Abtak Media Google News

પુરવઠા કૌભાંડમાં સંડોવાયેલાને જ ફરી એ જ કામગીરી

એજન્ટ, દલાલો સાથે નહીં અરજદારે સીધા જ આવવું એવા બોર્ડ …!!

રાજુલા મામલતદાર ઓફિસની પુરવઠા શાખામાં નવા-નવા ફતવાના સરકારના નામે બોર્ડ મારીને લોકોને ડરાવામાં અને ધમકાવવામાં આવી રહ્યાંનું લોકોમાંથી જાણવા મળે છે. અગાઉ થોડા સમય પહેલા કામના ભારણનું બહાનું કાઢીને લોકોએ બપોરબાદ રેશનકાર્ડ લગતું કામ લઈને નહીં આવવાનું બોર્ડ માર્યું જ્યારે હવે સરકારની સુચનાને નામે કચેરીમાં કોઈપણ કામ માટે અરજદારે જાતે અરજી તથા જરૂરી આધાર પુરાવા સહ આપવાનું રહેશે. એજન્ટ કે દલાલોએ અન્ય ઈસમની કોઈપણ અરજી લઈને કચેરીમાં આવવું નહીં તેવું બોર્ડ માર્યંુ છે.

આવા પ્રકારની નોટિસ મારતા લોકોમાંથી એવા સવાલો ઉભા થયેલ છે કે,અગાઉ રાશન કૌભાંડમાં સંડોવાયેલા મહેશ નકુમ નામના શખ્સને ફરીથી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે શા માટે રાખ્યા ? અને જો અરજદારોને સીધી રીતે કામ કરી આપવામાં આવતું હોય તો અરજદારો કોઈને સાથે રાખીને શા માટે જાય ?

આ નોટિસ બોર્ડ મારવાની શા માટે જરૂર પડી ? પુરવઠા વિભાગમાં અરજદારોને હેરાન-પરેશાન કરીને મનમાની રકમ વસુલાતી હોવાનું લોકોની ફરિયાદ છે.

રાજુલાના પુરવઠા વિભાગમાં કામગીરી નહીં થતી હોવાથી લોકો જાણીતા લોકોને અને કામગીરીથી વાકેફ હોય તેવા લોકોને લઈને જતા હોવાથી રેશનકાર્ડ સંબંધીત કામગીરી કરવી પડતી હોવાથી આવો ફતવો બહાર પાડ્યો હોવાનું લોકો જણાવી રહ્યાં છે.

સરકાર દ્વારા પુરવઠા વિભાગના કર્મચારીઓને કામગીરી કરવા માટે જ બેસાડ્યા છે અને જો સરકાર લોકોના કામ કરવા માટે જ પગાર આપે છે ત્યારે આ રાજુલાના પુરવઠા વિભાગને કામ કરવામાં શી તકલીફ પડી રહી છે તેવો સવાલ લોકો કરી રહ્યાં છે.

લોકો દ્વારા અવાર નવાર પુરવઠા વિભાગની આપખુદીની ફરિયાદો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યાં હોય કલેકટર આવા કર્મચારીઓને લોકો સાથે સુમેળતાથી કામગીરી કરવાનો હુકમ કરે તેવી માંગણી ઉઠી છે.

પુરવઠા વિભાગના અધિકારીને રાજુલામાં સજારૂપે મુકવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. પરંતુ આ અધિકારી દ્વારા લોકોને એવું કહેતા સંભળાય છે કે, મારી બદલી થશે તો કિલોમીટર ઘટશે વધશે નહીં જેથી આવા અધિકારીને અન્યત્ર મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ અંગે રાજુલાના પુરવઠા વિભાગની એવી હકિકતો પણ બહાર આવી છે કે, જો અરજદારો ડાયરેકટ મહેશ નકુમ સાથે વહીવટ કરે તો તેનું કામ ઝડપથી થઈ જાય છે અને ન કરે તો લોકોને એક અઠવાડિયા સુધી ધક્કા ખવડાવામાં આવે છે.

લોકોની એવી માંગ  છે કે રેશનકાર્ડ કૌભાંડના ફરિયાદમાં નામ હોવા છતાં મહેશ નકુમને શા માટે છાવરમાં આવે છે ? કે પછી તેના મારફત ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.