માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્ન દર્શનની મહત્વતા સમજાવતા પૂ.નમ્રમુનિ મ.સા.

ઉવસગ્ગહરં સાધના ભવન (પારસધામ) દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો

 

અબતક, રાજકોટ

પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો તપ, જપ, આરાધના સહિત ધર્માનુષ્ઠાનો સાથે આગળ ચાલી રહ્યાં છે. ત્યારે આજે સ્થાનકવાસી જૈનોએ પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવ્યો છે. વિવિધ સંઘોમાં પૂજ્ય ગુ‚ભગવંતો દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચન, કલ્પસૂત્રોનું વાંચન, માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્ન દર્શન, ઉછામણીનો હર્ષોઉલ્લાસ સાથે પ્રસંગો ઉજવાયો છે.

ઉવસગ્ગહરં સાધના ભવન (પારસધામ) દ્વારા આજ રોજ આત્મીય યુનિવર્સિટી ખાતે પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓએ લાભ લીધો હતો. પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે ભગવાન મહાવીર સ્વામીના જન્મ વધામણાંમાં ભાવિકોને માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્નોનું વિસ્તાર પૂર્વક વર્ણન પોતાના મુંબઇ સ્થિત આશ્રમ ખાતેથી કર્યું હતું. આ વર્ચ્યુઅલ પ્રવચનનો દેશ-વિદેશના અનેક ભાવિકો લાભ લીધો હતો. વિશ્ર્વના કુલ-૧૧૦ દેશોમાં લોકોએ આ લાઇવ પ્રોગ્રામ નિહાળ્યો હતો. પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે ભગવાન મહાવીર સ્વામીના જન્મ વધામણાં અને સ્વપ્ન દર્શનની મહત્વતા ભાવિકોને પીરસી હતી.