રીવોર્ડઝ તો અંગ્રેજોએ પોતાની વફાદારી માટે તેમના સમયમાં ઉભી કરેલી એક પ્રથા છે. આપણે તો અધિકારીઓ છીએ આપણે તો તાબાના માણસોને  સારી કામગીરી બદલ ઈનામ અને પ્રોત્સાહન આપવાના હોય અને આપણે પોતે તો શ્રીમદ ભગવત ગીતાના સાર મુજબ કોઈ અપેક્ષા વગર તટસ્થ અને નિર્લેપ ભાવે કર્મ જ કરવાનું હોય તેમ કહી ગીતાના શ્ર્લોકો કહેતા

(૧) કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન્

મા કર્મફલહેતુર્ભૂર્મા તે સન્ગોઅત્સકર્મણિ ॥

અર્થાત: તારો કર્મ કરવામાં જ અધિકાર છે, તેના ફળોમાં કદીયે નહિ, માટે તું કર્મોના ફળનો હેતુ થામા; અર્થાત ફલાપેક્ષાથી રહિત થઈ કર્તવ્યબુધ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસકિત ન થાઓ.

(૨) યોગસ્થ: કુરૂ કર્માણિ સંન્ગત્યકત્વા, ધનંજય

સિધ્ધયસિદ્દયો: સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્ચતે ॥

અર્થાત: હે ધનંજય ! તું આસકિત ત્યજીને તથા સિધ્ધ (જયદેવના મતે પ્રસિધ્ધ પણ) અને અસિધ્ધિમાં સમબુધ્ધિ રાખીને કર્તવ્ય કર્મો કર, આ સમત્વ (સમભાવ)એજ કર્મ યોગ કહેવાય છે.

7537D2F3 10

જેમ દરેક જગ્યાએ છે તેમ પોલીસ તંત્રમાં પણ માર્કેટીંગનું અથવા સ્વપ્રસિધ્ધિ, ચાપલુસી, માખણ પટ્ટી વિગેરેજે શોર્ટકટ રસ્તા કહે છે તેનું મહત્વ વધી ગયું હતુ જયારે જયદેવ તો ઉપરોકત શ્ર્લોકોના આદેશ પ્રમાણે નિ:સ્પૃહતાથી કર્મ કરવામાં માનતો હતો. નહિ કે અન્ય શોર્ટકટથી જેથી તે તો પોતાનું કામ કર્યે જતો હતો.

પરંતુ મહેસાણા જીલ્લા પોલીસવડા નિષ્ઠાવાન અને સાચા અર્થમાં જીલ્લાનાં અધિકારી (એવા અધિકાર વાળા કે જેમને તાબાના કર્મચારીઓની કામગીરી અંગે પ્રોત્સાહન કે શિક્ષાના અધિકાર હોય તેવા અધિકારી) હતા. તેઓએ જયદેવના કામગીરી અહેવાલ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતતો કરી જ હશે. પરંતુ તેનું કાંઈ પરિણામ નહિ આવતા તેઓએ જાતે જ આ ઉંઝા પોલીસે કરેલી પ્રસંશનીય કામગીરીઓ માટે પોતાને મળેલી પોલીસ મેન્યુઅલ મુજબની સતાની રૂએ જયદેવ સહિત સાથેના જવાનો માટે ઈનામો જાહેર કર્યા.

જેમાં નાગોરી બીલ્ડીંગ વાળો કીસ્સો, તેમજ તારીખ ૨૮/૨ના રોજ પોતાની આગવી કોઠાસુઝથી જ લઘુમતી મહોલ્લાનાં લોકોને રાજયના સૌ પ્રથમ સલામત સ્થળાંતર રૂપે કરેલ કામગીરી અને મકતુપુર ગામે મધ્યરાત્રીનાં લોકોને બચાવેલા તથા કોટકુવા વિસ્તારમા બંગાળી લોકોને બચાવેલા તે દરેક બનાવો માટે રૂપીયા ૨૦૦-૨૦૦ રોકડા અને પ્રશંસા પત્રો આપ્યા તથા મહેરવાડા ગામેથી પણ લોકોને બચાવી સલામત સ્થળાંતર કરાવેલ તે માટે રૂપીયા ૧૦૦ અને પ્રશંસા પત્ર આપ્યા.

