Abtak Media Google News

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો દ્વિતીય દિવસ હજારોની હૃદ્યધરાને કૃતકૃત્ય કરી ગયો

અબતક, રાજકોટ

મનનું માનીતું ત્યજીને નિ:સ્વાર્થ ભાવનાને કેળવતા કેળવતા મોક્ષની દિશા પામી લેવાના પરમ બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો દ્વિતીય દિવસ અનેક ભવ્ય જીવોના અંતરમનની ચેતનામાં સત્યનો સંચાર કરી ગયો હતો.

આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે મધુર વાણીમાં સમજાવ્યું હતું કે જગતના મિથ્યા આકર્ષણોમાં તો આપણે અનંત ભવ વ્યતીત કરી દીધા પરંતુ આ ભવમાં આપણા નિજી સ્વાર્થને ત્યજીને નિ:સ્વાર્થતાના ગુણોનું પ્રાગટ્ય કરીને વીતરાગતા તરફ આપણે પા પા પગલી ભરી લઇએ અને જીવનને સાર્થક કરીએ. કેમકે આ જગતનું સૌથી મોટું કોઇ પાપ હોય તો તે સ્વાર્થ. ઘર ઘરમાં કે અન્ય કોઇપણ ક્ષેત્રમાં ઉભાં થતાં દરેક પ્રોબ્લેમના મૂળમાં એક જ કારણ હોય છે, તે હોય છે સ્વાર્થ. અનેક અનેક ગુણોને પણ ભસ્મીભૂત કરી નાખે એવો એક અવગુણ તે છે સ્વાર્થ. સ્વાર્થના એન્જિન પાછળ લાગતી દરેક બોગી અવગુણયુક્ત જ હોય છે. એવા સ્વાર્થભાવને ત્યજીને પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ ! નિ:સ્વાર્થતા પ્રગટાવવાના આ ભવને પણ મેં સ્વાર્થ ભાવમાં નિરર્થક કરી દીધો છે. પરંતુ હવે નિ:સ્વાર્થ ભાવનાને એવી ઘૂંટી લઇએ કે મોક્ષની દિશા તરફ પા પા પગલી ભરી લઇએ. પરમાત્મા કહે છે, તારા સ્વાર્થભાવને મારવા અને નિ:સ્વાર્થતાને પ્રગટાવવા મનની ઇચ્છાનું મારણ કરી દે અને ઇચ્છાનું મારણ કરવા માટે ગુરુ ચરણમાં સમર્પિત બની જા ! ગુરુના ચરણમાં જેમ જેમ સમર્પણતા થતી જાય એમ એમ “હું મને અને મારુ ‚પી સ્વાર્થ ભાવ શૂન્ય બનતો જાય. આ પર્વાધિરાજ નિ:સ્વાર્થ ભાવનાનો સંદેશો આપવા આપણા આંગણે પધાર્યા છે.

પરમ ગુરુદેવના અમૃતતુલ્ય બોધ વચનોની સાથે જ, પૂજ્ય શ્રી પરમ આમન્યાજી મહાસતીજીને નમસ્કાર મંત્રને આત્મસાત કરીને જીવનમાં સ્વયંની ક્ષમતા અને ગુણોનું પ્રાગટ્ય કરવાની પાવન પ્રેરણા આપી હતી.

આજના દિવસે શ્રાવકના પરમ કર્તવ્ય એવા દાનધર્મની પરમ ગુરુદેવની પ્રેરણા સાથે ગોંડલ સંપ્રદાય સંસ્થાપક આચાર્યદેવ પૂજ્ય શ્રી ડુંગરસિંહજી સ્વામી સ્વર્ગારોહણ દ્વિશતાબ્દી અવસરે શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘ ગોંડલના ઉપક્રમે સમગ્ર સૌરાષ્ટ્રના શ્રી સંઘોમાં એકલવાયું જીવન વ્યતીત કરતાં વડીલો માટે અર્હમ ટ્રસ્ટ અમેરિકા અને જૈનના સહયોગે “વડીલ વાત્સલ્ય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેના અંતર્ગત જ‚રિયાતમંદ વડીલોને ‚પિયા ૨૧ હજારની સહાય આપવામાં આવશે.

પરમ ગુરુદેવ આદિ ૪૯ સંત-સતીજીઓથી ગુંજતા પરમધામ ચાતુર્માસના લાભાર્થી માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી પરિવાર-બાદશાહ પરિવારની ઉદાર ભાવનાથી તેમજ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો સંઘપતિ ‚પે લાભ લેનારા શાસનદીપક ગુરુદેવ પૂજ્ય શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ એવમ મા સ્વામી-પૂજ્ય શ્રી જય-વિજયાજી મહાસતીજીની પરમ સ્મૃતિમાં કવેસ્ટ ફાઉન્ડેશન-સાયનના ધર્મવત્સલા શ્રી બીનાબેન અજયભાઇ શેઠના સહયોગે લાભ લઇ રહેલા દેશ-પરદેશના હજારો ભાવિકો સાધનો-આરાધના-તપ- ત્યાગ સાથે આ પર્વાધિરાજને સાર્થક કરી રહ્યાં છે.

હજારો ભવ્ય જીવોને ધર્મ રંગે રંગી રહેલા ગ્લોબલ પર્યુષણ મહાપર્વના દ્વિતીય દિવસના પાવનકારી સંદેશ સાથે આવતીકાલે તૃતીય દિવસે પરમ ગુરુદેવના શ્રીમુખેથી આત્મકલ્યાણ નો એક નવો બોધ, નવી પ્રેરણા, નવું જ્ઞાન પામવા પ્રતિજ્ઞા કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.