જોકે જયદેવને તો આ ઈનામો પ્રશંસા પત્રોથી કોઈ ફેર પડતો ન હતો. પરંતુ તેની સાથે કામ કરનારા અધિકારીઓ, જવાનો ખુશ થયા કે ચલો કોઈ કે તો આપણી જીવ સટોસટની કામગીરીની નોંધ તો લીધી ! પરંતુ જયદેવને મનમાં રંજ એ થયોકે પોતાની કામગીરીની પ્રશંસા તો સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પોલીસ વડાએ કરી પરંતુ વરવાડા અને પળીના સરપંચો તથા કોટકુવાના રાજુભાઈ જૈનની અને બ્રાહમણ શેરીના શિવમ રાવલ અને મિસ્ત્રી મેવાડાની કામગીરીની કોઈએ નોંધ લીધી નહતી જોકે આ લોકો તો પોતાના કાર્યથી જ સંતુષ્ઠ હતા.

આ દરમ્યાન ગોધરા કાંડના અનુસંધાને સમગ્ર રાજયમાં ફાટી નીકળેલા તોફાનો અંગે જે રીતે વૈશ્ર્વીક કક્ષાએ અને દેશ લેવલે રાજય સરકારની ટીકાઓ થતી હતી તેના જવાબ રૂપે એટલે કે ખરેખર આ વ્યાપક તોફાનો માટે કોણ જવાબદાર હતુ તે નકકી કરવા માટે એક તપાસ પંચ (ઈન્કવાયરી કમીશન) હાઈકોર્ટના નિવૃત જજોની આગેવાની હેઠળ સરકારે નીમી દીધું જે તપાસ પંચ નાણાવટી પંચ તરીકે પણ ઓળખાતું હતુ આ તપાસપંચે કામગીરી ચાલુ કરી દરેક પોલીસ સ્ટેશનો પાસેથી આ ગોધરા કાંડ અન્વયે થયેલ તોફાનોના ગુન્હાઓ અંગે સર્વગ્રાહી અહેવાલ મંગાવ્યો જેમાં તોફાનો શરૂ થયા તે તારીખ ૨૭/૨ના રોજનું જે તે થાણાનું મંજૂર અને હાજર પોલીસ જવાનોનું સંખ્યાબળ, તે વિસ્તારની ભૌગોલિક, સામાજીક, ગુન્હાકિય, ઔદ્યોગિક વિગેરે બાબતોનો પણ સમાવેશ કરવાનો હતો, આ અહેવાલ તા.૨૭/૨થી તા. ૩૦/૪ દરમ્યાન બનેલ કોમી ગુન્હાઓની જ વિગત આપવાની હતી તેમાં ગુન્હો કયા સમયે કઈ તારીખે કઈ જગ્યાએ બન્યો, બન્યોતે સમયે તે જગ્યાએ પોલીસ બંદોબસ્ત શું હતો, બનાવની ટુંક વિગત અને માનવ હત્યા તથા ગંભીર ગુન્હાઓ જે પ્રકારનો બનાવ હોય તે તથા તે તોફાનોમાં પોલીસ દળનો રોલ શું હતો વિગેરે દર્શાવવાનું હતુ આ સઘળી હકિકત મુદાવાઈઝ તૈયાર કરી.

જેતે પોલીસ સ્ટેશનના હવાલાવાળા અધિકારીએ એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ સોગંસનામું કરી, તે સોગંદનામા રૂપી અહેવાલ પોલીસ વડાની કચેરી મારફત તપાસ પંચને મોકલવાનું હતુ.

જોકે જયદેવ માટે આ ઉંઝા પોલીસ સ્ટેશનનો આ કામગીરી અહેવાલ પણ એક ઉદાહરણીય સર્વોત્કૃષ્ટ કામગીરી અહેવાલ જ બન્યો હતો, કેમકે ઉંઝા પોલીસે સર્વોત્તમ કામગીરી તોફાનો દરમ્યાન કરી હતી અને થાણા વિસ્તારમાં કોઈ જધન્ય હત્યાકાંડ બનવા પામેલ નહતો વળી મોટાભાગના આ ગુન્હાઓ શોધાયેલા હતા. અને લગભગ તમામ ધરપકડોથઈ ચૂકી હતી.

પરંતુ પોલીસ દળની ઉપાધી હજુ ઓછી થતી ન હતી આ તપાસો હજુ ચાલુ હતી ત્યાં જ રાજય વિધાનસભાનું વિસર્જન અને નવી વિધાનસભા માટેની ચૂંટણીઓ માટેના નગારા રણભેરીઓ વાગવા લાગી. તેમાં પણ પોલીસ દળ માટે સૌથી કષ્ટદાયક બંદોબસ્ત એવી ગૌરવયાત્રાના કાર્યક્રમો ચાલુ થઈ ગયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.